દરરોજના ૪૫ થી ૫૦ લોકોને ડોગ બાઇટ કરે છે જામનગરના પદાધિકારીઓ-અધિકારીઓ શરમ કરો...!!: જયોત ટાવર વિસ્તારમાં જ એક હડકાયા કુતરાએ ૧૫ લોકોને બાઇટ કર્યા : રુા. ૫૦ લાખની ખસીકરણની કામગીરી કયા પહોચી : જામનગરના શાસકો જવાબ આપે
જામનગરમાં દરરોજ ૪૫ થી ૫૦ લોકોને અલગ અલગ વિસ્તારમાં કુતરા કરડે છે પરંતુ શાસકોને હજુ આની કોઇ ગંભીરતા સમજાતી નથી, ગઇકાલે ટાઉનહોલ નજીક જયોત ટાવર વિસ્તારમાં જ એકી સાથે આખા દિવસમાં ૧૫ લોકોને બાઇટ કરતા ભારે દોડા દોડી મચી ગઇ હતી અને ગઇકાલે દિવસ દરમ્યાન વધુ ૩૫ લોકોને અલગ અલગ વિસ્તારમાં કુતરા કરડયા હોવાનું બહાર આવ્યું છે.
જામનગર શહેરમાં જી.જી. હોસ્પીટલની વાત લઇએ તો લગભગ દરરોજ ૩૫ થી ૪૦ લોકોને કુતરા કરડયા હોય તબકકાવાઇઝ ઇન્જેકશન લેવા આવે છે થોડા દિવસ પહેલા ધ્રોલમાં એક હડકાયા કુતરાએ દિવસ દરમ્યાન ૧૨ લોકોને બચકા ભરતા એ તમામ લોકો જામનગર સારવાર માટે આવ્યા હતા, એવી જ રીતે ગઇકાલે એક નાનકડા ગલુડીયાએ જયોત ટાવર વિસ્તારમાં ૧૫ થી વધુ લોકોને બચકા ભરતા ચારેકોર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો આ અંગે મહાપાલકીામાં ફરીયાદ કરવામાં આવી હતી પરંતુ રાબેતા મુજબ આમા કાંઇ થયુ ન હતું.
કુતરા એકી સાથે ૧૫ થી ૨૦ લોકોને બચકા ભરે તો લોકોને કયા ફરીયાદ કરવી, કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ મોટા ઉપાડે એવી વાત કરે છે કે કુતરાના ખસીકરણ માટે રુા. ૫૦ લાખનું બજેટ ફાળવવામાં આવ્યુ છે, જામનગરમાં એક વર્ષમાં જી.જી. હોસ્પીટલમાં જ ૧૦ હજારથી વધુ અને ખાનગી હોસ્પીટલમાં લગભગ ૭ હજારથી વધુ લોકોને કુતરા કરડી ચુકયા છે. કેટલાક લોકો ખાનગીમાં સારવાર લે છે અને મોટાભાગના લોકોતો જી.જી. હોસ્પીટલમાં ગામડામાંથી પણ સારવાર લે છે.
ગઇકાલની જ વાત કરીએ તો જયોત ટાવરમાં આવેલા એક વૃઘ્ધનો ઝભ્ભો ફાડીને કુતરાએ બચકા ભર્યા હતા એવી જ રીતે સાત આઠ યુવાનોને પણ બચકા ભરતા તેઓ તાત્કાલીક અસરથી જી.જી. હોસ્પીટલ ઇન્જેકશન લેવા દોડી ગયા હતા. વાત અહીં જ અટકતી નથી, કુતરા કરડેતો એક કુતરાનું શું કરવું તેની જવાબદારી કોની ? કોર્પોરેશનમાં ફોન કરીએ તો કહે છે કે કુતરુ મરી ગયુ હોય તો અમે ઉપાડવા આવીએ એનો મતલબ એ થયો હજુ ભલે વધુ લોકોને કરડે અમને તમાર કોઇ ચિંતા નથી.
શાસકો મોટા મોટા બણગા ફુંકે છે, પરંતુ કુતરા કરડવાનું ચાલુ જ રાખે છે હવે તો લોકો કંટાળી ગયા છે, પંચવટી, પટેલ કોલોની વિસ્તારમાં તો રાત્રે તમે બાઇક લઇને નીકળો તો કુદકો મારીને કુતરુ કરડી જાય છે, મહાપાલીકા પોતાની જવાબદારી ખંખેરીને નીકળી જાય છે.
***
સત્તાધારી ભાઈઓ... કઈ ભાષા સમજો છો?
