મ્યુનિ.બજેટમાં જાહેર કર્યા મુજબ કાલથી જન્મ- મરણ નોંધણી સર્ટિ.ની પાંચ નકલ મફત નહીં મળે

  • March 31, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં કોઇ પણ જન્મ કે મરણ નોંધણીની નિયત સમય મર્યાદામાં પ્રથમ વખત નોંધણી કરાવનાર અરજદારોને સર્ટિફિકેટની પ્રથમ પાંચ નકલ સંપૂર્ણ વિનામૂલ્યે અપાશે તેવી યોજનાની જાહેરાત શાસકો દ્વારા બજેટમાં કરાઇ હતી પરંતુ આવતીકાલે નવા નાણાંકીય વર્ષ-૨૦૨૫- ૨૦૨૬ના પ્રારંભથી આ યોજનાનો અમલ શક્ય બને તેમ નહીં હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મંજુર કરેલી યોજના મુજબ પ્રથમવખત નોંધણી કરાવનારને પ્રથમ પાંચ કોપી ફ્રી આપવાની જોગવાઇ કરાઇ છે પરંતુ જન્મ મરણ નોંધણી માટે પ્રવર્તમાન અમલમાં રહેલા ઇ-ઓળખ સોફ્ટવેરમાં અરજદાર પ્રથમ વખત નોંધણી કરાવી નકલ લેવા આવ્યા છે કે બીજી કે ત્રીજી વખત આવ્યા છે ? તે બાબત કોઇ પણ પ્રકારે કન્ફર્મ થઇ શકતી નથી. આથી આ યોજનાનો અમલ ક્યારથી અને કઇ રીતે કરવો તેવી વિટંબણા સર્જાઇ છે.

જ્યારે રાજકોટ મહાપાલિકાના જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રાર પ્રેરિત જોષીએ જણાવ્યું હતું કે બજેટમાં મંજુર કરાયેલી પ્રથમ પાંચ નકલ ફ્રી આપવાની યોજના અમલી કરવા અંગે આજ સુધીમાં તેમને કોઇ જ સુચના મળી નથી તેથી નવા નિયમ મુજબ આવતીકાલથી પ્રતિ કોપી દીઠ ફી રૂ.૫૦ વસુલાશે.

શાસકોએ બજેટમાં જાહેર કરેલી ઉપરોક્ત યોજનાનો અમલ હવે કઇ રીતે શક્ય બનાવવો ? તે માટે આઇટી બ્રાન્ચની ટીમને કામે લગાડવામાં આવી છે તેમજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


જન્મ-મરણ નોંધણી શાખાની વિવિધ ફીના નવા દર

-અગાઉ કોઇ મોડી નોંધણી (૨૧ દિવસ થી વધુ)અર્થેની ફી રૂ.૨ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦ વસુલાશે.

-અગાઉ કોઇ મોડી નોંધણી (૧ માસ થી ૧ વર્ષ) અર્થેની ફી રૂ.૫ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૫૦ વસુલાશે.

-અગાઉ કોઇ મોડી નોંધણી (૧ વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ.૧૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૧૦૦ વસુલાશે.

-અગાઉ કોઇ રેકર્ડની શોધાઇ અર્થેની ફી રૂ.૨ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦ વસુલાશે.

-અગાઉ કોઇ રેકર્ડની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ. ૨ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦ વસુલાશે.

-જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ.૫ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૫૦ વસુલાશે.

-અગાઉ કોઇ રેકર્ડની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ.૨ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦ વસુલાશે.

-કોઇ ગુનાના દંડની રકમ રૂ.૨૫ હતી તે વધારીને રૂ.૨૫૦ કરેલ છે. અન્ય ગુનાના દંડની રકમ રૂ.૧૦ હતી તે વધારીને રૂ.૧૦૦ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application