KKR, SRH, DCની સતત જીતથી રોમાંચક થઇ પ્લેઓફની રેસ

  • May 09, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમામ ૧૦ ટીમો છે અંતિમ–૪ની દાવેદાર: આઈપીએલની આ સીઝનમાં માત્ર ગુજરાત ટાઇટન્સ જ એવી ટીમ છે જે ૮ મેચ જીતીને પ્લેઓફની ઉંબરે ઉભી છે




આઈપીએલ ૨૦૨૩ માં પ્લેઓફની રેસ રોમાંચક બની રહી છે. આ સીઝનની અત્યાર સુધી ૫૩ મેચ રમાઈ છે અને એક પણ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી કે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. એક સમયે કેકેઆર, ઐસઆરએચ અને ડીસી ૬–૬ મેચ હારી ચૂકયા હતા અને પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ હતું, પરંતુ આ ટીમો હજુ પણ ટકી રહી છે. આ ટીમોએ બેક ટુ બેક મેચો જીતીને માત્ર પ્લેઓફમાં પ્રવેશની આશા જીવતં રાખી નથી, પરંતુ બાકીની ટીમો માટે પણ મુશ્કેલી ઊભી કરી છે.





આઈપીએલની આ સીઝનમાં માત્ર ગુજરાત ટાઇટન્સ જ એવી ટીમ છે જે ૮ મેચ જીતીને પ્લેઓફની ઉંબરે ઉભી છે અને તેની એન્ટ્રી લગભગ ફિકસ ગણી શકાય. બાકીની ટીમોમાં કોઈનો દાવો મજબૂત કહી શકાય નહીં. સીએસકેને અત્યાર સુધી ૧૧ મેચમાં ૬ જીત મળી છે, યારે લખનઉ, રાજસ્થાન અને પંજાબની ટીમો ૧૧–૧૧ મેચમાં ૫–૫ જીત સાથે મેદાનમાં છે. મુંબઈ અને બેંગ્લોરે પણ ૫–૫ મેચ જીતી છે. ગઈકાલની મેચ જીત્યા બાદ હવે કેકેઆરની પણ ૫ જીત છે. યારે દિલ્હી અને હૈદરાબાદની ૪–૪ જીત છે. આ બંને ટીમો પાસે એક વધારાની મેચ પણ છે.





દિલ્હી કેપિટલ્સ એક સમયે આ સીઝનની પ્રથમ પાંચ મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાં બહાર થનારી પ્રથમ ટીમ બનવાની નજીક હતી. પરંતુ આ ટીમે જોરદાર વાપસી કરી અને છેલ્લી ૫માંથી ૪ મેચ જીતીને બધાને ચોંકાવી દીધા. હવે આ ટીમના મોટાભાગના ખેલાડીઓ લયમાં જોવા મળી રહ્યા છે. દિલ્હીએ છેલ્લી મેચમાં જે રીતે આરસીબીને એકતરફી રીતે હરાવ્યું હતું, તે જોતાં આ ટીમ પ્લેઓફમાં પહોંચવાની શકયતા નકારી શકાતી નથી. જો કે, દિલ્હીએ હજુ પણ અહીં તેની બાકીની તમામ મેચ જીતવી પડશે.





સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સીઝનમાં જીત અને હારની પ્રક્રિયા ચાલી રહી છે. ૭ મેના રોજ રમાયેલી મેચમાં તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી પરંતુ રાજસ્થાન રોયલ્સના સંદીપ શર્માના નો–બોલે આ ટીમને જીવતદાન આપ્યું હતું. સનરાઇઝર્સે આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવતં રાખી છે. એસઆરએચને પ્લેઓફમાં પ્રવેશવા માટે બાકીની તમામ ૪ મેચો પણ જીતવી પડશે.





યારે કેકેઆર આ સીઝનની તેમની છઠ્ઠી મેચ ૨૯ એપ્રિલે હારી ગઈ હતી, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે હવે કેકેઆર આગામી એક કે બે મેચમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. પરંતુ આ ટીમે તેની અગાઉની બંને મેચો રોમાંચક રીતે જીતી લીધી હતી અને હવે સ્થિતિ એવી છે કે આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જો  અહીંથી બાકીની ત્રણેય મેચ જીતી લે છે, તો તે પ્લેઓફમાં પણ પહોંચી શકે છે.



કોલકાતાએ જીત સાથે પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી


કોલકાતા નાઈટ રાઈડર્સએ પંજાબ કિંગ્સ સામે ૫ વિકેટની જીત સાથે પ્લેઓફની રેસમાં પોતાની ટીમને જાળવી રાખી છે. આ મેચ પહેલા કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં ૮ પોઈન્ટ સાથે ૮મા સ્થાને હતી. હવે જીત બાદ કોલકાતાએ લાંબી છલાંગ લગાવી છે અને ૧૦ પોઈન્ટ સાથે ૫માં સ્થાને પહોંચી ગઈ છે. કોલકાતાનો નેટ રનરેટ હાલમાં –૦.૦૭૯ છે.





જયારે પોઇન્ટ ટેબલમાં ૫૩ લીગ મેચો બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ ૧૧ મેચમાં ૮ જીત સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાતનો નેટ રન રેટ ૦.૯૫૧ છે. બીજા સ્થાને ૧૩ પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જેનો નેટ રનરેટ ૦.૪૦૯ છે. લખનૌ સુપર જાયન્ટસ અને રાજસ્થાન રોયલ્સ ટીમ અનુક્રમે ૧૧ અને ૧૦ પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.




આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં ૧૦–૧૦ પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રનરેટને કારણે આરસીબી છઠ્ઠા સ્થાને, પંજાબ ૭માં અને મુંબઈ ઈન્ડિયન્સ ૮માં સ્થાને છે. આરસીબીનો નેટ રનરેટ હાલમાં –૦.૨૦૯, મુંબઈનો –૦૪૫૪ યારે પંજાબનો –૦.૪૪૧ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને છે, યારે દિલ્હી કેપિટલ્સ ટીમ ૧૦ મેચમાં ૮ પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે, જેનો નેટ રનરેટ –૦.૫૨૯ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application