દેશભરમાં લાગુ થયું CAA, વિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ

  • March 11, 2024 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોદી સરકાર દ્વારા દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ અંગે એક નોટીફીકેશન પણ જારી કરવામાં આવ્યું છે. આ નિયમ મામલે પહેલા પણ ઉગ્ર વિરોધ થઇ ચુક્યા છે, ત્યારે હવે ચુંટણીના ગણતરીના દિવસો પહેલા આ નિયમ લાગુ કરાતા વિપક્ષ દ્વારા સરકારને ઘણા સવાલ કરાયા છે.  ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જો કે તેને આજે લાગુ કરવામાં આવ્યું છે. CAAને લઈને દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને ઉત્તર-પૂર્વના સાત રાજ્યો તેની વિરુદ્ધમાં છે. વિરોધ પ્રદર્શનથી ઉત્તર પૂર્વ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વિપક્ષે પણ આ કાયદા સામે કડક વલણ અપનાવ્યું હતું.



નાગરિકતા સંશોધન અધિનિયમના અમલ પછી, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જે લોકો ડિસેમ્બર 2014 સુધી કોઈક પ્રકારના અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા હતા, તેઓને ભારતીય નાગરિકતા મળશે. આમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ - હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું અને પછી 2019ની ચૂંટણી બાદ ફરી મોદી સરકાર બની.



ડિસેમ્બર 2019માં લોકસભામાં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી 10 જાન્યુઆરી, 2020 ના રોજ મળી હતી. પરંતુ તે સમયે નિયમ લાગુ કરાયો નહી. CAAને લઈને 2020 થી સતત એક્સટેન્શન લેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સંમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020 થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.



છેલ્લા બે વર્ષમાં 9 રાજ્યોના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને મોટી સત્તા આપવામાં આવી છે. ડીએમને ત્રણ દેશોમાંથી આવતા બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. નાગરિકતા 2021-22 માટે ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. જે 9 રાજ્યોને નાગરિકતા આપવામાં આવી છે તેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.



નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ, તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે, જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે. અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.
​​​​​​​


વિપક્ષનું કહેવું છે કે આ કાયદા દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમને જાણીજોઈને ગેરકાયદે જાહેર કરવામાં આવી શકે છે. બાકીના લોકો માન્ય દસ્તાવેજો વિના પણ સ્થાન મેળવી શકે છે. વિપક્ષની દલીલ છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે. જોકે, ઉત્તરપૂર્વનું કારણ અલગ છે. તેમનું માનવું છે કે જો બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા મળશે તો તેમના રાજ્યના સંસાધનોનું વિભાજન થઈ જશે. એક મોટો વર્ગ એવું પણ કહે છે કે ઉત્તર-પૂર્વના મૂળ લોકોને ઓળખ અને આજીવિકાના સંકટનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વના મૂળ રહેવાસીઓ એટલે કે ત્યાં સ્થાયી થયેલા આદિવાસી લોકો CAAની વિરુદ્ધ છે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ સાત રાજ્યોના ખોરાક અને સંસ્કૃતિ ઘણી હદ સુધી સમાન છે. પરંતુ કેટલાક દાયકાઓથી, અન્ય દેશોમાંથી પણ લઘુમતી સમુદાયો અહીં આવીને સ્થાયી થવા લાગ્યા. ખાસ કરીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લોકો અહીં આવવા લાગ્યા છે.


ઉત્તર-પૂર્વ હાલમાં લઘુમતી બંગાળી હિન્દુઓનો ગઢ બની ગયો છે. તેના તેનું કારણ પણ સામે આવ્યું છે. હકીકતમાં, પાકિસ્તાનના પૂર્વ ભાગમાં મોટી સંખ્યામાં બંગાળી ભાષી લોકો રહેતા હતા, જેઓ સતત હિંસાનો સામનો કરી રહ્યા હતા. ત્યાં યુદ્ધ થયું અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. પરંતુ, થોડા જ સમયમાં, બાંગ્લાદેશમાં પણ હિંદુ બંગાળીઓ પર અત્યાચાર થવા લાગ્યો, કારણ કે આ દેશમાં પણ મુસ્લિમ બહુમતી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચારોથી કંટાળીને લોકો હિજરત કરવા લાગ્યા અને ભારત આવવા લાગ્યા. જો કે આ લોકો અલગ-અલગ રાજ્યોમાં સ્થાયી થઈ રહ્યા હતા, પરંતુ તેમને ઉત્તર-પૂર્વની સંસ્કૃતિ તેમની નજીક લાગી અને તેઓ ત્યાં સ્થાયી થવા લાગ્યા. પૂર્વોત્તર રાજ્યોની સરહદ બાંગ્લાદેશને અડીને આવેલી હોવાથી ત્યાંથી પણ લોકો આવે છે.



જોકે ગારો અને જૈનતિયા જેવી જાતિઓ મેઘાલયની વતની છે, પરંતુ લઘુમતીઓના આગમન પછી તેઓ પાછળ રહી ગયા. દરેક જગ્યાએ લઘુમતીઓનું વર્ચસ્વ વધ્યું. એ જ રીતે, ત્રિપુરામાં બોરોક સમુદાય મૂળ નિવાસી છે, પરંતુ ત્યાં પણ બંગાળી શરણાર્થીઓ આવ્સયા અને રકારી નોકરીઓમાં પણ મોટી પોસ્ટ તેમની પાસે ગઈ છે. તેમનું માનવું છે કે હવે જો CAA લાગુ થશે તો દેશવાસીઓની બાકી રહેલી તાકાત પણ ખતમ થઈ જશે. અન્ય દેશોમાંથી આવતા અને સ્થાયી થતા લઘુમતીઓ તેમના સંસાધનો કબજે કરશે. આ ડર છે જેના કારણે નોર્થ ઈસ્ટ CAAનો જોરદાર વિરોધ કરી રહ્યું છે. આસામમાં 20 લાખથી વધુ હિન્દુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. આ દાવો સ્થાનિક સંગઠન કૃષક મુક્તિ સંગ્રામ સમિતિએ વર્ષ 2019માં કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે. કાયદા મુજબ, ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News