તમાકુનું સેવન ફેફસા, પેટ, હદયની તકલીફો અને આગળ જતાં જ્ઞાનતંતુઓને પણ અસર કરે છે

  • June 11, 2024 04:56 PM 

તમાકુનું સેવન ફેફસા, પેટ, હદયની તકલીફો અને આગળ જતાં જ્ઞાનતંતુઓને પણ અસર કરે છે

વ્યસન મુક્ત સમાજ માટે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ૨૦ મે થી ૦૬ જુન સુધી હસ્તાક્ષર ઝુંબેશ, પેમ્પલેટ વિતરણ, નુક્કડ નાટક, જાગૃતિ રેલી, પપેટ શો, મોઢાના કેન્સરની તપાસ સહિતના કાર્યક્રમો યોજાયા

વિશ્વમાં દર વર્ષે ૧.૪૦ કરોડ લોકોમાં કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે ૮૮ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. વિશ્વમાં થતાં મરણોમાં કેન્સર બીજા ક્રમે છે. દર ૬ મરણમાં એક મરણ કેન્સરથી થાય છે. ત્રીજા ભાગના કેસો તમાકુની કુટેવોના કારણે થાય છે.          
વિશ્વભરમાં ૧૦૦ કરોડથી પણ વધુ લોકો તમાકુને લગતી અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેમાંના ૮૦ ટકાથી પણ વધારે લોકો ભારત તેમજ અન્ય વિકાસશીલ દેશોમાં રહે છે. ઘણા ખરા લોકો તમાકુના વપરાશકર્તા ખાસ કરીને ધુમ્રપાન કરતા લોકોના સતત સંપર્કમાં રહેવાના કારણે પણ મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે અને મૃત્યુ પામે છે.           
તમાકુના ઉત્પાદન દેશ અને સમાજના વિકાસ માટે ખતરા સમાન છે અને સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક રીતે પણ હાનિકારક છે. તમાકુના વ્યસનની મોટાભાગે મોજ-મજા અને ક્ષણિક આનંદ સાથે શરૂઆત થતી હોય છે. દેખા દેખી, મિત્રો અને આસપાસના લોકોના પ્રભાવના કારણે જે આગળ જતા વ્યસનમાં પરિવર્તિત થાય છે. વ્યક્તિને તમાકુ ન મળતાં બેચેની, ઉદાસી, અકળામણ, તણાવ, ઊંઘમાં ખલેલ વગેરેની ફરિયાદો શરૂ થાય છે.
              
યુવાનોમાં તમાકુનો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. તમાકુમાં નિકોટીન નામનો નશાયુક્ત પદાર્થ હોય છે. તેનું સેવન કરતા વ્યક્તિને થોડા સમય માટે ખુબ જ આનંદ પ્રાપ્ત થાય છે પરંતુ લાંબાગાળાના સેવન બાદ તે શરીરને અસર કરે છે જેમ કે ફેફસાં, પેટ, હૃદયની તકલીફો અને આગળ જતા જ્ઞાનતંતુઓને પણ અસર કરી શકે છે.આ સાથે તમાકુ વ્યક્તિની માનસિક, સામાજિક અને આર્થિક સ્થિતિને પણ વ્યાપકપણે નુકસાન પહોંચાડે છે.
 
