રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં આજથી ડુંગળીનો વેપાર ઠપ્પ

  • December 11, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવ વધારાને રોકવા કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોના ખેડૂતોમાં તિવ્ર પ્રત્યાઘાતો પડયા છે. દરમિયાન આજે રાજકોટ માર્કેટ યાર્ડ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં ડુંગળીના વેપાર બંધ રહ્યા હોવાનું અને સવારથી તમામ માર્કેટ યાર્ડમાં આવક-હરરાજી સહિતના કામકાજ ઠપ્પ હોવાનું જાણવા મળે છે.



કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી લાગુ કરતા એક જ ઝાટકે ભાવમાં ૨૫ ટકા જેવો તોતિંગ ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સુધી રૂા.૭૦૦ થી ૮૦૦ના ભાવે વેચાતી ડુંગળીની નિકાસબંધી જાહેર કરાતા ફક્ત એક જ દિવસના અંતરે શનિવારે ભાવ રૂ.૫૦૦થી ૬૦૦ બોલાયા હતા જેથી ખેડૂતોમાં ભારે દેકારો હતો અને વેપારીઓમાં પણ તીવ્ર આક્રોશ હતો જેના પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં વેપાર બંધ કરવાનું એલાન અપાયું હતું જેના પગલે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની આવક અને હરાજી ઉપરાંત વેપાર પણ બંધ કરવામાં આવ્યો છે.


રાજકોટ ઉપરાંત ગોંડલ, મહુવા, જેતપુર, ભાવનગર, સહિતના યાર્ડોમાં ડુંગળીનો વેપાર ઠપ્પ થઇ ગયો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રની ડુંગળીની નિકાસ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થાય છે અને દરરોજ સરેરાશ ૨૦ હજાર ગુણીના વેપાર થતા હોય છે તેમ જણાવી વેપારીઓએ ઉમેર્યું હતું કે નવી આવકો શરુ થતાં દિવાળી બાદ ભાવ ઘટવા લાગ્યા હતા ત્યારે રાતોરાતનો આ નિર્ણય બિનજરૂરી છે. વ્હેલી તકે પાછો ખેંચાવો જોઇએ તેવી માંગણી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application