જામનગર પંથકમાં રાક્ષસી વ્યાજની વસુલાત : વૃઘ્ધને મરી જવા મજબુર કર્યા

  • January 20, 2023 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા દંડો ઉગામીને કડક પગલા લેવામાં આવી રહયા છે, આઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભોગ બનનાર લોકોને ડર્યા વીના ફરીયાદ કરવા આહવાન કરાયું છે જે અનુસંધાને જુદા જુદા પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે વિધિવત ગુના દાખલ થયા છે, ધરપકડો કરવામાં આવી છે, દરમ્યાનમાં જામનગરના દરેડના વેપારીએ છ શખ્સો પાસેથી અઢી વર્ષના ગાળામાં જુદી જુદી રકમ વ્યાજે લીધી હતી જેનું ૨૦ ટકા જેટલુ ઉંચુ વ્યાજ લઇ સવા કરોડ જેવી રકમ વસુલવા ધાકધમકીઓ અને ચેક રીટર્નનની ફરીયાદ આપીને ધમકીઓ દીધી હતી.


જયારે હજામચોરાના વેપારીએ મોરબી પંથકના વ્યાજખોરોથી કંટાળીને ઘર છોડયા બાદ પણ વ્યાજખોરો દ્વારા તેમના પિતાને ત્રાસ આપવામાં આવતો હોય એટલું જ નહીં જમીનના દસ્તાવેજ બળજબરીથી કરાવી ફરીયાદીના પિતાને મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ દાખલ થતા અરેરાટી સાથે ચકચાર વ્યાપી છે.





જામનગરના દરેડના વાછરાડાડાના મંદિરની બાજુમાં રહેતા વેપારી જયરાજસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.૨૪)એ ગઇકાલે પંચ-બીમાં દરેડ બસ સ્ટેન્ડ પાસે રહેતા જયંતિ ગોહીલ, ગૌશાળા પાસે રહેતા વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા, રણજીતસાગર રોડ ખેતલાઆપા હોટલ ખાતે રહેતા મંગળસિંહ બહાદુરસિંહ જાડેજા, હર્ષદમીલની ચાલી ઢાળીયા પાસે રહેતા અનવર જુસબ ખફી, મસીતીયા રોડ સ્કુલ સામે રહેતા જયદીપ ચંદુ ગોસ્વામી અને ચેલા ગામના અર્જુનસિંહ માધુભા કેર આ છ શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત મનીલેન્ડસ એકટ મુજબ ફરીયાદ નોંધાવી છે.


આશરે અઢી વર્ષ પહેલા અને ત્યારપછીના સમયગાળા દરમ્યાન આરોપીઓએ નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં અલગ અલગ સમયે ફરીયાદીને જેમાં આરોપી જેન્તીએ રૂ. ૭૦ હજાર, વિજયસિંહે રૂ. દોઢ લાખ, મંગળસિંહે બે લાખ, અનવરે ૧૫ લાખ તથા જયદીપે બે લાખ અને અર્જુનસિંહે ચાર લાખ રૂપીયા માસિક ૨૦ ટકા ઉંચા વ્યાજદરથી આપ્યા હતા.
ફરીયાદીએ વ્યાજ સહિતની રકમ આપેલ હોય તેમ છતા ફરીયાદી પાસેથી ઉપરોકત શખ્સોએ અંદાજે સવા કરોડની અવાર નવાર ઉઘરાણી કરી ધાક ધમકી આપી વધુ રૂપીયાની માંગણી કરતા હોય તેમજ ફરીયાદી જયરાજસિંહ પાસે સ્ટેમ્પ પેપર ઉપર હાથ ઉછીના રૂપીયા આપેલનું લખાણ લખાવી કોરા ચેકો લઇ તે ચેક કોર્ટમાં ફરીયાદ આપી હતી.