ભોગ બનેલાં લોકો તો તમને અસંસદીય ભાષામાં સંબોધી રહ્યાં છે: જો-જો લોક જુવાળનો ભોગ ન બની જતાં
કોઈ પણ સમસ્યા હોય, તેનો ઉકેલ હોય જ છે... દુનિયામાં કોઈ એવો પ્રોબ્લેમ નથી, જેની પતાવટ ન થઈ શકે... જ્યારે પ્રશ્ર્ન વિકરાળ બને ત્યારે પ્રજાહિત ખાતર વર્તમાનપત્રો અથવા ઈલેકટ્રોનિક મીડિયા જનતાની વેદના સત્તાધારીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એક વાર.. બે વાર.. ચાર વાર કે એથી વધુ વાર પણ લખવું પડે તો મીડિયા લોકો માટે ક્યારેય કંજુસી દેખાડતું નથી, પરંતા આશ્ર્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે, જામનગર શહેરની ગલી-ગલીમાં કૂતરાઓના આતંક વિશે અનેક વાર અખબારી અહેવાલો બની ચૂક્યા છે અને શું વર્તમાન સ્થિતિ છે તેના દાખલા મીડિયા આપતું રહ્યું છે, આમ છતાં ‘નપાણિયા’થી પણ કોઈ ઊતરતો શબ્દ જેના માટે કહી શકાય એવા જામ્યુકોના સત્તાધિશો પરિણામલક્ષી પગલાં લઈ શક્યા નથી અને એમના પાપે જ આજે સેંકડો નિર્દોષ લોકો કાં તો ભોગ બની રહ્યાં છે અને કાં તો ભયના ઓથાર તળે જીવી રહ્યાં છે.
ખસ્સીકરણ માટે પ૦ લાખ ફાળવી દીધાં છે.. ચાલો, આપણી જવાબદારી પૂરી!! આવું માનતાં જામ્યુકોના બેશરમ શાસકોને શું રોજ-બરોજ અખબારોમાં આવતાં ડૉગ બાઈટના અહેવાલો દેખાતાં નથી? કેમ એમને એ વાત મહેસૂસ થતી નથી કે હાલમાં ખસ્સીકરણ કરી લેવાથી આ સમસ્યાનો અંત નહીં આવે, માનવ વસતિથી કૂતરાઓને દૂર કરવા પડશે, દૂર કરવા જોઈએ, આ પાયાની જરુરિયાત છે... આવી મહત્વની વાત આ શાસકોને કેમ સમજાતી નથી?
મજાની વાત એ છે કે, કયા પ્રકારનું ખસ્સીકરણ ચાલી રહ્યું છે એ પણ સમજાતું નથી કારણ કે, પંચવટી ગૌશાળા, ટાઉનહૉલ, જ્યોત ટાવર સહિતના એવા સેંકડો વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં ગલુડિયા અથવા કહો કે કુરકુરિયા જોવા મળી રહ્યાં છે. જો ખસ્સીકરણ થાય છે તો આટલી મોટી સંખ્યામાં ગલુડિયા શું કામ દેખાય છે...? શું એવું નથી ને કે માત્ર કાગળ પર જ ખસ્સીકરણ ચાલી રહ્યું છે?! અને એમાં પણ ‘મલાઈ’ મેળવવામાં આવી રહી છે?! શરમ કરો... શરમ કરો... કદાચ આવું ન પણ હોય છતાં એ બાબતમાં તો ઊંડા ઊતરો કે ખસ્સીકરણ થઈ ગયાં પછી કૂતરાઓની સંખ્યા મર્યાદા બહાર શું કામ જઈ રહી છે?
બીજી મહત્વની વાત કે દરેક વખતે અનેક નિયમો તોડી ચૂકેલું મહાનગર પાલિકાનું મડદાં જેવું તંત્ર માત્ર કૂતરાઓને પકડવાની વાતમાં જ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને યાદ રાખે છે, ભાજપ શાસિત મહાનગર પાલિકા, ગુજરાતમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં પણ ભાજપની સત્તા... તો શું કામ આવા મહત્વના મુદ્દે સર્વોચ્ચ અદાલત સમક્ષ જઈને આજની હકીકત રજૂ કરવામાં નથી આવતી કે હવે શહેરમાં કૂતરાઓનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે, માનવ જિંદગી જોખમમાં છે.
સો ટકા સુપ્રીમ કોર્ટ સમક્ષ જો ડૉગ બાઈટના આજના આંકડા, મૃત્યુઆંક મૂકવામાં આવે તો મેનકા ગાંધીએ કરેલાં એક પ્રકારના લોકવિરોધી કાર્ય પર બ્રેક લાગી શકે છે કારણ કે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એ વાત સુપેરે જાણે જ છે કે માનવ જિંદગીનું મૂલ્ય શું છે?
ખરેખર... દાદ દેવી પડે સુરત મહાનગર પાલિકાના ‘મર્દ’ શાસકોને... ત્યાં કૂતરાઓનો ત્રાસ અસહ્ય બની ગયો હોવાથી સુરત કોર્પોરેશન દ્વારા પહેલાંની જેમ કાયદેસર શેરી-ગલીઓમાંથી કૂતરાઓને પકડી-પકડીને દૂર જંગલ વિસ્તારમાં છોડવામાં આવી રહ્યાં છે. જેનાથી સુરતના લોકોને રાહતનો અનુભવ થયો છે.
