મિઝોરમ : પ્રથમવાર ચૂંટણી લડનાર ઝેડપીએમને મળી બહુમતી, લાલદુહોમાની જાહેરાત, “આ મહિનામાં જ લઈશ શપથ”

  • December 04, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના થોડા સમય બાદના જ પ્રારંભિક વલણોમાં, વિપક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) એ રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (એમેનએફ) પર લીડ મેળવી છે. આજની મતગણતરી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મુવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલાની અપેક્ષા હતી પણ પ્રથમવાર ચુંટણી લડનાર ઝેડપીએમએ રેકોર્ડ બ્રેક કર્યો છે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના ઉપમુખ્યમંત્રી તવાનલુઈયા તુઇચાંગમાં ઝેડપીએમ ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામા સામે હારી ગયા છે. મિઝો નેશનલ ફ્રન્ટના તવાનલુઈયાને ૬,૦૭૯ વોટ મળ્યા, જ્યારે ઝેડપીએમના ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામાને 6,988 ૬,૯૮૮ વોટ મળ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સી લાલહરિયાતુયાને ૧,૬૭૪ વોટ મળ્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર લાલહમુન્સિયામીને માત્ર ૬૭ વોટ મળ્યા.
​​​​​​​


ઝેડપીએમના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું, 'આવતી કાલે અથવા પરમ દિવસે હું રાજ્યપાલને મળીશ. શપથગ્રહણ આ મહિને થશે. આ સિવાય તેમણે કહ્યું કે મિઝોરમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ વારસો છે જે આપણે વિદાય લેતી સરકાર પાસેથી મેળવવા જઈ રહ્યા છીએ. અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરવા જઈ રહ્યા છીએ. નાણાકીય સુધારણા જરૂરી છે અને તેના માટે અમે સંસાધન એકત્રીકરણ ટીમ બનાવવા જઈ રહ્યા છીએ.

રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની સાથે મિઝોરમમાં મતગણતરી થવાની હતી. જો કે, રાજકીય પક્ષો, એનજીઓ, ચર્ચ અને વિદ્યાર્થી સંગઠનોની અપીલ બાદ ચૂંટણી પંચે તેને મુલતવી રાખ્યું કારણ કે ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. મિઝોરમ વિધાનસભા માટે ૭ નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના ૮.૫૭ લાખ મતદારોમાંથી ૮૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application