કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ ૨૦૨૩ યોજાયો 

  • July 06, 2023 11:13 AM 

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી વધારવાના હેતુથી ૩૦૦૬હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે: ગુજરાત વન વિભાગ અને 6 કંપનીઓ વચ્ચે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ એમઓયુ કરાયા


રૂક્ષ્મણી મંદિર પાસે મહાનુભાવો અને વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા મેન્ગ્રુવ્સનું પૂજન અને વાવેતર કરાયું

દરિયાકિનારાના વિસ્તારનું ધોવાણ અટકે અને કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે મેન્ગ્રુવની ભૂમિકા ખુબજ મહત્વની : ભૂપેન્દ્ર યાદવ


પર્યાવરણની જાળવણી આપણા સૌની નૈતિક ફરજ : કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના 
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીશ્રીઓ દ્વારા ચેરનું પૂજન અને વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન વિભાગના 8 અધિકારીઓ કરેલ વિશેષ કામગીરી બદલ તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં વિવિધ 6 કોર્પોરેટ્સ પાર્ટનર સાથે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે.  


       
 મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આવનારી કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણના જતન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ થયું નથી તે બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આવનારા સમયમાં પણ કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આજે ગુજરાતના વિશાળ દરિયાકિનારાના ૩૦૦૬ હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવના વાવેતર માટે વિવિધ 6 કોર્પોરેટ્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા તે બદલ વન વિભાગને તેમજ કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા.જે પ્રકારે ભગવાનને સૌથી વધુ મિષ્ટીનો ભોગ ધરવામાં આવે છે તે જ પ્રકારે દરિયાકિનારાને મિષ્ટી રૂપી ચેરના વૃક્ષોની ભેંટ આપવા બદલ સરકારને શુભકામનાઓ પાઠવી હતી. 


 રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, હરિયાળી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન-૨૦૨૩ના રોજ મિષ્ટી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 25 જગ્યાએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વન મહોત્વની ઉજવણી કરવાની પહેલ થકી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પર વિવિધ વનોની સ્થાપના કરવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણના સંરક્ષણ સાથે આ વનો પર્યટન સ્થળો તરીકે પણ વિકસ્યા છે. રૂક્ષ્મણી મંદિર પાસે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેના થકી જમીનનું ધોવાણ થતું અટકશે. આ તકે મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા દ્વારકામાં જમીનની ખારાશ હોવાથી જમીનનું ધોવાણ થતું અટકે તે માટે આજે મેનગૃવ્સનું વાવેતર મિષ્ટિ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ સાંસદએ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી.


મેન્ગૃવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ (MISHTI) પ્રોજેક્ટ હેઠળ ૬ કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે કુલ છ એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ નિયુક્ત જમીનો પર મેન્ગ્રુવ્સના (ચેર) વાવેતર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રત્યેક કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડે 40 હેક્ટર જમીન પર, નાયરા એનર્જી લિમિટેડ દ્વારા  250 હેક્ટર જમીન પર, RSPL લિમિટેડ દ્વારા 100 હેક્ટર જમીન પર,  ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (TCSRD) દ્વારા 200 હેક્ટર જમીન પર, કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, વેદાંત લિમિટેડે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના ઝોનમાં આશરે 1000 હેક્ટર વિસ્તારમાં તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વ્યાપક 3500 હેક્ટર જમીન પર મેન્ગ્રુવ્સનું વાવેતર કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આ સહયોગી પ્રયાસોનો ઉદ્દેશ દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના સંરક્ષણ અને જાળવણીને વધારવાનો છે.


 પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ અગત્યતની ભૂમિકા ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે.ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે.મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં પાડે છે.મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.સ્થાનિક લોકોને બળતણ,ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.


કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા તેમજ આભારવિધિ  યુ. ડી. સિંઘ દ્વારા કરવામાં આવી હતી.
 આ તકે કેન્દ્રિય વન, આબોહવા અને કલાયમેટ ચેન્જ વિભાગના ડાયરેકટર જનરલ એન્ડ સ્પેશિયલ સેક્રેટરી  ચંદ્રપ્રકાશ ગોયલ, ધારાસભ્ય ઉદય કાનગડ, ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદી,  યુ. ડી. સિંઘ, અગ્રણી નગાભાઈ ગાધેર, વિજય બૂજડ, રમેશ હેરમાં , મેરામણ ગોરીયા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application