બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના કરોડો શેર્સ ફ્રીઝ

  • March 16, 2023 08:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટોક એક્સચેન્જે કંપનીના પ્રમોટર ગ્રુપ એન્ટિટિઝના 29.258 કરોડ શેર્સ ફ્રીઝ કરી દીધા છે : પતંજલિ ફૂડ્સને પહેલા રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝના નામે ઓળખવામાં આવતી હતી


બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના રોકાણકારો માટે એક માઠા સમાચાર છે. સ્ટોક એક્સચેન્જે કંપનીના પ્રમોટર ગ્રુપ એન્ટિટિઝના 29.258 કરોડ શેર્સ ફ્રીઝ કરી દીધા છે. કંપની નિર્ધારીત સમય સુધી મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. ડિસેમ્બર અંત સુધી પતંજલિ ફૂડ્સમાં પબ્લિક શેરહોલ્ડિંગ 19.18 ટકા હતું. SEBIના નિયમો પ્રમાણે કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછુ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જોઈએ.


પતંજલિ ફૂડ્સને પહેલા રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝના નામે ઓળખવામાં આવતી હતી. ડિસેમ્બર 2017માં એનસીએલટી એ તેના વિરુદ્ધ ઈનસોલ્વન્સી પ્રોસિડિંગ શરૂ કરી હતી. જુલાઈ 2019માં ટ્રિબ્યુનલે પતંજલિ આયુર્વેદના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિઝોલ્યુશન પ્લાન અમલી થયા બાદ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ ઘટીને 1.1 ટકા થઈ ગઈ હતી.


સેબીના નિયમો પ્રમાણે કોઈ પણ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકાથી ઓછુ થાય છે તો તેને ત્રણ વર્ષની અંતર આ સ્તર સુધી લાવવું પડશે. પતંજલિ ફૂડ્સ માર્ચ 2022માં ફોલો ઓન પબ્લિક ઓફર લાવી હતી. તેના દ્વારા 6.62 કરોડ શેર જારી કરવામાં આવ્યા હતા. તેનાથી કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ વધીને 19.18 ટકા થઈ ગયું હતું. પરંતુ ત્યારબાદ કંપનીએ તેને 25 ટકા સુધી લઈ જવા માટે કોઈ પગલાં ભર્યા નથી.


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 21 પ્રમોટર્સ એન્ટિટિઝના શેર્સને ફ્રીઝ કરવામાં આવ્યા છે. પતંજલિ આયુર્વેદની કંપનીમાં સૌથી વધારે 39.4 ટકા ભાગીદારી છે. જ્યાં સુધી કંપની સેબીના નિયમોને પૂરા કરતી નથી ત્યાં સુધી આ શેર્સ ફ્રીઝ રહેશે. બુધવારે પતંજલિ ફૂડ્સના શેર્સ એનએસઈ પર 1.3 ટકાની તેજી સાથે 964.40 રૂપિયા પર બંધ થયા હતા. શેરની કિંમતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 19 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે ભારતીય શેરમાર્કેટ બુધવારે પણ રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application