નાવદ્રા નજીક સર્જાયેલા બસ અકસ્માતમાં ચાલક સામે ગુનો

  • February 28, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર નજીકના નાવદ્રા ગામ પાસે રવિવારે સર્જાયેલા બસ અકસ્માતમાં છત્તીસગઢના મહિલાના મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ બસના ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.


આ ફરિયાદની કલ્યાણપુર પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ છત્તીસગઢ રાજ્યના બેમેતારા જિલ્લાના સાજા તાલુકામાં રહેતા પુરતસિંહ ગોપાલસિંહ ચંડેલ નામના ૭૧ વર્ષના રાજપૂત વૃદ્ધ અન્ય ૪૦ જેટલા યાત્રાળુ સાથે સી.જી. ૨૭ એફ. ૯૯૮૮ નંબરની ખાનગી બસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર્શનાર્થે નીકળ્યા હતા. રવિવારે રાત્રિના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાદ વાગ્યાના સુમારે નાવદ્રા ગામના પાટીયા પાસે આવેલી બજરંગ હોટલ નજીક પહોંચતા આ બસના ચાલક શશીભૂષણ નાગભૂષણએ બસ પરનો કાબુ ગુમાવી દેતા આ બસ રોડની એક બાજુ ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી.


આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા લક્ષ્મીબેન નામના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય મુસાફર રહેમુનબેન, રોહિણીબેન વિગેરેને પણ ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.


આ બનાવ અંગે મૃતક લક્ષ્મીબેનના પતિ પુરતસિંહ ચંડેલની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે બસના ચાલક શશીભૂષણ નાગભૂષણ સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (એ), તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.




​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application