રિલાયન્સમાં વિશ્ર્વનું સૌથી મોટું અદ્યતન એનીમલ રેસ્ક્યુ સેન્ટર

  • February 27, 2024 01:12 PM 

જામનગરની બગલમાં રિલાયન્સ ગ્રીનમાં....જાનવરો માટે જીયો ઔર જીને દો....
જામનગરની નજીક વિશ્ર્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય કમનસીબે હવે કદાચ નહીં બની શકે પરંતુ શહેરથી ૩૦ કિ.મી. દુર રિલાયન્સ ગ્રીનમાં વિશ્ર્વભરના પીડીત જાનવરો માટે જે અદભૂત હોસ્પિટલ તથા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવેલ છે તે ખરેખર એક એવી બાબત છે જેનાથી લોકો અજાણ છે, અંબાણી પરિવારના વાઇલ્ડ લાઇફ પ્રેમી પુત્ર અનંત અંબાણી દ્વારા જે રેસ્કયુ સેન્ટર શરુ કરાયું છે અને તેમાં હાલના વ્હાઇટ લાયનથી લઇને બ્લેક પેન્થર, લેપર્ડ, હાથી, મગર સહિતના જીવો છે તે ખરેખર રોમાંચ સર્જી દે તેવા છે, આ તમામ જીવોને નવજીવન આપવા માટેની જે અદભૂત સેવા થઇ રહી છે તેની જેટલી નોંધ લઇએ તેટલી ઓછી છે અને આ જાનવરોને નજરે જોવા પણ એક અલગ પ્રકારનો રોમાંચ પેદા કરે છે, હાલમાં રેસ્કયુ સેન્ટરમાં રહેલા અને સારવાર બાદ સ્વચ્થ બનેલા વન્ય જીવોની તસવીરોના આ સંકલનમાં જોઇ શકાય છે કે, કેવા-કેવા પ્રાણીઓ રિલાયન્સ ગ્રીનના રેસ્કયુ સેન્ટરમાં નવજીવન પ્રાપ્ત કરી રહ્યા છે. તસવીરોના સંકલનમાં વ્હાઇટ ટાઇગરની ચાલીત સર્જરી અને હાથી માટે બનાવવામાં આવતા લાડવા જોઇ શકાય છે.

