વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે દેશની નિકાસ 20 મહિનાની ઊંચી સપાટી પર

  • March 19, 2024 11:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફેબ્રુઆરીની નિકાસમાં ડબલ ડિજિટનો ઉછાળો : અમેરિકા, યુએઇ અને સિંગાપોરની નિકાસમાં મોટો વધારો : અમેરિકામાં પોલિશ્ડ ડાયમંડ કરતાં સ્માર્ટફોનની નિકાસ વધી 

ફેબ્રુઆરીમાં દેશની નિકાસ 20 મહિનાની ટોચે પહોંચી છે. આ સમયગાળા દરમિયાન અમેરિકા, યુએઈ, સિંગાપોર અને દક્ષિણ આફ્રિકામાં નિકાસમાં ઉછાળાને કારણે એક્સપોર્ટમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. ભારતમાંથી નિકાસ સતત ત્રીજા મહિને વધી છે. ફેબ્રુઆરીમાં અમેરિકામાં નિકાસ 22 %ની વૃદ્ધિ સાથે 7.2 બિલિયન ડોલર સુધી પહોંચી હતી. તેવી જ રીતે, યુએઈમાં નિકાસ 23.1 % વધી છે જ્યારે સિંગાપોરમાં નિકાસ 51.6 %વધી છે. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં નિકાસમાં 100 %નો વધારો થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન હોંગકોંગની નિકાસમાં 27.9 %નો ઘટાડો થયો છે.

એક રિપોર્ટ અનુસાર, ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતી વસ્તુઓની યાદીમાં સ્માર્ટફોન સૌથી ઉપર છે. જાન્યુઆરીમાં ભારતથી અમેરિકામાં 530 મિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં 79 %નો વધારો થયો છે. આ સાથે, ભારતથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓની યાદીમાં પોલિશ્ડ હીરા બીજા સ્થાને સરકી ગયા છે. આ સમયગાળા દરમિયાન ભારતમાંથી અમેરિકામાં 380 મિલિયન ડોલરના પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2024 ના એપ્રિલથી જાન્યુઆરી સુધીના ડેટા અનુસાર, યુએસમાં 4.1 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી જ્યારે યુએઇમાં 2.2 બિલિયન ડોલરના શિપમેન્ટ મોકલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસમાં 54.8 %નો વધારો થયો છે.

ફેબ્રુઆરીમાં યુએઇમાં નિકાસ 23.1 % વધીને 3.5 બિલિયન ડોલર થઈ છે. યુએઇએ અમેરિકા પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે. 317 મિલિયન ડોલરનું સોનું, 237 મિલિયન ડોલરના સ્માર્ટફોન અને 243 મિલિયન ડોલરના મોટર ગેસોલિનની યુએઇમાં નિકાસ કરવામાં આવી હતી. એ જ રીતે ફેબ્રુઆરીમાં સિંગાપોરમાં નિકાસમાં 51.6 %નો વધારો થયો છે. આ દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં 280 %નો વધારો થયો છે. એ જ રીતે, દક્ષિણ આફ્રિકામાં નિકાસ બમણી થઈને 1.16 બિલિયન ડોલર થઈ. એપ્રિલ-જાન્યુઆરીમાં ભારતના નિકાસમાં 16માંથી 10મા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં નિકાસ થતી વસ્તુઓમાં પેટ્રોલિયમ પેદાશો મોખરે છે.

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાંથી પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ઓક્ટોબરથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં ભારતથી દક્ષિણ આફ્રિકામાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 89 % વધીને 219 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીમાં ભારતથી સાઉદી અરેબિયામાં નિકાસમાં 50 %નો વધારો થયો હતો. એ જ રીતે નેધરલેન્ડમાં નિકાસમાં 26.7 %, યુકેમાં 31.9 %, બાંગ્લાદેશમાં 18.1 % અને ચીનમાં 13.3 %નો વધારો થયો છે. જોકે, હોંગકોંગની નિકાસમાં 27.9 %નો ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News