આજકાલના ગંદકીના અહેવાલનો પડઘો, ભુપેન્દ્રભાઈએ આખરે રાજકોટ મનપાના અધિકારીઓ-પદાધિકારીઓને આવું સંભળાવી દીધું

  • March 27, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુપેન્દ્રભાઈ, જરા આ સમસ્યાઓ પર નજર નાખજો... જેમાં કાલાવડ રોડની બન્ને બાજુ ગંદકીના ગંજ કાયમી જોવા મળતા તે મુખ્યમંત્રીના આગમન પહેલા એક જ દિવસમાં મનપાએ સફાઈ કરી દૂર કર્યા હતા. મુખ્યમંત્રીને રાજી કરવા મનપાએ રોડ ચોખો ચણાક કરી દીધો પણ આજકાલનો અહેવાલ મુખ્યમંત્રીના ધ્યાને આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. કારણ કે, કટારિયા ચોકડીએ ભુપેન્દ્ર પટેલે 565.63 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા પછી તેના ભાષણમાં મનપાને ટોણો મારતા એવું કહ્યું કે, નેતા આવે ત્યારે જ સફાઈ નહીં રેગ્યુલર સફાઈ કરજો. આ સાંભળીને મનપાના અધિકારીઓને પણ નીચા જોવા જેવું થયું હતું.


ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, હું અહીં આવતા જોતો હતો કે, રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર એવું લખ્યું હતું ત્યારે માત્ર નેતા આવે ત્યારે જ નહીં દરરોજ નિયમિત સફાઈ થાય અને તેમાં લોકો પણ ભાગીદાર બને તે જરૂરી હોવાની ટકોર કરી હતી.



ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બધા આવ્યા છે પણ તાળી પાડતા નથી. આ વખતે પાણીની ચિંતા થાય નહીં તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અનેક બીજા વિકાસ કામો પણ રાજકોટને આપવાના છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વગ્રાહી વિકાસ થાય છે. તેમાં નાનામાં નાના માણસોનું જીવન સુખી બને તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. રંગીલા રાજકોટનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આજે મનપા અને રૂડાનાં કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ કોર્પોરેશનમાં કામ કરાવવું મુશ્કેલ હતું. પરંતુ હાલ વિકાસની રાજનીતિ હોવાથી કોઈપણ અધિકારી અને પદાધિકારીઓને સરળતાથી મળી કામ કરી શકાય છે. અગાઉ એકાદ લાખનાં વિકાસ કામો કરવામાં મુશ્કેલી પડતી હતી અને આજે કરોડોના વિકાસ કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. વડાપ્રધાને શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું છે અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમએ શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. જે અંતર્ગત ગુજરાતના શહેરોનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારના લોકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે.


2047ને ધ્યાનમાં રાખીને વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે
આગળ ઉમેર્યું હતું કે, પીએમ મોદીના માર્ગદર્શનમાં 2025નું વર્ષ પણ શહેરી વિકાસ તરીકે ઉજવવામાં આવશે. આ માટે અગાઉના બજેટ કરતા 40 ટકા વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ શહેરો આર્થિક વિકાસના કેન્દ્રો બની રહ્યા છે અને 2047ને ધ્યાનમાં રાખીને વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. રાજકોટનું એક ઝોન તરીકે ખાસ ડેવલોપમેન્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રૂ.5000 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણીના બચાવમાં લોકો જોડાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. જેમાં આજે રાજકોટને મળેલા વિકાસ કામો પણ મદદરૂપ બનશે તેવો મને પણ વિશ્વાસ છે.


આજકાલે ગંદકી પર પ્રસિદ્ધ કરેલો અહેવાલ
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૦ અને ૧૧માંથી પસાર થતા અને મોટામવા ગામથી આગળના કાલાવડ રોડના બન્ને સાઇડ સોલ્ડરમાં બેફામ ગંદકીના ગંજ ખડકાયેલા કાયમી ધોરણે જોવા મળે છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ કટારીયા ચોકથી આગળથી શરૂ કરીને અવધ રોડ સુધીના કાલાવડ રોડની બંને બાજુએ રોડની સાઇડમાં ઠેર ઠેર ઉકરડા જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તાર રહેણાંક વિસ્તાર તરીકે ડેવલપ તો થઇ ગયો છે પરંતુ ત્યાં આગળ મહાનગરપાલિકાની કચરો એકત્રિત કરવા માટેના ટીપરવાનની સુવિધા હજુ સુધી પૂરતી માત્રામાં પહોંચી નથી. કહેવાતા ગૌરવ ઉપર કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકથી આગળના વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનની કોઈ જ અસર જોવા મળતી નથી.


મુખ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હોય અને કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના હસ્તે થઈ રહ્યા છે ત્યારે કાલાવડ રોડની જનતા ખુશખુશાલ થઈ ગઈ છે તેનું કારણ આ લોકાર્પણ કે ખાતમુહૂર્ત નથી પરંતુ પહેલી વખત મોટામવાથી આગળના કાલાવડ રોડ ઉપર રોડની બન્ને બાજુએ સ્વચ્છતા જોવા મળી છે તે બાબત છે. મુખ્યમંત્રી જ્યાં સુધી જવાના છે ત્યાં સુધી જ સઘન સફાઈ કરવામાં આવી છે. કટારીયા ચોકડીથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ આજે પણ ગંદકીથી ખદબદતો છે, કટારીયા ચોકડી થી અવધ રોડ સુધી રોડની બંને બાજુએ આવેલા કાચા રસ્તા અને ખાડા કચરાથી છલકાઈ રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે આવતા ટીપરવાનની સુવિધા આ વિસ્તારને પૂરતી માત્રામાં મળતી ન હોય આજુબાજુમાં વસવાટ કરતા નાગરિકો માટે કચરાનો નિકાલ ક્યાં કરવો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. કાલાવડ રોડનો અમુક વિસ્તાર હજુ પણ કણકોટ ગ્રામ પંચાયત હેઠળ હોય તેમ જ અમુક વિસ્તાર મહાનગરપાલિકા હેઠળ અને અમુક વિસ્તાર રૂડા હેઠળ હોય અહીં હદ અને કાર્યક્ષેત્રના પ્રશ્નો સર્જાતા હોવાના કારણે સ્વચ્છતાનું નામો નિશાન જોવા મળતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application