સોમનાથના આકાશમાં જેલી ફિશ, બેટમેન, ઓકટોપસ સહિતના રંગબેરંગી પતંગોની ઉડાન પર લોકો મંત્રમુગ્ધ

  • January 13, 2023 12:49 AM 

સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી-૨૦ થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની દબદબાભેર ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા તેમજ આંતરરાષ્ટ્રીય કાઈટ ફ્લાયર્સના હસ્તે દીપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું હતું. જે પછી ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના ૧૬ દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતના ૭ રાજ્યોમાંથી આવેલા ૫૯ જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી.


પતંગોત્સવમાં આઈ લવ મોદી, જી૨૦ થીમ પતંગ જેલીફિશ, બેટમેન, રિંગ કાઈટ, ઓક્ટોપસ, કોબ્રા સહિતના પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ ઢોલ-શરણાઈના સૂર અને કુમકુમ તિલકથી તમામ કાઈટ ફ્લાયર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી દ્રોણેશ્વર સ્વા.ગુરૂકુળના વિદ્યાર્થીઓએ યોગવંદના દર્શાવી હતી જ્યારે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર કરી સૂર્યદેવને અંજલિ આપી હતી. આજોઠા કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ રંગભરી રાધા લાવણ્યનૃત્ય કર્યુ હતું. જ્યારે અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓએ મારૂ મન મોર બની થનગાટ કરે પર નૃત્ય કર્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભાવેશભાઈ ઉપાધ્યાયે તમામને ૨૫૦૦૦નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં. પરંપરાગત કાર્યક્રમ નિહાળી તમામ કાઈટ ફ્લાયર્સ મંત્રમુગ્ધ બન્યાં હતાં. 


પતંગોત્સવ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી પધારેલા તમામ નાગરિકોનું સ્વાગત છે. જેમ આકાશમાં હવાને ચીરી પતંગ ઉડે છે. તેમ પોતાના ધ્યેય તરફ આગળ વધી અનેક તોફાનોનો સામનો કરી પતંગની જેમ ઊંચાઈ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જ્યારે વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ પણ શાબ્દિક સ્વાગત કરી વિદેશી કાઈટ ફ્લાયર્સને આવકાર્યા હતાં.
​​​​​​​
આ તકે શાબ્દિક સ્વાગત નાયબ કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયાએ જ્યારે આભારવિધિ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયાએ કરી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો પણ પતંગોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને સફળ બનાવવા માટે વહીવટી તંત્રએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application