BREAKING NEWS

જામનગરમાં વાહનના લાયસન્સમાં એઆઇ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ​​​​​​​,ચૂક નહીં ચાલે

  • May 23, 2026 01:07 PM 

જામનગરમાં વાહનના લાયસન્સમાં એઆઇ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ​​​​​​​,ચૂક નહીં ચાલે

ટેકનોલોજી: આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ફીટ કરેલા ૧૬ સીસીટીવી કેમેરા ટેસ્ટ આપનાર ચાલક નિયમ મુજબ વાહન ચલાવે છે કે કેમ તેના પર નજર રાખશે

ટેસ્ટમાં ચાલકની વાહન ચલાવવામાં શું ભૂલ થઇ છે તે એઆઇ પકડી પાડી દર્શાવશે:અધિકારીઓ ઓફીસમાંથી કોમ્પ્યુટરના માઘ્યમથી તમામ પ્રકીયાનું મોનીટરીંગ કરી શકશે

જામનગરની આરટીઓ કચેરીમાં એઆઇ આધારિત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક વિધિવત શરૂ થઇ ગયો છે.

આથી હવે લાયસન્સ મેળવવા માટેની વાહન ટેસ્ટમાં ચૂક ચાલશે નહીં. કારણ કે, આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્ર્રેક પર ફીટ કરેલા ૧૬ સીસીટીવી કેમેરા ટેસ્ટ આપનાર ચાલક નિયમ મુજબ વાહન ચલાવે છે કે કેમ તેના પર નજર રાખશે. આટલું જ નહીં ટેસ્ટમાં ચાલકની વાહન ચલાવવામાં શું ભૂલ થઇ છે તે એઆઇ પકડી પાડી દર્શાવશે. અધિકારીઓ ઓફીસમાંથી કોમ્પ્યુટરના માઘ્યમથી તમામ પ્રકીયાનું મોનીટરીંગ કરી શકશે. 

એઆઇ ટેકનોલોજીનો વ્યાપ દીન-પ્રતિદીન ઘટવાને બદલે વધી રહ્યો છે. ત્યારે જામનગરની તમામ સરકારી કચેરીઓમાંથી સંભવત: આરટીઓ કચેરીમાં પ્રથમ આ ટેકનોલોજીનો મહત્વની ડ્રાઇવીંગ લાયસન્સ માટેની વાહન ટેસ્ટ ટ્રેકની સુવિધામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આરટીઓ કચેરીમાં એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકની ટ્રાયલ કરવામાં આવી હતી. જે સફળ થતાં આરટીઓ કચેરીમાં સપ્તાહથી એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક વિધિવત રીતે શરૂ​​​​​​​ કરવામાં આવ્યો છે. આરટીઓ કચેરીમાં એઆઇ આધારીત ટેસ્ટ ટે્રક પર ૧૬ જેટલા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં આ ટ્રેક ઇન્ટરનેટ એટલે કે સરકારના જી-સ્વાન કનેકટીવીટી પર ચાલે છે. આરટીઓ કચેરીમાં પહેલા ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકમાં વાહન ચાલક ટેસ્ટ આપે ત્યારે તે નિયમ મુજબ વાહન ચલાવે છે કે કેમ તે ફરજ પરના અધિકારી ટેસ્ટ ટ્રેક પર ઉભા રહી મેન્યુઅલી ચેક કરતા હતાં. જેના  આધારે વાહનચાલક ટેસ્ટમાં પાસ થયા કે ફેઇલ તેનો નિર્ણય કરવામાં આવતો હતો.

પરંતુ આરટીઓ કચેરીમાં એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક શરૂ થતા જે વાહનચાલક ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક પર વાહનની ટેસ્ટ આપી રહ્યો છે તે વાહનનો નિયમ મુજબ ટર્ન, રીવર્સ, ડાબી અને જમણી બાજુ લે છે કે કેમ તે સહીતની વાહનની મુવમેન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થશે. આટલું જ નહીં જો વાહનચાલકે કોઇ ટેસ્ટ ડ્રાઇવમાં કોઇ ભૂલ કરી હશે તો એઆઇ પકડી પાડી પોઇન્ટ આઉટ કરશે એટલે કે દર્શાવશે. આથી ફરજ પરના આરટીઓ અધિકારીઓ ઓફીસમાં બેઠા-બેઠા સમગ્ર પ્રક્રીયાનું મોનીટરીંગ કરી શકશે. બીજી બાજુ આરટીઓ કચેરીમાં એઆઇ આધારીત ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક શરૂ​​​​​​​ થતા વાહનચાલકો ટેસ્ટ ડ્રાઇવમાં ભૂલ કે ચૂક કરશે તો ચાલશે નહીં. કારણ કે, એઆઇ તુરંત આ ભૂલ પકડી પાડશે. અત્રે નોંધનીય છે કે, આરટીઓ કચેરીમાં અગાઉ કે જયારે અધિકારીઓ ટ્રેક પર ઉભા રહી ચાલકોની વાહન ડ્રાઇવ ટેસ્ટનું મોનીટરીંગ કરતા હતા ત્યારે ટ્રાફીક સીગ્નલ પર વાહન કયારે ઉભું રાખવું અને પુન: કયારે ચલાવવું તેનો સમાવેશ થતો ન હતો. પરંતુ એઆઇ બેઇઝડ ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક શરૂ થતાં આ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે એઆઇ આધારીત વાહન ટેસ્ટ ટ્રેક જી-સ્વાનની કનેકટીવીટી પર આધારીત હોય, જી-સ્વાનમાં ધાંધિયા થતાં એઆઇ આધારીત ટ્રેક પર વાહન ટેસ્ટની કાર્યવાહી ઠપ્પ થઇ જાય છે. જે એક ગંભીર સમસ્યા છે.

તદઉપરાંત હાલમાં દરરોજ ફોર વ્હીલની ૭૦ અને ટુ-વ્હીલની ૧૪૦ વાહનની ટેસ્ટ આ ટ્રેક પર લેવામાં આવી રહી છે. જો કે, આગામી દીવસોમાં ફોર વ્હીલની ટેસ્ટમાં વધારો કરવા માટે શકય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આથી  તેમાં વધારો થવાનો આશાવાદ આરટીઓ કચેરીના અધિકારીઓએ વ્યકત કર્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application