પારડી ગામના લોકોને ડીમોલિશનની નોટિસ ફટકારતાં કલેકટર કચેરીએ ધામા : જય ભીમના લગાવ્યા નારા

  • February 22, 2023 10:37 PM 

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરીને 7 સોસાયટીમાં બનાવી દેવાયેલા 850 જેટલા મકાનો તોડી પાડવાની નોટિસ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા તેના વિરોધમાં આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પારડી ગામના એકાદ હજાર જેટલા લોકો ઉમટી પડ્યા હતા. 11:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી જય ભીમના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.


સાપર નજીક આવેલ પારડીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરીએ આવી રહ્યા હોવાની જાણ થતા જ પૂરતો પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મહિલા પોલીસો પણ મોટી સંખ્યામાં ઉતારી દેવામાં આવી હતી. પરંતુ બે કલાકના ઉગ્ર દેખાવો પછી પણ કોઈ પ્રકારનો કાંકરીચાળો કે તેવી ઘટના બની ન હતી. બંદોબસ્ત માટે મુકાયેલી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.પારડી ગામેથી મેટાડોર,ટેમ્પો જેવા વાહનોમાં સવારથી જ લોકો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા બપોરે 12:00 વાગે કલેક્ટર સાથે મીટીંગ કરીને પોતાના પ્રશ્ને રજૂઆતો કરી હતી.


અમે તો નીતિન ભુવા નામની વ્યક્તિ પાસેથી બજાર કિંમત મુજબ લાખ રૂપિયા ચૂકવી આ જમીન ખરીદી છે અને તેના પર મકાન બનાવ્યા છે. જ્યારે મકાન બનાવવામાં આવ્યા ત્યારે ગ્રામ પંચાયત તરફથી તેને મંજૂરી આપવામાં આવી છે. પીજીવીસીએલના કનેક્શન માટે ગ્રામ પંચાયતે જ મકાનની કાયદેસરતા બાબતે દાખલા આપ્યા છે. આમ છતાં નિતીન ભુવા જેવા અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો સામે પગલાં લેવાના બદલે અમારા મકાનો શા માટે તોડી પાડવામાં આવી રહ્યા છે? એવા સવાલો કલેકટર સાથેની વાતચીતમાં ડી.ડી. સોલંકી સહિતના આગેવાનોએ ઉઠાવ્યા હતા.


કલેકટર સમક્ષની રજૂઆતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે સાત સોસાયટીમાં 850 જેટલા આવા મકાનનો છે. સરકારે અને ગ્રામ પંચાયતે અહીં પાણી, ગટર જેવી સુવિધા આપી છે. લાઈટના કનેક્શન છે. આંગણવાડી અને સ્કૂલ જેવી સુવિધા છે. આટલું બધું થઈ ગયું ત્યાં સુધી આ જમીન ગેરકાયદેસર છે તેવું તંત્રને કેમ ન સુઝયુ?
આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે અન્ય પ્રકારના બાંધકામો જંત્રીથી અને ઇમ્પેક્ટ ફીથી કાયદેસર થઈ શકે છે તો તે મુજબ અમે પણ અમારા મકાનો માટે પૈસા ભરવા તૈયાર છીએ અને તે સરકારે રેગ્યુલરાઈઝ કરી આપવા જોઈએ.

અમારી વોટબેંક વધી ગઈ એટલે દૂર કરવા માગે છે
અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પારડીમાં અમારી વોટબેંક વધી ગઈ છે અને તેથી અમને દૂર કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં 11માંથી છ અનુસૂચિત જાતિના છે. ભવિષ્યમાં અમારો કોઈ વ્યક્તિ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં સત્તા પર ન આવી જાય તે માટે આ કારસો કરવામાં આવ્યો છે.

પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ મગાવતા કલેક્ટર
આગેવાનોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંક અને લોધીકા તાલુકા વિકાસ અધિકારી પાસે આ જમીનની માલિકી કોની છે ? ગૌચરની જમીન છે કે ખાનગી માલિકીની ? આ જમીનના ગૌચરમાં ફેરફાર થયો છે કે કેમ ? તે સહિતની તમામ જીણામાં ઝીણી વિગતો માગતો રિપોર્ટ તાત્કાલિક અસરથી મોકલી આપવા માટે સૂચના આપી છે.

પારડીમાં મકાનો તોડી પડાશે તો કલેક્ટર અને ચીફ મિનિસ્ટરના બંગલામાં રહેવા જઈશું

યુવા ભીમ સેનાના નેતા ડી. ડી. સોલંકી સહિતના આગેવાનોને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે જો અમારા મકાનો તોડી પાડવામાં આવશે તો અનુસૂચિત જાતિના લોકો કલેક્ટર અને મુખ્યમંત્રીના બંગલામાં રહેવા જશે.
સોલંકી એ વધુમાં જણાવ્યું હતું કે આ 5000 વર્ષથી ચાલી આવતી લડાઈ છે. અસ્તિત્વ અને સ્વાભિમાન માટેની આ લડાઈમાં હંમેશા અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. જો અમારા મકાનો ગેરકાયદેસર જમીનમાં હોય તો આવી જ રીતે ગેરકાયદેસર જમીનમાં આવેલા મંદિર મસ્જિદ અને મોટા માથાઓના મકાનો પણ તૂટવા જોઈએ.
આઝાદીના 75 વર્ષ પછી પણ આજે એક પણ ગામ એવું નથી કે ત્યાં આભળછેટ ન હોય. હકની લડાઈ લડવામાં અમને પરસેવો છૂટી ગયો છે પરંતુ અમે મેદાન છોડીને જવાના નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application