વડોદરામાં ફ્લેટમાં આગ લાગતા ઊંઘમાં જ યુવાન જીવતો ભુંજાયો, ઘરવખરી બળીને ખાખ

  • March 22, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરામાં શહેરમાં આજે બે અલગ અલગ જગ્યાએ આગની ઘટના બની હતી. જેમાં સયાજીપુરામાં આવેલા એક ફ્લેટમાં આગ લાગતા એક યુવાન જીવતો ભૂંજાયો હતો. જ્યારે અન્ય એક આગની ઘટના શહેરના મકરપુરામાં આવેલી એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.


વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરમાં રહેતા કિરણ રાણાના મકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બેડમાં સુઈ રહેલા કિરણ રાણાનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હેતલબેનનો બચાવ થયો હતો. આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બનાવ બાદ ઘરવખરી પણ આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 


બીજો બનાવ વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલ મટિરિયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.


એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. કોલ મળતાં જ જીઆઇડીસી, ગાજરાવાડી, ટીપી 13, દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતાં છ ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી.


ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર, ફાયર ઓફિસર, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ સહિતનુ મટિરિયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application