કાકાની ખુરશી છીનવાઈ, શરદ પવારને હટાવી ભત્રીજા અજીતે પોતાને જાહેર કર્યા NCPના નવા અધ્યક્ષ

  • July 05, 2023 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વચ્ચે અજિત પવારના જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બેઠા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બદલાવ બાદ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. એવી આશંકા છે કે અજિત પવારના આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.


અજિતના પક્ષે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને તેના ચૂંટણી ચિન્હ ઘડિયાળ પર પોતાનો દાવો દર્શાવતા ચૂંટણી પંચને પત્ર મોકલ્યો છે. અહીં શરદ જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે અજિત પવાર સહિત 9 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.


આ પહેલા મુંબઈમાં બંને પક્ષોની બેઠક થઈ હતી. જ્યારે અજિતે શરદની ઉંમર પર ટોણો માર્યો તો શરદ પવારે તેમને નકલી સિક્કો કહ્યો. બેઠક બાદ અજિત તેમના સમર્થક ધારાસભ્યોને હોટલમાં લઈ ગયા છે. વાયબી ચવ્હાણ સેન્ટર ખાતેની બેઠકમાં શરદ પવારે કહ્યું- શિવસેના સાથે જે થયું તે જ NCP સાથે થયું છે. જો અજિત પવારના મનમાં કંઈક હતું તો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી.


જો કોઈ સમજૂતી ન થાય તો વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. અજીત વિશે સાંભળીને અફસોસ થયો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. જો તમે ભૂલ કરી હોય તો સજા ભોગવવા તૈયાર રહેવું જોઈએ. આજની બેઠક ઐતિહાસિક છે અને દેશનું ધ્યાન પણ આ તરફ છે. હું શાસક પક્ષમાં નથી. હું જનતાના પક્ષમાં છું.


જે લોકો મને છોડીને ગયા છે તેમને વિધાનસભામાં લાવવા મેં ઘણી મહેનત કરી છે. કાર્યકર્તાઓએ તેમના માટે સખત મહેનત કરી. પાર્ટીનું ચૂંટણી ચિન્હ અમારી પાસે છે, તે ક્યાંય નહીં જાય. જે લોકો અને પાર્ટીના કાર્યકરો અમને સત્તામાં લાવ્યા છે તે અમારી સાથે છે. અમે કોઈને પાર્ટીનું પ્રતીક લેવા નહીં દઈએ. અજિત પવાર નકલી સિક્કો નીકળ્યો.


તેઓ મારા ફોટાનો ઉપયોગ કેમ કરી રહ્યા છે. તેઓ મને દેવતા પણ કહે છે અને મારી વાત સાંભળતા પણ નથી. જે લોકો ભાજપ સાથે ગયા છે તેમનો ઈતિહાસ યાદ રાખો. જે તેની સાથે ગયો તે સત્તાની બહાર હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application