જામ્યુકોના સત્તાધિશો કમસે કમ સુરતનો દાખલો આડો ધરીને તો આ કાર્ય કરી શકે છે ને? રાજ્ય સરકારને એમ પણ કહી શકે છે કે સુરત મહાનગર પાલિકાએ કર્યું એટલે અમે કરી રહ્યાં છીએ અને તેની જરુરિયાત એટલાં માટે છે કે લોકો મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યાં છે, ઘણાંબધા કિસ્સાઓમાં લોકોના જીવ પણ ગયાં છે.
જામ્યુકોના શાસકો કદાચ એ વાત પણ નહીં જાણતાં હોય કે, એમના આ નપાણિયા વહિવટને વખોડવા માટે વર્તમાન પત્રો તો ભાષા વિવેક ચૂકી શકે એમ નથી, પરંતુ લોકો એમને અસંસદીય ભાષામાં શું-શું સંભળાવે છે કદાચ એ એમના કાને પડી જાય તો શરમના માર્યા ઘરની બહાર પણ નીકળી ન શકે.
આ અંગે જામ્યુકોના શાસકોને ખૂદ ‘આજકાલ’ દ્વારા અનેક વખત ફરિયાદો કરાઈ છે. પંચવટી ગૌશાળા વિસ્તાર, ટાઉનહૉલ વિસ્તાર, ગાંધીનગરમાં બાળકોની પાછળ ડાઘિયા થઈને કૂતરા દોડે છે, અનેક વૃદ્ધોને બટકાં ભરી ચૂક્યા છે, લોહી લોહાણ કરી ચૂક્યા છે... આ તમામ હકીકતો વર્તમાન શાસકોને એક અખબાર તરીકે ‘આજકાલ’ના સંચાલકો મોબાઈલ ફોન મારફત પણ જણાવી ચૂક્યા છે છતાં સત્તાના મદમાં રાંચતા આ બેશરમ શાસકોએ કોઈ એવા પગલાં લીધાં નથી જેનાથી લોકોના ઉપર તોળાતી ભયની આ તલવાર દૂર થઈ શકે. આવનારા દિવસોમાં કયા વિસ્તાર માટે જામ્યુકોના કયા સત્તાધિશને ખુદ ‘આજકાલ’ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે એ તમામના નામ સાથે પણ અમે અહેવાલ એટલાં માટે બનાવીશું જેથી કરીને મતદારોને રિયાલિટી ચૅક મળી શકે કે તમારા દ્વારા બનાવવામાં આવેલા આ નગરસેવકો ખરેખર તમારા કેટલાં સેવક છે...?
***
એક વર્ષમાં ૧૦ હજારને ડોગ બાઇટ
જામનગર શહેરમાં છેલ્લા એક વર્ષમાં કુતરાએ ભારે આતંક ફેલાવ્યો છે, જયા જુઓ ત્યા કુતરાઓ અને પશુઓ જોવા મળે છે, દરરોજના ૪૦ થી ૪૫ લોકોને કુતરા બાઇટ કરે છે પરંતુ શાસકોની શું જવાબદારી એ કોઇને સમજાતુ નથી.
***
હવે તો હદ થાય છે, જામ્યુકોના પદાધીકારીઓ-અધીકારીઓની જવાબદારી શું...?
જામનગર શહેરમાં દરરોજ અનેક લોકોને કુતરા બાઇટ કરે છે જયારે હડકાયુ કુતરુ હોય અને બટકા ભરતુ હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને લોકો ફોનથી ફરીયાદ કરે છે ત્યારે આ અધિકારીઓ એવો ઉડાવ જવાબ આપે છે કે હડકાયુ કુતરુ પકડવાની જવાબદારી અમારી નથી, તો પછી આ જવાબદારી કોની ? ગઇકાલે જયોત ટાવર વિસ્તારમાં એક કુતરાએ દિવસ દરમ્યાન ૧૫ લકોને બટકા ભર્યા ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી પરંતુ એમના તરફથી એવો ઉડાવ જવાબ મળ્યો કે કુતરુ મરી ગયુ હોય તો અમે ઉપાડી લેવા આવીએ તો શું ૧૫ થી વધુ લોકોને કરડયુ અને બીજા અનેક લોકોને કરડે તે માટે રાહ જોવાની, મીંઢા અધિકારીઓ અને શાસકોને હવે દયા જેવી કોઇ ચીજ રહી નથી તેમ લોકો કહે છે ત્યારે હવે કુતરા કરડવાના પ્રશ્ર્ને રાજકીય લોકોએ પણ ગંભીરતા દાખવીને વધુને વધુ લોકો કુતરાનો ભોગ ન બને તે અંગે કડક પગલા લેવાની જરુર છે નહીંતર એક દિવસ લોકોમાં વધુ ઉગ્ર રોષ ફાટી નીકળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech