રાહુલ ગાંધીને ધમકાવી, ડરાવી, કેસ કરીને દબાવી શકાશે નહીં-વસાવડા

  • March 27, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ પાર્ટીની નીતિ ખૂબ જ સ્પષ્ટ રહી છે, અમારા નેતા રાહુલ ગાંધીને ડરાવવા, ધમકાવવાની કોશિષ કરીને તેના પર ખોટા કેસ કરવામાં આવે છે, પરંતુ અમારો અવાજ દબાવી શકાશે નહીં, આજે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં એઆઇસીસીની સૂચના મુજબ કાર્યક્રમો કરવામાં આવશે અને બે-ત્રણ દિવસમાં જ સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આ સજા અંગે અપીલ કરવામાં આવશે, અમોને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, ગૌતમ અદાણીની સેલ કંપનીઓ છે જેમાં રૂ. ર૦ હજાર કરોડનું રોકાણ કોઇએ કર્યું છે, આ રૂપિયા કોના છે એ અંગે તપાસ કરવા માટે રાહુલ ગાંધીએ લોકસભામાં માંગણી કરી હતી, તેના પ્રશ્ર્નો દબાવી દેવા માટે તેમની સામે હવે આ પ્રકારના કેસો કરવામાં આવે છે, રાહુલ ગાંધીએ ડરો મતનું સૂત્ર આપ્યું છે, કોલારમાં એક ઘટના બની તેમાં તે અંગે રાહુલ ગાંધી સામે સુરતમાં શા માટે કેસ કરવામાં આવ્યો ? અને ૧૬ એપ્રિલે તો કેસ દાખલ કરી દેવામાં આવ્યો, ફરિયાદી પાસે પૂરતા પુરાવાઓ પણ નથી, હાલમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ કોર્ટે પણ રાહુલ ગાંધીને માફી માગવાનું કહ્યું હતું અને થોડી મીનીટોમાં ૧૪૦ પાનાનો ચૂકાદો તા. ર૩ ને રોજ અપાયો અને તા. ર૪ ના રોજ તેમણે લોકસભાના સભ્ય પદેથી સસ્પેન્સ કરવામાં આવ્યા, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સત્તાધારી પક્ષ સંસદ ચાલવા દેતો નથી.


આગામી દિવસોમાં અમો કાનૂની કાર્યવાહી કરવાના છીએ, સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ જવાના છીએ, કોંગ્રેસ આગામી દિવસોમાં જનહિતના મુદ્દા ઉઠાવશે, અમારા નેતા કહ્યું છે કે, મને ભલે ગેરલાયક ઠેરવે, માર પડે, જેલમાં પણ મોકલી દયે, પરંતુ સત્ય માટેની તપશ્ર્ચર્યા ચાલુ રહેશે અને અમોને ન્યાય તંત્ર પર પૂરો વિશ્ર્વાસ છે, સંસદમાં અમારા નેતાનું ભાષણ કાઢી નાખવામાં આવે છે, ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેનું ભાષણ પણ રદ્દ કરી દેવામાં આવે છે, સંરક્ષણ અંગેની માહિતી માંગવામાં આવી હતી, તે પણ અપાઇ નથી.
કોંગ્રેસ આગામી દિવસોમાં ન્યાય મેળવવા માટે લડવાનું છે અને એઆઇસીસીની સૂચના મુજબ અમો સમગ્ર દેશભરમાં કાર્યક્રમો કરીશું, કાયદામાં ર૦ર નંબરની જોગવાઇ છે, જો ઘટના કોલારમાં બની હોય તો ત્રિવેન્દ્રમ આવીને ફરિયાદ નોંધાવો, પરંતુ આ કલમનો સીધો ભંગ કરાયો છે, અત્યાર સુધીમાં રાહુલ ગાંધી સામે આવી એક પણ ફરિયાદમાં સજા થઇ નથી અને આ મુદ્દાને અમો ચોક્કસપણે ઉઠાવીશું.


આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, જૈનબબેન ખફી, ભરતભાઇ વાળા, સંજય કાંબલીયા, સાજીદ બ્લોચ, પ્રવિણ જેઠવા, જે.પી. મારવીયા, હા‚ન પલેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application