રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે 9 વર્ષના બાળકને હાથમાં ઇજા થતા 7 ટાંકા લઈ સર્જરી કરી 1.60 લાખનું બિલ પધરાવ્યુંઃ દર્દીના દાદાનો આક્ષેપ

  • March 12, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ અંગે દર્દીના દાદાએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સ્કૂટર પરથી પડી જવાના કારણે ઇજા પામેલા એક 9 વર્ષનાં બાળકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં ડોક્ટરોએ સર્જરી કરી બાળકનાં હાથમાં 7 ટાંકા લીધા હતા. પરિવારે મેડીકલેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. જોકે, દર્દીના દાદાએ એવો આક્ષેપ કર્યો છે કે, આ સામાન્ય સારવાર માટેનું હોસ્પિટલે રૂ. 1.60 લાખનું બિલ ફટકાર્યું હતું. જ્યારે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નિયમ મુજબ ચાર્જીસ લેવામાં આવ્યા છે.


બાળકનાં દાદા જગદીશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેમનો પૌત્ર અને પુત્રવધુ 4 માર્ચે સ્કૂટર પર જતાં હતાં. દરમિયાન ઓચિંતી બ્રેક લાગતા સ્કૂટરની સાથે પૌત્ર પણ પડી જતા તેનો હાથ ફસાઈ ગયો હતો. જે ખેંચવા જતા પતરું લાગવાથી હાથમાં ઇજા પહોંચી હતી. અને તે ખૂબ ગભરાઈને રડવા લાગતા તેને નજીકની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સ સહિત સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પૌત્રનાં હાથમાં પતરું લાગ્યું હોવાથી તરત ક્લીન કરવામાં આવ્યું હતું. તેમજ પાટો બાંધી આપ્યા બાદ સ્ટીચ લેવા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. 


રૂ. 1,60,910નું બિલ આપવામાં આવતા અમને ખૂબ આશ્ચર્ય થયું 
વધુમાં જણાવ્યું હતું કે, બાદમાં અમને મેડિક્લેમ અંગે પૂછવામાં આવતા અમે મેડિક્લેમ હોવાનું જણાવ્યું હતું. જેથી અમને 24 કલાક એડમિટ થવા માટે કહેતા અમે હા પાડી હતી. રાત્રે 10 વાગ્યા પછી પૌત્રને સ્ટીચ લેવા ઓપરેશન થિયેટર અંદર લઈ ગયા હતા. એકાદ કલાકમાં રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. સવારે તેને ખૂબ સારું હતું અને તે બોલતો ચાલતો અને હરતો-ફરતો હોવાથી અમે રજા માટે પૂછ્યું હતું. ત્યારે 24 કલાક થયા બાદ સાંજે રજા આપવાનું સ્ટાફ દ્વારા જણાવાયું હતું. બાદમાં સાંજે 7 વાગ્યાનાં સુમારે 24 કલાક પુરા થતા અમે ફરી રજા આપવા કહ્યું હતું. આ દરમિયાન કેશલેસ સારવાર હોવા છતાં રૂ. 10 હજાર રોકડ વસુલાયા હતા. જેમાંથી માત્ર રૂ. 1400નું રિફંડ આપવામાં આવ્યું હતું. જવાબમાં હજુ એપૃવલ નહીં આવ્યું હોવાનું જણાવાયું હતું. અને 5 માર્ચે છેક રાત્રે 10:40 વાગ્યે ડિસ્ચાર્જ કરાયા હતા. ત્યારબાદ છેલ્લે અમને રૂ. 1,60,910નું બિલ આપવામાં આવતા અમને ખૂબ આશ્ચર્ય થયું હતું.


કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી
વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય સ્ટીચ લેવાનું આટલું બિલ કઈ રીતે હોઈ શકે? આમ છતાંય અમે ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ અમે કેટલાક લોકોની સલાહ લીધી હતી. બાદમાં એક જાગૃત નાગરિક તરીકે હોસ્પિટલ સામે સવાલ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને અમે મીડિયા દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યો છે. અને જો હોસ્પિટલ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે. 

વાલીઓએ સંમતિ આપી હતી
આ મામલે વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટર હેડ ડો. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, દર્દીને અહીં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. અને સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડોકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application