કાલાવડના ખાનકોટડામાં માટી કાઢવાના પ્રશ્ને હુમલો

  • November 24, 2023 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં તળાવમાંથી માટી કાઢવાના પ્રશ્ને ડખ્ખો સર્જાયો હતો, અને નાયબ મામલતદારની હાજરીમાં સર્વે દરમિયાન પવનચક્કીનું કામ રાખનારા ૧૦ શખ્સો દ્વારા દલિત યુવાન સહિત ચાર ગ્રામજનો પર હુમલો કરાયાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે એટ્રોસિટી તેમ જ રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.



કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા ગીરીશભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ.૨૮) નામના અનુસુચીત જાતીના યુવાને ખાનકોટડા ગામના તળાવમાંથી ગેરકાયદે રીતે માટી કાઢવાના પ્રશ્ને ખાનકોટડા ગામમાં જ રહેતા અને  પાયોનીયર કંપનીની પવનચક્કીનું કામ રાખનારા ક્રિપાલસિંહ વનરાજસિંહ રાણા વગેરેને માટી કાઢતાં અટકાવ્યા હતા.



 પરંતુ તેઓએ માટી કાઢવાનું ચાલુ રાખતાં ફરીયાદી ગીરીશભાઈ ચાવડા દ્વારા જામનગરના વહીવટી તંત્ર અને કાલાવડના મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને કાલાવડના નાયબ મામલતદારની હાજરીમાં રોજ કામ કરવામાં આવી રહયું હતું.



 જેમાં ફરિયાદી દલિત યુવાન અને તેની સાથે કેટલાક ગ્રામજનો હાજર હતા. દરમિયાન પવનચક્કીનું કામ રાખનારા ક્રિપાલસિંહ રાણા અને તેની સાથેના અન્ય નવ શખ્સો ઉશ્કેરાયા હતા, અને હંગામો મચાવ્યા પછી જાહેરમાં ફરીયાદીને અપમાનિત અને હડધૂત કરી અને તેના પર હુમલો કરી દીધો હતો.
 આ ઉપરાંત તેની સાથેના ગ્રામજનો પ્રવીણ ઉર્ફે લાલાભાઇ, જયેન્દ્રસિંહ, તેમજ રાજાભાઈ રાઠોડ વગેરે ઉપર પણ ધોકા- લાકડી- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદે મંડળી રચી હતી, બનાવના કારણે નાશભાગ થઈ હતી.


આ બનાવ પછી ચારેય ઇજાગ્રસ્તો ને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, અને પોલીસને મામલાની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ. એચ.વી. પટેલ અને તેમનો સ્ટાફ વગેરે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
પોલીસે ગિરીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે હુમલા કરનારા ક્રીપાલસિંહ વનરાજ સિંહ રાણા, હાર્દિકસિંહ ઉર્ફે હરપાલસિંહ રાણા, લાલો ચારણ-મોડપર, રાજશી ચારણ (હાપા), યશપાલ સિંહ જાડેજા તથા તેના અન્ય પાંચ સાગરીતો સહિત કુલ ૧૦ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ એટ્રોસિટી એકટ ની કલમ ઉપરાંત જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો નોંધ્યો છે.
 હાલ તમામ આરોપીઓ ભાગી ભાગી છુટ્યા હોવાથી તમામ આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, અને જામનગર ગ્રામ્યના એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપી એમ.બી. સોલંકી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application