ત્રીજી ટી20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ મેદાન મારશે તો બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

  • January 17, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પહેલા જ કબજે કરી લીધી છે. હવે ભારત ત્રીજી મેચ જીતીને અફઘાનિસ્તાનનો સફાયો કરવાનો પ્રયાસ કરશે. જો ટીમ ઈન્ડિયા અફધાનિસ્તાનનો સફાયો કરવામાં સફળ રહેશે તો તે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.


વાસ્તવમાં ત્રણ કે તેથી વધુ મેચોની ટી20 સિરીઝની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભારત અને પાકિસ્તાને સૌથી વધુ દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં તેની સામે રમી રહેલી ટીમને સંયુક્ત રીતે જીતી છે. બંને ટીમોએ આઠ ટી20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી મેચ જીતીને ભારત નવમી શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે અને આ સાથે જ સિદ્ધિ મેળવનારી પ્રથમ ટીમ પણ બની જશે. ભારત અને પાકિસ્તાન બાદ ઈંગ્લેન્ડની ટીમ આ યાદીમાં ચાર ક્લીન સ્વીપ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા ત્રણ વખત આવું કરી ચુક્યા છે.


મહત્વનું છે કે, જૂનમાં વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી ટી20 મેચ છે. અફધાનિસ્તાનની ટીમ જીત માટે જોર લગાવી રહી છે. ભારતે ટી20ની આ શ્રેણીની મોહાલી અને ઈન્દોરમાં રમાયેલી બન્ને મેચ પોતાના નામે કરી છે. ભારતે શ્રેણીની બંને મેચ છ વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ મેચ 17.3 ઓવરમાં 159 રનનો પીછો કરીને અને બીજી મેચ 173 રનનો પીછો કરીને 15.4 ઓવરમાં જીતી લીધી હતી.


ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ખૂબ જ આક્રમક વલણ સાથે રમી છે. જે શિવમ દુબે અને વિરાટ કોહલીની બેટિંગમાં સ્પષ્ટપણે દેખાય છે. કોહલી ઈન્દોરમાં 14 મહિના પછી ભારત માટે ટી20 મેચ રમી રહ્યો હતો, પરંતુ તેણે 181ના સ્ટ્રાઈક રેટથી 16 બોલમાં 29 રન બનાવ્યા. એટલું જ નહીં અફઘાન સ્પિનર ​​મુજીબ-ઉર-રહેમાનને કોહલીએ જે રીતે રમ્યો હતો તે તેની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સની ખાસ વાત બની રહી. કોહલીએ મુજીબ તરફથી સાત બોલમાં 18 રન બનાવ્યા અને તેની સામે 257ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. કોહલી હંમેશા સ્પિન સામે ધીમી ગતિથી રમે છે. પરંતુ આ વખતે તેણે આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ત્યારે હાલ તો વર્લ્ડ રેકોર્ડથી એક જીત દૂર છે ટીમ ઈન્ડિયા. ટીમ ઇન્ડિયા ટી20 શ્રેણીની આ ત્રીજી મેચમાં મેદાન મારી લે તો તે પાકિસ્તાનને પાછળ છોડીને ઈતિહાસ રચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application