તમાકુ છોડવાના કેટલાક ઉપાયો
       
સૌ પ્રથમ તો તમાકુ છોડવાના શારીરિક અને આર્થિક ફાયદાઓ વિશે વિચારો જેમ કે કેન્સર અને હૃદયરોગ થવાના જોખમો ઘટશે, હૃદય પરનો તણાવ અને સ્નેહીજનોને તમારા વ્યસનથી કોઈ નુકસાન નહીં થાય અને કાયમી ખાંસી કે ઉધરસની સમસ્યાઓ નહીં રહે અને દાંત વધારે સફેદ અને ચોખ્ખાં રહેશે. સાથો સાથ આર્થિક બચત પણ થશે.            
તમાકુ છોડવાની પ્રક્રિયા બહુ જ જટિલ છે અને લગભગ ૮૦ ટકા લોકો તમાકુ છોડવાનો પ્રયત્ન કરતા જ હોય છે. તમાકુ છોડવાના અગત્યના અને પ્રથમ સ્ટેપમાં વ્યક્તિની ઈચ્છા અને દ્રઢ મનોબળ (સંકલ્પ) જવાબદાર હોય છે. બીડી, સિગારેટ, પાન, મસાલા નજરે ન ચડે તે રીતે રાખો તમાકુ  સેવન કરવાની તમારી ‘તલપ’ને સમજો અને તેને પહોંચી વળવાના માર્ગો શોધી કાઢો. વ્યસની લોકોથી દૂર રેહવાની કોશિશ કરો. તલપ લાગે ત્યારે બેઠા બેઠા કે ઉભા ઉભા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. પાણીનો ગ્લાસ લઇને કસરત કરવી એ પણ તલપ ઘટાડવામાં મદદ કરે છે. ચુઇંગ ગમ, વરિયાળી, પીપરમિન્ટ, આમળા જેવું કંઇક મોઢામાં મુકવાનો પ્રયાસ કરો અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અંગે વિચારો અને તેમના ભવિષ્ય પર શું અસર પડશે તે અંગે વિચારો. તમાકુ છોડવાની કોઈ એક તારીખ નક્કી કરો. તમને મદદ કરી શકે તેવી કોઈ વ્યક્તિ શોધી કાઢો, આયોજન કરો, જાતને સતત હકારાત્મક પ્રતિભાવો આપો, રોજ કસરત કરો, ચાલવા જાવ, નવા શોખ વિકસાવો, સક્રિય બનો અને તંદુરસ્ત આહાર લો.            

આ વર્ષની થીમ “પ્રોટેકટીંગ ચીલ્ડ્ર્ન ફ્રોમ ટોબકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયર્સ” છે એટલે કે ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું તે છે. તમાકુના સેવનથી બાળકો અને યુવાનો પર કેવી અસર થાય છે તે અંગે આપણે માહિતી મેળવી આ ટોબેકો ઇન્ડસ્ટ્રીની ચાલાકી પૂર્ણ યુક્તિઓથી યુવાનોને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવાની જરૂર છે. આ ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ધુમ્રપાન કરનારાઓ અને નિકોટીન વપરાશ કર્તાઓની નવી પેઢી બનાવવાનો છે. આપણા દેશમાં ધુમ્રપાન તથા તમાકુના સેવનને ઘટાડવામાં ઘણી પ્રગતિ થઈ હોવા છતાં સિગરેટ અને નિકોટીન પાઉચ જેવા ઉત્પાદનોની ઝપેટમાં બાળકોને યુવાનો આવી રહ્યા છે.      
       
આ થીમને ધ્યાને લઈ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પીટલ, જામનગરે ૨૦ મે થી ૬ જૂન ૨૦૨૪ સુધીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન જનજાગૃતી માટે કર્યું છે. જેમાં હસ્તાક્ષર ઝુંબેશ, તમાકુ જાગૃતિ ચર્ચા, પેમ્પલેટ વિતરણ, તમાકુ નિષેધ શપથ, નુક્કડ નાટક, પ્રતિસાદ સ્પર્ધા, જાગૃતિ રેલી,  કટપુતળી શો, બાઈક અને સાઇકલ રેલી, બાળકોની ચિત્ર સ્પર્ધા, તમાકુ સબ યાત્રા, આ વર્ષના થીમ ઉપર નવીન વિચાર સ્પર્ધા, મોઢાના કેન્સરની તપાસ માટેનો મફત કેમ્પ, ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ વગેરે કરેલ છે. 

કોલેજના ડીન ડૉ.નયના પટેલે પોતાના સંદેશમાં કહ્યું છે કે હું દરેકને મોઢાના સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારી પર તમાકુની હાનિકારક અસરોને ઓળખવા વિનંતી કરું છું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ચાલો આપણે તેજસ્વી સ્મિત અને સ્વસ્થ ભવિષ્ય માટે તમાકુ-મુક્ત જીવનશૈલી માટે પ્રતિબદ્ધ થઈએ. યાદ રાખો, તમાકુ છોડવાથી માત્ર જીવન જ બચતું નથી પણ તમારા સ્મિતની સુંદરતા પણ જળવાઈ રહે છે. તમાકુ અંગેની જાગૃતિ ફેલાવવા અને તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવામાં અમારી સાથે જોડાઓ. સાથે મળીને, આપણે એક સ્વસ્થ, સુખી સમુદાય બનાવી શકીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application