સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ, લૂંટારા આભિરોના કેટલાય અર્જુનના હાથે મરાયા છતાં તેમણે લૂંટફાટ બંધ ન કરી. સ્ત્રીઓ અને ધન લૂંટીને આભિરો ચાલ્યા ગયા. કેટલીક સ્ત્રીઓ પોતાની ઈચ્છાથી તેમની સાથે ચાલી ગઈ. સાવ શ્રુલ્લક એવા કાબા લૂંટારાઓના હાથે પોતાનો પરાજ્ય થયો એનાથી અર્જુન દુ:ખી થઈ ગયો. વિષ્ણુ પુરાણે તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે: ‘આ કેવું કષ્ટ, મને તો એ ભગવાને જ છેતરી લીધો. આ એ જ ધનુષ છે, એ જ શસ્ત્રો છે. રથ અને ઘોડા પણ એ જ છે. પરંતુ કુપાત્રને આપેલા દાનની પેઠે આજે તે એકસાથે વ્યર્થ થઈ ગયા છે. ભાગ્ય બહુ પ્રબળ છે, આજે મહાત્મા કૃષ્ણ ન રહ્યા એટલે અસમર્થ અને નીચ એવા કાબાઓના હાથે મને પરાજ્ય મળ્યો. જૂઓ આ મારી ભૂજાઓ એની એ જ છે અને મારી આ મુઠ્ઠી પણ એ જ છે. આ એ જ કુરુક્ષેત્રનું સ્થાન છે અને હું અર્જુન પણ એ જ છું. છતાં પુણ્યદર્શન કૃષ્ણ વગર આજે બધાં જ સારહીન થઈ ગયાં. ખરેખર તો મારું અજુતત્વ અને ભીમનું ભીમત્વ કૃષ્ણને લીધે જ હતું. તેમના વગર આજે મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મને તુચ્છ કાબાઓએ હરાવી દીધો.’
લૂંટારા આભિરોના હાથે અર્જુનનો પરાજ્ય થયો એ ઘટનાના વાસ્તવિક મહત્વ કરતાં તેનું પ્રતિકાત્મક મહત્વ વધુ છે. આ કથા મહાભારતથી માંડીને વિષ્ણુપુરાણ સુધી સમાનરૂપે ઉતરી આવી છે એટલે તેને ઉમેરો કે ક્ષેપક કહી શકાય નહીં, તે મૂળ કથાનો ભાગ જ છે અને એટલી જ અસલ છે. પણ કથા પ્રવાહમાં તેનું ખાસ મહત્વ નથી. આ ઘટના ન ઘટી હોત તો પણ તે પછીના ઘટનાક્રમ પર તેની કોઈ મોટી અસર પડી હોત નહીં. પણ, તેની પ્રતિકાત્મક અસર ખૂબ મોટી છે અને એ બાબતને જ મહાભારત તથા વિષ્ણુપુરાણમાં ઉપસાવવામાં આવી છે. મહાભારતમાં અર્જુને ઈન્દ્રપ્રસ્થ પહોંચીને વજ્રને રાજગાદી સોંપી, યાદવોને વિવિધ જગ્યાએ વસાવ્યા અને ત્યાંના રાજા બનાવ્યા તે પછી વ્યાસ પાસે જઈને પોતાની પીડા વ્યકત કરે છે કે ‘મારા દેખતાં આભિરો ધન અને સ્ત્રીઓને લૂંટી ગયા. મારી પાસે ગાંડિવ હતું છતાં હું પરાક્રમ બતાવી શક્યો નહીં. મારું બધું બળ નાશ પામ્યું, મારા બધાં દિવ્યાસ્ત્રો નાશ પામ્યા અને બાણો પણ પળવારમાં ખૂટી ગયાં. શંખ, ચક્ર, ગદા, પદ્ય ધારણ કરનાર કૃષ્ણ હતા ત્યાં સુધી જ હું શત્રુઓનો પરાભવ કરી શકતો હતો.’ અર્જુનની આ દશા પ્રતિકાત્મક છે. ઈશ્ર્વર સાથે હોય ત્યાં સુધી માનવ પરાક્રમ કરતો રહે છે, સફળ થતો રહે છે પણ ઈશ્ર્વરથી અળગા થતાં જ સત્વહીન બની જાય છે. મનુષ્યનું સામર્થ્ય ઈશ્ર્વરની હાજરીના કારણે છે. જ્યાં સુધી ઈશ્ર્વરની સાથે છે ત્યાં સુધી માનવ ગમે તે કરવા માટે સમર્થ છે એ મનુષ્યની ઉર્જાનો સ્ત્રોત છે. એ ઉર્જા મળતી બંધ થઈ જાય એટલે માણસ વીજળી વગર લેમ્પ બુઝાઈ જાય તે રીતે બુઝાઈ જાય છે. અર્જુનને જીવનના અંતભાગે એ સમજાઈ ગયું કે ઈશ્ર્વરનો સહારો ન હોય તો પોતે એકડા વગરના શૂન્ય જેવો છે, જેનું કોઈ મૂલ્ય નથી.
