મહુવા : વડલી આગળ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત બાદ કાર સળગી ઉઠતા ચાલક ભડથું

  • January 07, 2023 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

માળિયાનો યુવાન બેંકના કામ અર્થે ભાવનગર આવતો હતો ત્યારે વડલી ચોકડી પાસે સર્જાયો અકસ્માત


મહુવાની વડલી ચોકડી નજીક આજે સવારે કાર અને ટેન્કર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત બાદ કાર સળગી ઉઠતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.


આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ મહુવા તાલુકાના માળિયા ગામમાં રહેતા ભરતભાઈ નાકાભાઈ નાગોથા ઉંમર વર્ષ ૩૮  સ્વીફ્ટ કાર લઈને બેંકના કામ માટે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે મહુવા ભાવનગર રોડ પર આવેલ વડલી ચોકડીથી આગળ કાર અને ટેન્કર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ ભભુકી ઉઠી હતી,અને જોતજોતામાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી.અકસ્માત બાદ કાર ચાલક ભરતભાઈએ કારમાંથી બહાર નીકળવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કારનો દરવાજો નહિ ખુલતા કારમાં જ તેઓ ભડથું થઈ ગયા હતા.


આ બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ, ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો,જોકે ફાયરબ્રિગેડ કાફલો સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ ભરતભાઈ આગમાં ભડથું થઈ ગયા હતા.અકસ્માતની આ ઘટના અંગે મહુવા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application