માનવ વસતી માટે મોતનો સંદેશ, ત્રીજી જુલાઈ વિશ્વ ઈતિહાસનો સૌથી ગરમ દિવસ !

  • July 05, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગ ઝરતી ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા


ક્લાયમેટ ચેન્જ અને અલ નીનો મુખ્ય જવાબદાર


વૈજ્ઞાનિકોની ચેતવણી, "આ પરિસ્થિતિ કોઈ ઉજાણી નહી પણ મૃત્યુદંડ સમાન"


કલાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોમિગ અને અલ નીનો જેવા પરિબળોને કારણે વૈશ્વિક તાપમાનમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે અને વધતી જતી ગરમીના કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. ત્યારે આ દરમિયાન, યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિકશને ગરમી અંગેનો અહેવાલ બહાર પડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ૩ જુલાઈ એ વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વધતી ગરમી એ લોકો માટે ઉજવણી નથી, પરંતુ મૃત્યુદડં સમાન છે.



વિશ્વભરમાં ગરમીના મોજાને કારણે સોમવારે સરેરાશ વૈશ્વિક તાપમાન ૧૭.૦૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ તાપમાને વર્ષ ૨૦૧૬માં બનેલા ૧૬.૯૨ ડિગ્રી સેલ્સિયસના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. દક્ષિણ અમેરિકા તાજેતરના અઠવાડિયામાં તીવ્ર ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. આ સિવાય ચીનમાં પણ લોકો હીટ વેવનો સામનો કરી રહ્યા છે. અહીં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. ઉત્તર આફ્રિકામાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું છે. પરેશાનીની વાત એ છે કે યાં શિયાળો છે ત્યાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે એન્ટાર્કટિકામાં શિયાળાની મોસમ છે, પરંતુ અહીં અસામાન્ય રીતે વધારે તાપમાન નોંધાયું છે.
બ્રિટનના આબોહવા વિજ્ઞાની ફ્રેડરિક ઓટ્ટોએ વધતા તાપમાન અંગે જણાવ્યું હતું કે આ કોઈ માઈલસ્ટોન નથી જેને આપણે ઉજવીએ. આ લોકો માટે મૃત્યુદડં છે. અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માટે કલાયમેટ ચેન્જ જવાબદાર છે. સંશોધકો માને છે કે અલ નીનો નામની કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનનું મિશ્રણ ગરમીનું કારણ બની રહ્યું છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને 'અલ નિનો' કહેવામાં આવે છે.



આબોહવામાં કુદરતી રીતે પરિવર્તન આવતું રહે છે, પણ વિજ્ઞાનીઓ કહે છે કે અગાઉ કરતાં હવે પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ગ્રીનહાઉસની અસરને કારણે આવું થઈ રહ્યું છે. ગ્રીનહાઉસ વધે ત્યારે પૃથ્વી સૂર્યની વધારે ગરમી શોષી લે છે.પૃથ્વી પરથી પરાવર્તિત થતાં સૂર્યકિરણો પૃથ્વીના વાતાવરણમાં જ ગ્રીનહાઉસ ગેસ શોષી લે છે અને તેને ચારે દિશામાં ફેલાવે છે.તેના કારણે નીચેના સ્તરનું હવામાન તથા પૃથ્વીની સપાટી બંને ગરમ થાય છે. આવી ઉષ્મા ના હોય તો પૃથ્વી ૩૦'સે જેટલી વધારે ઠંડી થઈ ગઈ હોત અને જીવન માટે તે આકરી બની હોત.વિજ્ઞાનીઓ માને છે કે આપણે હવામાં વધારે ને વધારે વાયુઓ છોડી રહ્યા છીએ. ઉધોગોમાંથી નીકળતો ધુમાડો અને કૃષિમાં વપરાતી વધારે  ઊર્જાને કારણે તાપમાન વધી રહ્યું છે.આ સ્થિતિને આબોહવા પરિવર્તન અથવા વૈશ્વિક તાપમાન વૃદ્ધિ કહે છે.



ઔધોગિકીકરણ વધ્યું તે પહેલાં સરેરાશ તાપમાન હતું, તેના કરતાં અત્યારે સરેરાશ એક ડિગ્રી તાપમાન વધી ગયું છે, એમ વલ્ર્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન કહે છે.નોંધ કરવાની શઆત થઈ ત્યાર પછી સૌથી વધુ ગરમ ૨૨ વર્ષમાં છેલ્લાં ૨૦ વર્ષનો સમાવેશ થાય છે અને તેમાં સૌથી વધુ ગરમ ચાર વર્ષ હતાં, ૨૦૧૫થી ૨૦૧૮નાં વર્ષ.૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં દુનિયામાં દરિયાની સપાટીમાં દર વર્ષે ૩.૬ એમએમ જેટલો વધારો થતો રહ્યો છે.તાપમાન વધે તેના કારણે પાણીનો જથ્થો વધે છે તેથી આમ થઈ રહ્યું છે.જોકે મુખ્ય કારણ એવું મનાય છે કે પીગળતા બરફને કારણે દરિયાની સપાટી વધી રહી છે. તાપમાન વધ્યું છે ત્યાં મોટા ભાગના ગ્લેશિયર ઘટવા લાગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application