કેરલ : RSS નેતા રણજીત શ્રીનિવાસની હત્યા મામલે PFIના 15 એક્ટીવીટીસ્ટને અપાઈ ફાંસીની સજા

  • January 30, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપ નેતા અને વ્યવસાયે વકીલ રણજીતના ઘરમાં ઘુસી માતા, પત્ની અને બાળકોની સામે કરવામાં આવી હતી હતી હત્યા ; ૨૫ મહિના બાદ હત્યારાઓને સંભળાવાઇ સજા



કેરળની એક સ્થાનિક અદાલતે આરએસએસ નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પ્રતિબંધિત સંગઠન પીએફઆઇના ૧૫ કાર્યકરોને ફાંસીની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. રણજીતની ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ અલપ્પુઝામાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી.

રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આજે તમામ ૧૫ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે ૮ આરોપીઓને આ હત્યામાં સીધા સંડોવાયેલા હોવાનું તારણ કાઢ્યું છે. આ ૮ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા), ૧૪૯ (ગેરકાયદેસર રીતે સભા), ૪૪૯ (મોતના કાવતરા માટે કોઈના ઘરમાં અતિક્રમણ), ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) અને ૩૪૧ (ગુનાહિત દુષ્કર્મ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે હત્યાના સમયે, ૯ આરોપીઓ હથિયારોથી સજ્જ હતા અને રણજીત સિંહના ઘરની બહાર ચોકી કરતા હતા. કોર્ટે તેમને આઈપીસીની કલમ ૩૦૨ આર/ડબલ્યું ૧૪૯ અને ૪૪૭ હેઠળ દોષિત ઠેરવ્યા છે.


કોર્ટે આરએસએસ નેતાની હત્યામાં નઈસમ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, અબ્દુલ કલામ, સફરુદ્દીન, મંશાદ, જસીબ રાજા, નવાસ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શેરનુસ અશરફને દોષી ઠેરવ્યા છે. રણજીત બીજેપીના ઓબીસી મોરચા સાથે પણ જોડાયેલા હતા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ ના ​​રોજ તેની પત્ની અને માતાની સામે તેના ઘરમાં તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પીડિતના પક્ષે કોર્ટમાં ગુનેગારોને મહત્તમ સજા કરવાની માગણી કરી હતી. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓ પ્રશિક્ષિત હત્યારા હતા અને તેઓએ રણજીતની તેની માતા, બાળકો અને પત્નીની સામે નિર્દયતાથી હત્યા કરી હતી. રણજીત વ્યવસાયે એક વકીલ હતા.


માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો. પીડિતાના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેન્ડ કિલર સ્ક્વોડનો ભાગ છે. પીડિતને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News