તેમજ હજુ પણ ફરીયાદી પાસે વધુ રકમની માંગણી કરી ધાક ધમકી આપી બળજબરીથી રૂપીયા કઢાવવા માટે ઉઘરાણી કરતા હતા અને રૂપીયા નહીં આપે તો મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. ફરીયાદના આધારે પંચ-બીના પીએસઆઇ એમ.એ. મોરી અને રાયટર દિગુભા સહિતની ટુકડી તપાસ ચલાવી રહી છે. 


બીજી ફરીયાદમાં મુળ ધ્રોલના હજામચોરા ગામના વતની અને હાલ મોરબીના સનાળા રાઘવ સોસાયટી નંદની એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧ ખાતે રહેતા વેપારી બકુલભાઇ રવજીભાઇ રાસમીયા (ઉ.વ.૪૨)એ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોરબી મીયાણાના લુણસર ગામના સાગર જેન્તીલાલ પટેલ, દહીસરા ગામના હસમુખ કાનજી મિયાત્રા, ફડસર ગામના મહેશ નારણ ડાવેરા, ભરત જીવણ સોઢીયા, મોરબીના નાગડાવાસના ભગીરથ ઉર્ફે લાલજી કિશોર ધ્રાંગા, અશ્ર્વીન ગોવિંદ રાઠોડ, લાખા ગોવિંદ રાઠોડ, ટંકારા તાલુકાના સજજનપર ધુનડાના યશ ભીમજી રાણપરીયા અને સનાળાના લાખા કરણા આલની વિરુઘ્ધ આઇપીસી ૩૦૬, ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત મનીલેન્ડસ એકટ મુજબ ફરીયાદ કરી હતી.


આશરે ચાર-પાંચ વર્ષના ગાળા દરમ્યાન આરોપીઓએ ફરીયાદી બકુલભાઇને ઉંચા વ્યાજે રૂપીયા આપી પઠાણી ઉઘરાણી કરી બદલામાં ફરીયાદી પાસેથી બળજબરીથી બેન્કના કોરા ચેકો સહીવાળા લઇને તેમજ નોટરી રૂબરૂ રૂપીયાના લખાણ કરાવી, ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ દેતા હતા.


ત્રાસના કારણે બકુલભાઇ ઘર છોડીને જતા રહયા હતા, બાદમાં આ તમામ આરોપીઓએ ફરીયાદીના પિતા પાસે જઇને ફરીયાદીને આપેલ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરવાનું ચાલુ કર્યુ હતું અને ફરીયાદીના પિતાને ધાક ધમકી આપી તેઓને જમીન દસ્તાવેજ કરી આપવા મજબુર કર્યા હતા. આ રીતે મજબુર કરાવીને જમીન દસ્તાવેજ કરાવી લઇ બળજબરીથી વધુ રૂપીયાની ઉઘરાણી કરી ફરીયાદીના પિતાને મરવા માટે મજબુર કરતા ફરીયાદીના પિતાએ જંતુનાશક દવા પી લીધી હતી, આ ફરીયાદના આધારે ધ્રોલના પીએસઆ પી.જી. પનારા ચલાવી રહયા છે.



જામનગર સહિત રાજયમાં વ્યાજખોરો સામે અભિયાન આદરવામાં આવ્યું જે જુદા જુદા સ્થળોએ લોકદરબાર યોજીને ભોગ બનનાર લોકોને આગળ આવવા આહવાન કરાઇ રહયું છે, અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત જામનગર શહેર-જીલ્લામાં વ્યાજખોરો સામે અસંખ્ય ફરીયાદ નોંધાઇ ચુકી છે, કેટલીક રજુઆતોની તપાસ થઇ રહી છે અને ફરીયાદ અનુસંધાને વ્યાજખોરોની અટકાયત કરીને કડક પગલા લેવામાં આવી રહયા છે ત્યારે ઉપરોકત વધુ બે ફરીયાદથી ચકચાર વ્યાપી છે અને આ દિશામાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application