જગદીશ ત્રિવેદીના ન્યુ જર્સી અમેરિકાનાં એક જ કાર્યક્રમમાંથી ગુજરાતની કેન્સર હોસ્પિટલને પંચાસી લાખ રૂપિયાનું દાન

  • June 05, 2023 12:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાતના હાસ્યકલાકાર, લેખક , ચિંતક તેમજ સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીના માટે અમેરીકા અને કેનેડાનાં પ્રવાસે છે. ત્યારે તેમના કાર્યક્રમોમાં માતૃભૂમિ ગુજરાત માટે દાનનો ધોધ વરસી રહ્યો છે.


તેમણે પોતાના આ પ્રવાસનાં કુલ ચાલીસ કાર્યક્રમોમાંથી પ્રથમ પંદર કાર્યક્રમો વડોદરા પાસે આવેલા ગોરજ ગામના મુની સેવા આશ્રમના કૈલાસ કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરને અર્પણ કરેલ છે.


જગદીશ ત્રિવેદીએ મે મહિનામાં કેનેડામાં આ હોસ્પિટલ માટે આઠ કાર્યક્રમો કરીને કુલ ૧,૧૨,૬૦૦ કેનેડીયન ડોલર એટલે કે ભારતના ૬૮ લાખ રુપિયાનું ભંડોળ એકત્ર કરી આપ્યું હતું. 


ત્યારબાદ જૂન મહિનાથી અમેરીકામાં એમના કાર્યક્રમો શરું થયા જેમાં ગઈકાલ બીજી જૂનના રોજ સમરસેટ ન્યુ જર્સીના એક જ કાર્યક્રમમાં કુલ ૧,૦૬, ૦૦૦ અમેરીકન ડોલર એટલે કે આશરે  ૮પ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું હતું. 


આ કાર્યક્રમમાં અમેરિકાનાં જાણીતા ડોક્ટર પદ્મશ્રી સુધીરભાઈ પરીખ સહીત આશરે પાંચસો જેટલાં ન્યુ જર્સીના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં ડો. જયેશ કાનુગા અને એમના ધર્મપત્નિ ડો. ધર્મીષ્ઠા કાનુગા તરફથી પચાસ હજાર ડોલર એટલે ચાલીસ લાખ રુપિયાનું દાન પ્રાપ્ત થવાથી કુલ દાન ૧,૦૬,૦૦૦ અમેરીકન ડોલર એટલે કે પંચાસી લાખ રુપિયા સુધી પહોંચી ગયું હતું.


ન્યુ જર્સીમાં રહેતા મુની સેવા આશ્રમના સમર્પિત સેવકો ડો. યોગેન્દ્ર પટેલ અને ડો. નીલા પટેલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ ગોરજ વડોદરાથી ખાસ પધારેલા ઋષિતૂલ્ય સેવક હેમંત પટેલે ગોરજની સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોને વાકેફ કર્યા હતા અને દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


જગદીશ ત્રિવેદીએ સાંજના સાત વાગ્યાથી રાતના સવા દસ વાગ્યા સુધી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા અને હાસ્ય સાથે દાનનો મહિમા અને હદયસ્પર્શી વાતો દ્રારા લોકોને ખૂબ રાજી કર્યા હતા. કૈલાસ કેન્સર હોસ્પિટલનાં પંદર જેટલાં કાર્યક્રમોમાં ઓછામાં ઓછું ત્રણ કરોડ રુપિયાનું દાન એકત્ર થશે એવી જગદીશ ત્રિવેદીએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application