મોરબીમાં ૨૨ જેટલા શખસોનાં ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ

  • November 27, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરના બૌદ્ધ નગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ કરી હતી.બનાવની મળતી વિગતો અનુસાર તા.૨૫/૧૧/૨૦૨૩ ના રોજ ૨૫ વર્ષીય વિપુલભાઇ નાનજીભાઇ સોલંકીએ બૌધ્ધનગર સાંમાકાઠા મોરબી-૨ ખાતે આવેલા પોતાના ઘરે અગમ્ય કારણોસર પોતાની રીતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીમાં વ્યાજખોરોના આતંકની ઘટના સામે આવી છે જ્યાં ઇમિટેશનના વેપારીએ વ્યવસાય ચલાવવા માટે વ્યાજ રૂપિયા લેવાની શરૂઆત કરી હતી અને એક વ્યક્તિ પાસેથી પૈસા લીધા બાદ કુલ ૨૨ લોકો પાસેથી યુવકે વ્યાજે પૈસા લેતા આ તમામ વ્યાજખોરોએ યુવકનું જીવન હરામ કરી નાખ્યું હતું. યુવક પાસેથી ઊંચું વ્યાજ વસૂલની તેની જમીન, ઘરેણા, કાર સહિતની માલ-મિલકત બળજબરીથી પચાવી પાડી હતી. આ ૨૨ વ્યાજ ખોરોના ત્રાસને પગલે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પરિવારે યુવકને બચાવી લીધો હતો. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.


જેમાં ઇમીટેશનનું કામ કરતા અને ટંકારાના વીરપર ગામે રહેતા ફરિયાદી કેયુરભાઇ નાગજીભાઇ બાવરવાએ આરોપીઓ ગોપાલભાઇ ભટ્ટ, ભોલુ જારીયા, રોહીતભાઇ, મુકેશભાઇ ડાંગર, ઉમેશભાઇ, રાજભાઇ ઉર્ફે લાલભાઇ, પ્રકાશભાઇ, અજીતભાઇ, જયેશભાઇ ભરવાડ, કમલેશભાઇ, પ્રતીક ઉર્ફે પતીયો, જયદેવભાઇ, વિપુલભાઇ, જયદીપભાઇ ડાંગર, મિલનભાઇ, મેરૂભાઇ રામજીભાઇ રબારી, મહીપતસિંહ જાડેજા, દીલીપભાઇ બોરીચા, લાલાભાઇ, વિરમભાઇ રબારી, ભરતભાઇ અને રીઝવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આજથી છ મહિના પૂર્વે કેયુરભાઈને ધંધામાં પૈસાની જરૂર હોય જેથી તેમણે પ્રથમ વખત આરોપી ગોપાલ ભટ્ટ પાસેથી રૂપીયા  ૧૦,૦૦,૦૦૦ માસીક ૪૦ ટકા વ્યાજે લીધેલ હતા અને દૈનિક રૂ.૧૫૦૦ વ્યાજ ચુકવતા હતા. પાંચ મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ રૂ.૧૩,૦૦,૦૦૦ લાખ વ્યાજે લીધા હતા બધા રૂપીયાનુ કેયુરભાઈ દર દશ દીવસે રૂ.૩,૦૦,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા અને તા.૨૫/૧૧ સુધીમાં તેમણે કુલ રૂ.૧૩,૦૦,૦૦૦નું વ્યાજ ચૂકવ્યું હતું અને આરોપી ગોપાલ ભટ્ટને બે કોરા ચેક પણ આપ્યા હતા. એક સપ્તાહ પૂર્વે આરોપી ગોપાલને વ્યાજ ચૂકવી ન શકતા તેણે કેયુરભાઈની કીઆ કંપનીની સેલટોસ કાર નં. જી.જે.૩૬, આર, ૮૧૯૪ પડાવી લીધી હતી.


કેયુરભાઈને વધુ રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી ભોલુ જારીયા પાસેથી રૂપીયા ૪,૫૦,૦૦૦ ૩૦ ટકાના વ્યાજે લીધા હતા. આરોપી ભોલુ એ પણ બે કોરા છે કેયુરભાઈ પાસેથી લીધા હતા તથા ચાર મહિના સુધી તેને નિયમિતપણે વ્યાજ ચૂકવ્યું હતું છતાં આરોપી ભોલુ કેયુરભાઈ ના ઘરે આવી વધુ રૂપિયાની ઉઘરાણી કરી બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ બે વ્યાજખોરોને તેમનું વ્યાજ ચૂકવવા માટે કેયુરભાઈ અન્ય વ્યાજખોરો પાસે ગયા હતા. જેમાં આરોપી રોહીત પાસેથી માસીક ૩૫ ટકા લેખે રૂપીયા ૧૦,૦૦,૦૦૦, મુકેશ ડાંગર પાસેથી માસીક ૨૫ ટકા લેખે રૂ.૪,૦૦,૦૦૦, પ્રકાશભાઈ પાસેથી માસીક ૨૦ ટકા લેખે રૂ.૨ લાખ લીધા હતા. આ ત્રણેય આરોપીઓએ કેયુરભાઈ પાસે હાથ ઉછીના પૈસા આપ્યા નું લોટરી લખાણ કરાવ્યું હતું. આરોપી દિલીપ બોરીચા પાસેથી કેયુરભાઈએ રૂ.૧૦,૫૦,૦૦૦ માસીક પાંચ ટકાએ વ્યાજે લીધા હતા. તેના બદલામાં આરોપી દિલીપે કેયુરભાઈ પાસેથી ૧૫ તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આરોપી રીઝવાન પાસેથી કેયુરભાઈએ માસિક ૪% લેખે રૂપીયા ૪,૧૫,૦૦૦ વ્યાજે લીધા હતા તેના બદલામાં આરોપી રીઝવાને છે કેયુરભાઈની સાત વીઘા જમીનનું નોટરાઇઝ સાટા ખત કરાવી લીધુ હતુ.
​​​​​​​
આ ઉપરાંત અન્ય ૧૫ આરોપીઓ પાસેથી પણ કેયુરભાઈએ લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. અને બદલામાં બે કોરા ચેક આપ્યા હતા આ તમામ વ્યાજખોરોએ કેયુરભાઈ પાસેથી ઊંચું વ્યાજ ચૂકવતા હતા અને કેયુરભાઈ વ્યાજ ચૂકી જતા તમામ આરોપીઓ પૈસાની પઠાણી ઉઘરાણી કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેનાથી કંટાળી જઇ કેયુરભાઈએ એસ.પી. રોડ પાસે અક્ષર હાઇટસ સામે કેનાલ રોડ બાવડની ઝાડી પાસે જઈને તેમના ભાભીને ફોન કરીને જાણ કરી હતી કે પોતે આ વ્યાજખોરોના ત્રાસને પગલે ફીનાઈલ પીને આપઘાતનું પગલું ભરી રહ્યા છે. તેવું જણાવ્યા બાદ કેયુરભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. પરંતુ તેમના પરિવારે સમય સૂચકતા દાખવીન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કેયુરભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application