પંજાબી યુવતીના પ્રેમમાં પાગલ યુવાન પિતાની પેઢી,લોકરમાંથી 21 લાખ લઇ છુ

  • March 22, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં રહેતો અને અહીં ગોંડલ યાર્ડમાં પિતાની પેઢી સંભાળનાર પંજાબી યુવાન પંજાબની યુવતીના પ્રેમમાં પાગલ બની પોતાની જ પેઢીમાંથી રૂપિયા એક લાખ રોકડ અને બેંકમાં લોકરમાં પિતાની ખોટી સહી કરી 30 તોલા દાગીના સહિત 21 લાખ લઈ નાસી ગયો હતો. ભાગીદારીમાં પેઢી હોય જેથી રાજકોટ રહેતા સગા કાકાએ ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક પાસે પામ યુનિવર્સ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-4/એ માં રહેતા પરેશભાઈ જમનાદાસભાઈ લાલાણી (ઉ.વ 48) નામના વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ગુંદાળા રોડ પર ગણેશનગર-૧ માં રહેતા સગા ભત્રીજા તારક અશોકભાઈ નિલેશભાઈ લાલાણીનું નામ આપ્યું છે.

પરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પૂજા એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી આવેલી છે જેમાં ડુંગળીનો હોલસેલ કમિશનથી વેપાર કરે છે. આ પેઢીમાં તેમના નાનાભાઈ અશોકભાઈ લાલાણી અને માતા જયાબેન લાલાણી ભાગીદાર છે. આ ભાગીદારી પેઢી તેમના નાનાભાઈ અશોકભાઈ અને તેનો દીકરો તારક સંભાળે છે અને તેમનો ભાણેજ કિશન અહીં નોકરી કરે છે ફરિયાદી ક્યારેક અહીં પેઢીએ આટો મારવા આવે છે.

તા. 20/3 ના ફરિયાદી તથા તેમના ભાઈ અશોકભાઈ બંને નાસિકથી આવતા હતા ત્યારે સવારના 11 વાગ્યા આસપાસ પેઢીમાં કામ કરનાર ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારકનો ફોન લાગતો નથી અને તે ક્યાંય જોવા મળ્યો નથી. બાદમાં તેની શોધખોળ કરતા તેનું બુલેટ ગોંડલ રેલવે સ્ટેશન પાસે પાર્કિંગમાં મળી આવ્યું હતું. જેથી ટ્રેનમાં બેસી ક્યાંક જતો રહ્યાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ભાણેજે વાત કરી હતી કે પેઢીના કેમેરા જોતા માલુમ પડ્યું હતું કે તા. 19/3 ના રાત્રીના તારક દુકાનના પાછળના શટરમાંથી અંદર આવતો જોવા મળ્યો હતો અને બાદમાં ઓફિસના કેમેરા બંધ થઈ ગયા હતા. ઓફિસમાં ચેક કરતા તિજોરીમાં રાખેલ રોકડ રૂ. 1,00,000 જોવા મળ્યા ન હતા. તેમજ તિજોરીમાં તારકનું આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ તથા મારો એપલ કંપનીનો મોબાઇલ ફોન પડેલ હતો તે જોવામાં આવ્યો નથી જેથી તે તારક લઈ ગયો હોવાનું માલુમ પડ્યું છે.

બાદમાં બીજા દિવસે ફરિયાદીને માલુમ પડ્યું હતું કે, તેમના ભાઈના પત્ની ધર્મિષ્ઠાબેન માર્કેટ યાર્ડમાં આવેલ ગોંડલ નાગરિક બેંકની બ્રાંચમાં લોકર હોય જે લોકરમાં સોના દાગીના મૂકવા જતા લોકર ખોલતા માલુમ પડ્યું હતું કે, તારક પિતાની ખોટી સહી કરી 20 લાખના ૩૦ તોલા સોનાના દાગીના લઈ જતો રહ્યો છે.

ફરિયદમાં વધુમાં જણાવ્યું હતું કે, તારકને પંજાબમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય બે મહિના પહેલા તે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો જેથી ગત તારીખ 21/1/2025 ના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં તપાસમાં માલુમ પડ્યું હતું કે, યુવતીએ બોલાવતા તારક ફ્લાઈટમાં અહીંથી મુંબઈ ગયો હતો. બંને મુંબઈની હોટલમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તારકની સમજાવ્યો હતો અને યુવતી પાસે સમજૂતી કરાર કરાવ્યો હતો કે હવે તે ક્યારેય તારકનો સંપર્ક કરશે નહીં. પરંતુ ફરી તારક આ યુવતીને મળવા નીકળી ગયો હોવાની પૂરેપૂરી શંકા સાથે ફરિયાદીએ પોતાના સગા ભત્રીજા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application