વેદ વ્યાસે પણ અર્જુનને સમજાવ્યું કે આ બધું જ કાળવશ થયું છે. જ્યારે સમય સારો હોય ત્યારે બળ, બુધ્ધિ, તેજમાં વધારો થાય છે. કાળ વિપરીત હોય ત્યારે આ બધાનો પણ વિનાશ થાય છે. આ સમગ્ર જગતનું મૂળ કાળ છે. તે જ બીજપે આ જગતનું સર્જન કરે છે અને પુન: ઈચ્છાનુસાર તેનો વિનાશ પણ કાળ જ કરે છે. સમયને કારણે જ પુરુષ બળવાન બને છે અને ફરીથી નિર્ણય બની જાય છે તે જે અસ્ત્રો દેવો પાસેથી મેળવ્યા હતા તે પોત પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા છે હવે ફરીથી યોગ્ય સમય આવશે ત્યારે પુન: તને પ્રાપ્ત થશે.
કૃષ્ણની ચિરવિદાય પછી પોતે જીવવા ઈચ્છતો નથી એવું તો અર્જુને વસુદેવને દ્વારકામાં મળ્યો ત્યારે જ કહી દીધું હતું. વ્યાસજી પાસે પણ એ જ વાતનું પુન: ઉચ્ચારણ તેણે કર્યું. પિતામહ વ્યાસે પણ ‘તમારું અવતારકાર્ય પૂરું થયું છે, હવે તમારો પણ પરલોકગમનનો કાળ નજીક આવી ગયો છે એમ કહીને મહાપ્રસ્થાન કરવાની સલાહ આપી. કૃષ્ણ વગર તેજવિહિન થઈ ગયેલા પાંડવોએ રાજ્ય છોડીને સંન્યાસીના વેશમાં મહાપ્રસ્થાન કર્યું અને પૂરા ભારતવર્ષની યાત્રા કરી. લડવૈયા અર્જુને ત્યારે પણ ગાંડિવ ધનુષ્ય અને બે અક્ષય ભાથાં છોડ્યા નહોતાં. ગીતાનો ઉપદેશ આત્મસાત કર્યા પછી, કૃષ્ણનો વર્ષો સુધી સંગાથ રહ્યા પછી, કૃષ્ણ વગર જીવવું આકરું લાગ્યું એનાથી પરલોકગમનની યાત્રાએ નીકળી ગયા પછી પણ અર્જુનનો યોધ્ધાનો મૂળ સ્વભાવ ગયો નહોતો. મનુષ્ય પોતાના સ્વભાવને ભાગ્યે જ છોડી શકે છે. પાંડવોની આ યાત્રા મહિનાઓ સુધી કે વર્ષો સુધી ચાલી હોઈ શકે. કારણ કે પૂર્વ પ્રદેશમાં પહોંચ્યા ત્યારે અગ્નિદેવે આવીને અર્જુનનું ગાંડિવ ધનુષ્ય છોડાવીને વરુણને મોકલી આપ્યું. ગાંડિવ ધનુષ્ય વરુણ પાસેથી લઈને જ અગ્નિએ અર્જુનને ખાંડવવન દહન વખતે આપ્યું હતું. એ પછી પાંડવો દક્ષિણ થઈને પશ્ર્ચિમે દ્વારકા સુધી ગયા જ્યાં તેમણે જવમાં ડૂબેલી નગરીને જોઈ. અંતે ઉત્તર તરફ યાત્રા કરીને તેઓ હિમાલય પહોંચ્યા.
હિમાળે હાડ ગાળતાં સૌ પ્રથમ દ્રોપદી પડી એટલે ભીમે પૂછ્યું કે કૃષ્ણાએ ક્યારેય અધર્મનું આચરણ નથી કર્યું છતાં એ કેમ ઢળી પડી? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આપણે પાંચેય પતિઓ તરફ સમાન ભાવ હોવા છતાં દ્રોપદીને અર્જુન તરફ વિશેષ પક્ષપાત હતો તેનું ફળ આજે તે ભોગવે છે. દ્રોપદીને અર્જુન તરફ વધુ લાગણી છે એવું યુધિષ્ઠિરને શઆતથી જ લાગતું હતું અને એ બાબતે જ અર્જુને વનવાસ ભોગવવો પડ્યો હતો. જીવનના અંત સુધી આ વાત ધર્મરાજના મનમાંથી નીકળી નહોતી. સહદેવ પડ્યો તેનું કારણ યુધિષ્ઠિરે એવું આપ્યું કે તેને પોતાની બુધ્ધિનો અહંકાર હતો, તે પોતાના જેવો બુધ્ધિશાળી કોઈને સમજતો નહોતો એટલે તેનું પતન થયું. નકુલને પોતાની સુંદરતાનો ગર્વ હતો એટલે પડ્યો એવું કારણ ધર્મરાજે આપ્યું. અર્જુન પડ્યો ત્યારે તેમણે કહ્યું કે એક જ દિવસમાં શત્રુઓને સળગાવી દેશે એવું કહ્યા પછી કરી શક્યો નહીં એટલે અને પોતાને અન્ય ધનુર્ધારીઓ કરતાં ખૂબ સક્ષમ ગણતો હતો એ ગર્વને લીધે વચેટ પાંડવ પડ્યો છે. ભીમને પણ પોતાના બળનું જ અભિમાન નડ્યું એવું તેમણે કહ્યું. ચારેય પાંડવો વિવિધ અભિમાનને લીધે જ પડ્યા એવું ધર્મરાજે પ્રતિપાદિત કર્યું. છેલ્લે ધર્મરાજ, અને યાત્રા શ થઈ ત્યારથી તેમની સાથે ચાલતો કૂતરો બે જ બચ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech