હિન્દુ નામ ધારણ કરી સગીરાને ભગાડી જનાર યુપીનો મુસ્લીમ શખ્સ પકડાયો

  • August 05, 2023 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રોજી પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે મુસ્લિમ સખ્સે ઇન્સ્ટાગ્રામ માં હિન્દુ નામ ધારણ કરી મિત્રતા કેળવી હતી, અને પ્રેમ જાળમાં ફસાવી બે વર્ષ પહેલાં સગીરાનુ અપહરણ કરી ગયો હતો. જામનગર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે અને બે- બે રાજ્યોની રજળપાટ પછી મુંબઈના નાલાસોપારામાંથી આરોપીને સગીરા સાથે ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરી લઈ તેની સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.


 આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે મિત્રતા કેળવી હોવાથી તે ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ ની ઊંડાણ પૂર્વકની તપાસ અને કોલ ડિટેઇલ ના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. 


જામનગરના રોજી પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં રહેતી સાડા બાર વર્ષની એક સગીરા ગત જુલાઈ ૨૦૨૧ના દિવસે પોતાના ઘેરથી લાપતા બની હતી, જેથી જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં તેની ગુમ-નોંધ કરાવાઈ હોવાનું અને તેણીનું કોઈ અજ્ઞાત શખ્સ અપહરણ કરી ગયો હોવાનું જાહેર કરાયું હતું.


 આ અપહરણના બનાવની સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી, ત્યારબાદ જામનગરના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ પી.બી. વાઘેલા તેમજ સ્ટાફના રણમલભાઈ ગઢવી, રાજદીપસિંહ ઝાલા, કિરણબેન અનેભાવનાબેન સહિતની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.


 સગીરાના મોબાઈલ ફોનના અનુસંધાને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન સગીરાના પિતા દ્વારા અભ્યાસ માટે તેની પુત્રીને મોબાઇલ ફોન અપાયો હતો, જે  પિતાનો  મોબાઈલ ફોન સગીરા વાપરતી હતી, અને તેણીએ ઇન્સ્ટાગ્રામમાં રાહુલ નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી.


 જેથી પોલીસની ટુકડીએ રાહુલ નામના વ્યક્તિને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી, અને તેનું સરનામું છેક ઉત્તર પ્રદેશનું હોવાનું નીકળ્યું હતું. જેથી જામનગરની પોલીસ ટુકડી ઉત્તરપ્રદેશ સુધી પહોંચી હતી. જયાં તપાસ દરમિયાન આરોપી હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું અને તેનું નામ અલ્તાફ ઉર્ફે બબલુ ઇરસાદ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું.


 જેના ઇન્સ્ટાગ્રામની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં તેણે રાહુલ ઉપરાંત અન્ય બે હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીઓના સંપર્કમાં રહેતો હતો, જેમાં જામનગરની સગીરા તેના સંપર્કમાં આવી ગઈ હતી, અને હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી લઇ ૨૦૨૧ના જામનગરમાંથી અપહરણ કરી ગયો હતો, અને લાપતા બન્યો હતો.


 જે આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા વધુ કવાયત કરવામાં આવી હતી. દરમિયાન આરોપીના આધારકાર્ડ ના નંબર થી એક સીમકાર્ડ ખરીદાયું હતું, અને તે સીમકાર્ડ ચાલુ થતાં તેનું ટાવર લોકેશન મેળવવામાં આવ્યું હતું અને ટાવર લોકેશન મુંબઈના નાલાસોપારા વિસ્તારનું મળ્યું હતું.


 તેથી જામનગરની પોલીસ ટુકડીએ મુંબઈમાં ધામા નાખ્યા હતા, અને આખરે પરમદિને નાલાસોપારા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો. જેની સાથે સગીરા પણ મળી આવી હતી. જે બંનેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરવામાં આવી છે, અને તેની સામે અપહરણ બાદ પોકસો એક્ટની કલમ, જ્યારે સગીરા દલિત જ્ઞાતિની હોવાથી એટ્રોસિટીની કલમ તેમજ સગીરા સાથે  દુષ્કર્મ ગુજાર્યું હોવાથી આ અંગેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જામનગરમાં પણ હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામ માં હિન્દુ યુવતીને ફસાવવાનું પ્રકરણ સામે આવતાં ચકચાર જાગી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application