મેલાણ ગામમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો

  • November 27, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા એક રબારી યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.
જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા મૂળ ભાણવડના પાછતરના વતની કારાભાઈ કરમણભાઈ છેલાણા નામના ૩૦ વર્ષના રબારી યુવાને પોતાના ઘેર લાકડાના પીઢિયામાં રેશમ ની દોરી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ કરમણભાઇ છેલાણાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
***
જામનગરમાં ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મૃત્યુ
જામનગર તાલુકાના લાખાબાવળ  ગામના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા તેનું  સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે .
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અલ્તાફ નુરમામદ ખીરા (ઉ.વ.૩૧) નામના યુવાને ગત તા. ૧૨ના રોજ  જામનગરમાં કે વી રોડ ઉપર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, આથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું  હતું. આ અંગે લાખાબાવળમાં રહેતા મહેબુબભાઇ ખીરા દ્વારા પોલીસમાં જાણ કરાતા સીટી-બી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
ચક્કર આવતા મૂર્છિત હાલતમાં ભાણવડના વૃદ્ધાનું મૃત્યુ
ભાણવડમાં રહેતા લલીતાબેન ખીમજીભાઈ રાઠોડ નામના ૬૮ વર્ષના સતવારા મહિલાને ચક્કર આવતા બેભાન અવસ્થામાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ તુલસીભાઈ રાઠોડે સ્થાનિક પોલીસને કરી છે.
***
દ્વારકામાં સાધુનું નિદ્રાધીન અવસ્થામાં મૃત્યુ: રુમમાં સુતા હતા ત્યારે હૃદય બંધ પડી ગયું : શોકની લાગણી
દ્વારકામાં દ્વારકા સેવા સંસ્થા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાન જિલ્લાના અલવર તાલુકાના વતની એવા ઓમીભાઈ પપુભાઈ યોગી નામના ૩૮ વર્ષના સાધુ યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના રૂમમાં સુતા હતા, ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ દ્વારકામાં નાગેશ્વર રોડ પર રહેતા અને સેવા પૂજા કરતા ભાવેશભગત ગુરુ ચંદ્રપ્રસાદ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.
***
દ્વારકા, કલ્યાણપુરમાં હૃદયરોગના હુમલાએ વધુ બે વૃઘ્ધના ભોગ લીધા
મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના મૂળ રહિત એવા પ્રકાશભાઈ મોહનલાલ વ્યાસ નામના ૭૨ વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને ગઈકાલે રવિવારે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મહારાષ્ટ્રના અશોકકુમાર લક્ષ્મીદાસ બ્રાહ્મણે દ્વારકા પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામદેભાઈ દેવાભાઈ સોલંકી નામના ૫૩ વર્ષના આધેડ કે જેને અગાઉ દસેક વર્ષ પૂર્વે પેરાલીસીસનો એટેક આવી ગયો હતો, તેમને પણ રવિવારે હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રાજુભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.
***
ખંભાળિયા પંથકની તરુણીનો ગળાફાંસો ખાઈને આપઘાત: રીંગણાનું શાક ભાવતું ન હોવાથી મનમાં લાગી આવતા પગલુ ભર્યુ
ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા ઉર્વશીબા નિકુલસિંહ જાડેજા નામની ૧૪ વર્ષની ગરાસીયા તરુણીએ ગત તારીખ ૨૪ મી ના રોજ મોડી રાત્રીના સમયે પોતાના ઘરે પોતાના હાથે હિંડોળાના કળામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
મૃતક ઉર્વશીબાને રીંગણાનુ શાક ભાવતું ન હોવાથી તેના પિતાએ તેને બીજા ઘરેથી શાક લઈ આવવાનું કહેતા આ બાબતે ઉર્વશીબાને મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવા અંગેની મૃતકના પિતા નિકુલસિંહ અમરસિંહ જાડેજા (ઉ.વ. ૪૭) સલાયા મરીન પોલીસમાં જાહેર કર્યું છે. આ બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
***
શિસાંગ ગામમાં તરુણનું શ્ર્વાસ રુંધાઇ જવાના કારણે મૃત્યુ
કાલાવડ તાલુકાના શિસાંગ ગામમાં રહેતા ૧૭ વર્ષીય પરપ્રાંતિય તરુણને શ્વાસની તકલીફ થઈ હતી, અને તેનું શ્વાસ થંભી જતાં હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
કાલાવડ તાલુકાના શીસાંગ ગામમાં મહાવીરસિંહ નામના ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતા પર પ્રાંતીય પરિવારના ૧૭ વર્ષીય તરુણ અર્જુન કાશીરામ ગણાવા કે જેને ગઈકાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
 જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે રવિભાઈ કાશીરામ ગણાવાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application