સંપન્ન થઇ પ્રાણપ્રતિષ્ઠા વિધિ, જાણો મૂર્તિમાં કેવી રીતે મૂકાય છે પ્રાણ? કઈ બાબતોનું રાખવામાં આવે છે ધ્યાન?

  • January 22, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યાના રામમંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ છે. પીએમ મોદીએ ગર્ભગૃહમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો. તમને જણાવી દઈએ કે રામલલ્લાના અભિષેકની વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અયોધ્યામાં 16 જાન્યુઆરીથી રામલલ્લાની સ્થાપનાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અયોધ્યામાં આ ખાસ અવસર પર પીએમ મોદી સહિત દેશ-વિદેશના અનેક વીવીઆઇપી મહેમાનોએ પણ ભાગ લીધો હતો. રામલલ્લાના અભિષેક બાદ તેમની નયનરમ્ય પ્રથમ તસવીર પણ સામે આવી હતી. પણ રામ ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. ત્યારે આખરે પ્રાણપ્રતિષ્ઠા શું છે? શું મહત્વ રહેલું છે આ વિધિનું તેમજ પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયા શું છે તેના વિશે માહિતી આપીશું. તો ચાલો જાણીએ પ્રાણપ્રતિષ્ઠા વિશે.


પ્રાણ પ્રતિષ્ઠા શું છે?

મત્સ્ય પુરાણ, વામન પુરાણ અને નારદ પુરાણમાં પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તવમાં, આ એક ધાર્મિક વિધિ છે, જેના દ્વારા મંદિરમાં ભગવાન અથવા દેવીની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. આ સમગ્ર વિધિ દરમિયાન વૈદિક મંત્રોના પાઠ સાથે મૂર્તિની પ્રથમ વખત સ્થાપના કરવામાં આવે છે.


શા માટે જરૂરી છે પ્રાણપ્રતિષ્ઠા?

પ્રાણ પ્રતિષ્ઠા શા માટે મહત્વપૂર્ણ છે તે જાણતા પહેલા તેનો અર્થ જાણવો આવશ્યક બની રહે છે. પ્રાણ શબ્દનો અર્થ પ્રાણશક્તિ અને પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના. આ રીતે, પ્રાણ પ્રતિષ્ઠાનો શાબ્દિક અર્થ પ્રાણશક્તિ સ્થાપિત કરવાનો છે. પ્રાણપ્રતિષ્ઠા પછી ભગવાન કે દેવીની મૂર્તિની પૂજા કરવી આવશ્યક રહે છે. એવું માનવામાં આવે છે કે પ્રાણપ્રતિષ્ઠા પછી જો ભગવાન અથવા દેવીની સ્થાપિત મૂર્તિની પૂજા કરવામાં ન આવે તો તેની શક્તિનો ક્ષય થવા લાગે છે.


શું છે પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયા?

આ અનુષ્ઠાન પહેલા મૂર્તિને સન્માન સાથે લાવવામાં આવે છે. મૂર્તિની આંખે પાટા બાંધીને મહેમાનની જેમ આવકારવામાં આવે છે. ત્યાર બાદ તેને સુગંધિત વસ્તુઓથી લેપ કરવામાં આવે છે, દૂધથી સ્નાન કરાવ્યા બાદ સાફ કરી મૂર્તિને પ્રાણપ્રતિષ્ઠા કરવા યોગ્ય બનાવવામાં આવે છે. ત્યારબાદની પ્રક્રિયામાં, મૂર્તિને ગર્ભગૃહમાં મૂકીને પૂજન શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન મૂર્તિનું મુખ પૂર્વ તરફ રહે છે. તેને યોગ્ય સ્થાન પર સ્થાપિત કર્યા પછી, મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે.


અહીં નોંધનીય છે કે, પૂજા કર્યા બાદ સૌ પ્રથમ મૂર્તિની આંખો ખોલવામાં આવે છે, ત્યારબાદ આંખોમાં મધ લગાવવામાં આવે છે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ દેવતાની મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ આપણે મૂર્તિમાં દિવ્ય અનુભૂતિ અનુભવીએ છીએ.


શાસ્ત્રો અનુસાર મંત્રોના પ્રભાવથી મૂર્તિની આંખોમાં ઉર્જા આવે છે. તેનાથી કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે પ્રતિબિંબ એટલે કે અરીસાના દર્શન કરાવવામાં આવે છે. ત્યારે આંખોમાંથી નીકળતા પ્રકાશને કારણે અરીસો તૂટી જાય છે. શાસ્ત્રો અનુસાર એકવાર મૂર્તિનો અભિષેક થઈ જાય પછી તેને કોઈ જાળવણીની જરૂર પડતી નથી. તે હંમેશા માટે રહે છે અને તેની પૂજા અર્ચના થતી રહેવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application