ગીરસોમનાથ જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ ઉપર અમિત શાહની દેખરેખ

  • June 14, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લક્ષમાં લઈ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લાની વાવાઝોડા સંદર્ભે તૈયારીઓ તેમજ રાહત બચાવ, સ્થળાંતર, વીજ પૂરવઠો વગેરે કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીશ્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે વઢવાણિયાએ જનપ્રતિનિધિઓ સાથે સોમનાથ મંદિરની મુલાકાત લઈ યાત્રિકોની સુરક્ષા તેમજ આગોતરા આયોજન અંગે માહિતી મેળવી હતી.


ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે વઢવાણિયા, ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લઈ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા પાસેથી મંદિરની વ્યવસ્થા, યાત્રિકોની સુરક્ષા, સગવડતા તેમજ વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અંગે માહિતી મેળવી હતી.
ઉપરાંત ગૃહમંત્રીશ્રી દ્વારા સંભવિત બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી સચિવ જેનુ દેવાન, અધિક કલેક્ટર  બી.વી.લિંબાસિયા સહિત શીર્ષ અધિકારીઓએ પણ વાવાઝોડા સંદર્ભે જરુરી તકેદારીઓ રાખવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિર દ્વારા જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પર્યટકો માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ સમુદ્ર દર્શન વોક વે તેમજ રેલવે સ્ટેશનથી સોમનાથ આવતી જતી બસ પણ બંધ કરવામાં આવી છે. ઉપરાંત યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ભારે હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ સતત સુવિધાયુક્ત પગલા લઈ રહ્યું છે પરંતુ બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્શને ન આવવા અપીલ કરવામાં આવી છે.

​​​​​​​જૂનાગઢ કલેકટર કચેરી ખાતે વાયરલેસ, સેટેલાઇટ ફોન તૈનાત
જૂનાગઢ:જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સંભવિત રીતે વાવાઝોડું ત્રાટકનાર છે. આ વાવાઝોડાની સ્થિતિમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપ્પ થવાની સંભાવના રહે છે. જેથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક સેટેલાઈટ ફોન ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સેટેલાઈટ ફોનનું સામાન્ય નેટવર્ક સાથે જોડાણ નથી હોતું. પરંતુ આ ફોન આકાશમાં સ્થિત સેટેલાઈટ તરંગો દ્વારા સેટેલાઈટ ફોન કામ કરે છે. એટલે કે સેટેલાઈટ ફોન ખુલ્લા આકાશ નીચે કામ કરી શકે છે. આમ, સેટેલાઈટ ફોનથી કોમ્યુનિકેશન કરી શકાશે.   આ ઉપરાંત આવશ્યકતા મુજબ વરસાદ વાવાઝોડામાં કોમ્યુનિકેશન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનથી વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેથી સંકટની સ્થિતિમાં ત્વરિત રાહત-બચાવની કામગીરી હાથ ધરી શકાય. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડાને લઈ સંભવિત પરિસ્થિતિને ટાળવા આધુનિક ટેકનોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application