જામનગરમાં આજથી ત્રિદિવસીય મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ : આવતીકાલે મહાઆરતી-શોભાયાત્રા

  • September 30, 2024 10:56 AM 

જામનગરમાં આજથી ત્રિદિવસીય મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ : આવતીકાલે મહાઆરતી-શોભાયાત્રા


જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજે તા. 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોમ્બર, 2024 સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.

છોટી કાશી ગણાતી જામનગરની ઘરા પર મહામતિશ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર – 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયું હતુ . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો . 

આજે સવારે શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે શ્રી તારતમ સાગરની અખંડ પારાયણનો પ્રારંભ થયો છે. આ શુભ અવસરે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, શ્રી કૃષ્ણ પ્રણામી પિતાંબર પીઠ – આસામના સ્વામી શ્રી 108 નારાયણ સ્વામીજી, શ્રી 108 દિવ્યચેતન્યજી મહારાજ, શ્રી 108 ચંદનસૌરભજી મહારાજ, ધર્મપ્રચારક જનાર્દન શાસ્ત્રીજી સહિતના સંતો મહંતો અને શ્રી 5 નવતનપુરીધામ- ખીજડા મંદિરના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી મહોત્સવનો પ્રારંભ કરાયો છે.

શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં તારતમ સાગરની અખંડ પારાયણના શુભારંભ બાદ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ અને ઉપસ્થિત સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન કર્યું હતુ. અને મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય બાદ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે દેશ વિદેશની યાત્રા અને જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા ઉપદેશ આપ્યો હતો.

આ વર્ષે પણ ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો આજે સોમવારે પ્રારંભ થયો છે. કાલે 1, ઓકટોબરે સવારે 10 કલાકે મહામતી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા નૂતન ધ્વજારોહણ થશે ત્યારબાદ બપોરે 4 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા વાજતગાજતે જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘શ્રી પ્રાણનાથ મેડી મંદિર’ થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે. તા. 2 ઓકટોબર, 2024ને મંગળવારના રોજ “શ્રી તારતમ સાગર’’ના શ્રી 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે. ત્યારે ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાકટ્ય મહોત્સવમાં જોડાવા દેશ – વિદેશ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુંદરસાથજી ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application