માયાવતીનો BSP માટે મોટો નિર્ણય, ઉત્તરાધિકારી તરીકે ભત્રીજા આકાશ આનંદની પસંદગી

  • December 10, 2023 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા, બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ રવિવારે એક મહત્વપૂર્ણ પાર્ટીની બેઠક દરમિયાન તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. આ પહેલા માયાવતીએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીની જવાબદારી સોંપી હતી. જો કે ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું.


પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ લખનૌમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં આકાશ આનંદને મોટી જવાબદારી આપવાની જાહેરાત કરી હતી. આકાશને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરતાં તેમણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય સમગ્ર દેશની જવાબદારી આકાશ આનંદને સોંપવાની જાહેરાત કરી હતી. આકાશ બસપા પ્રમુખ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે. આકાશે લંડન કોલેજમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. લગભગ છ વર્ષ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ માયાવતીએ સહારનપુરમાં એક રેલીમાં આકાશને લોન્ચ કર્યો હતો.


એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ માયાવતીએ બીજી પેઢીને આગળ લઈ જવાની શરૂઆત કરી હતી. આ ક્રમમાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાજકારણમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. માયાવતીએ તેમને પાર્ટીમાં ઘણા મહત્વપૂર્ણ પદો આપ્યા હતા. આકાશને ચૂંટણી રાજ્યોના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા.


પાર્ટીની અંદરથી ઝડપથી ઉભરેલા આકાશ આનંદે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ યાત્રા શરૂ કરી હતી. આકાશે 'સર્વજન હિતાય, સર્વજન સુખાય સંકલ્પ યાત્રા'ના નામે સાડા ત્રણ હજાર કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રાને ‘બહુજન અધિકાર યાત્રા’ નામ પણ આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application