***
રિલાયન્સ ફાઉન્ડેશને કરી ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર-ક્ધઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ  વનતારાની જાહેરાત: આ પ્રાણી સંગ્રહાલય નહિં સેવાલય છે: યુવા બીઝનેશમેન અનંત અંબાણી: ૪૩ પ્રજાતીઓના બે હજારથી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ: અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે
જામનગરની ભાગોળે મોટી ખાવડીમાં આવેલ વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ રીફાયનરીના વિસ્તારમાં રીલાયન્સના યુવા બીઝનેશમેન અનંત અંબાણીની પરીકલ્પનાથી ગ્રીન બેલ્ટમાં ૩૦૦૦ એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ વૈશ્ર્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાન કર્તાઓમાં સ્થાન મેળવવાનો છે, અહિં વિશ્ર્વની સૈાથી મોટી અદ્યતન એલીફન્ટ હોસ્પિટલ અને એનીમલ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત છે, ૬૫૦ એકરમાં આકાર પામેલા રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં ૪૩ પ્રજાતીઓના ૨૦૦૦ થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે, આ પ્રાણી સંગ્રહાલય નહિં સેવાલય છે તેવી લાગણી સંવેદનશીલ અને યુવા ડીરેકટર અનંત અંબાણીએ વ્યકત કરી હતી. પ્રાણીઓની દેખરેખ માટે કર્મચારીઓની ફૌજ, નિષ્ણાંત પશુ ચિકીત્સકોની ટીમ, પ્રાણીઓના ખોરાક માટે ખેતીવાડી અને અલાયદુ રસોડું તેમજ સારવાર માટે આધુનિક સાધનો, આયુર્વેદીક દવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, અત્યારસુધી અસંખ્ય પ્રાણીઓના રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આવ્યા છે, અહિં અબોલ જીવ માટે શરુ કરાયેલા સેવાયજ્ઞ અદ્યતન સાધન-સુવિધાઓથી સુસજ્જ છે, હાથી મેરે સાથી અને જંગલ મેં મંગલ જેવી અલૌકીક અનુભુતી અહિં રહેનારાઓ અને આવનારાઓને અચુક થાય છે, અલબત આ એવું સંગ્રહાલય છે કે જયાં ખુદ જંગલના જાનવરોને રહેવાની ઇચ્છા થાય..., અહિંનો માહોલ અને પ્રાણીઓની સારસંભાળ, સારવાર જોતા ખરા અર્થમાં જીવદયા પ્રેમી અનંતભાઇના દિલમાં દયાનો દરીયો વહે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ  વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર ૩૦૦૦ એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ૩૦૦૦-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.
ભારતની અનન્ય વનતારા પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી્ બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે, અને તે ક્ષમતામાં, ૨૦૩૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે.
વનતારા અત્યાધુનિક આરોગ્યસંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (ડબલ્યુડબલ્યુએફ) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ  ધ્યાન કેન્દ્રિત કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં ૨૦૦ થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુન:સ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતરાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે. વનતારાનો હેતુ ભારતના તમામ ૧૫૦-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતાનિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.
વનતારાની સ્થાપના માટે તેમને પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા અંબાણીએ જણાવ્યું કે, વનતારા એ આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી વ્યાવસાયિકતાની શ્રેષ્ઠતા સાથે કરુણાના વર્ષો જૂના નૈતિક મૂલ્યનું સંયોજન છે. હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું. વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે. તેમણે એમ પણ કહ્યુ હતું કે મારા માટે હાથી એ ભગવાન ગણેશનું રુપ છે, દરેક જીવમાં ભગવાન છે, આ સંગ્રાહલય નહિં સેવાલય છે, આગળ કહેલું કે સેવાલયની પ્રેરણા મારા માતા પાસેથી મળી, જીવ દયાના સંસ્કાર દાદાજી પાસેથી મળ્યા છે. તેઓએ તેમ પણ કહેલું કે આ માત્ર ૨૦ ટકા કામ થયું છે, હજુ ઘણું કરવાનું બાકી છે.
***
એલિફન્ટ સેન્ટર
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર ૩૦૦૦ એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર ૨૦૦થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત ૫૦૦થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
આ સેન્ટર પાસે ૨૫,૦૦૦ ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે. અહિં અલાયદુ રસોડું છે તેમજ આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
પ્રાણીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ છે, અહિં થીયેટરમાં હાથીની શોર્ટ ક્લીપ બતાવવામાં આવી હતી, જેમાં ઇજાગ્રસ્ત પ્રાણીની કેવી રીતે સર્જરી કરવામાં આવે છે, એક હાથીના આંખનું ઓપરેશન કેવી રીતે કરાયું એ પણ દેખાડાયુ હતું, વિશ્ર્વની સૌથી મોટી ફેસેલીટી ધરાવતી એલીફન્ટ હોસ્પિટલ છે, અન્ય બીમારીના પણ ઓપરેશન થાય છે, ઓક્સીજનના બાટલા પણ ચડાવાય છે, જાનવરોને ઉત્તમમાં ઉત્તમ સારવાર સુવિધા મળે એ પ્રથમ મંત્ર છે. અહિં રાખવામાં આવતા પ્રાણીઓને જેલ જેવા પાંજરા નહિં પરંતુ કુદરતી વાતાવરણ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, પ્રાણીઓને ઘ્યાનમાં લઇને દરેક જીણામાં જીણી વાતો અને વિગતો મેળવીને તે પ્રમાણે તેના રહેઠાણની વિશાળ વ્યવસ્થા રખાઇ છે, જેતે વિસ્તારમાંથી જે જાનવરને અહિં લાવવામાં આવ્યુ હોય ત્યાંનું ઘાસ અને એ પ્રકારનું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે, જેથી અંદર રહેલ પ્રાણીને એ પિંજરામાં છે એવું નહિં પરંતુ તેના સ્વેરવિહાર જેવા ઘરમાં છે એવો અહેસાસ થાય છે, મતલબ કે પ્લેટફોમ, તળાવ, ખાવાની વસ્તુ, પથ્થરો, લાકડા આ બધુ એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી નેચરલ સદન લાગે એ પ્રકારની મોકળાશવાળી ઋતુ પ્રમાણે વ્યવસ્થા અહિં ઉભી કરેલ છે.
***
રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે ૩૦૦૦ એકર પરિસરમાં ૬૫૦ એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે. આશરે ૨૧૦૦થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ છે. આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ, સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે. ગ્રીન્સ ઝુઓલોજીક રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં નિષ્ણાંત પશુ ચિકીત્સકો ૨૪ કલાક કાર્યરત રહે છે, દુનિયાની એકમાત્ર એનીમલ સીટી સ્કેન અહિં છે, જુદા જુદા વિભાગોની મુલાકાતમાં લાઇવ ઓપરેશન દેખાડવામાં આવ્યુ હતું, એમઆરઆઇ, સીટી સ્કેન, રેસ્ટ રુમ, આઇસીયુ, રેડીયોલોજી, ઓપરેશન થીયેટર, એન્ડોસ્કોપી વિભાગની સમજ આપવામાં આવી હતી. ૪૩ પ્રજાતિઓના ૨૦૦૦થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો ક્ધઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુન:સ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય. આજે વનતારા ઇકોસિસ્ટમે ૨૦૦ હાથીઓ, ૩૦૦થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, ૩૦૦થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને ૧૨૦૦થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.
***
રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ
બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૂલ્સ, ૨૦૦૯ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, ૧૯૭૨ હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ /મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એક્સચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એક્સચેન્જની વિનંતીઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ : વેનેઝુએલન નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને તેમજ સ્મીથસોનિયન અને વર્લ્ડ એસોશિયેશન ઓફ ઝૂસ એન્ડ એક્વારિયમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાઈને વનતારા પ્રોગ્રામને અપ્રતિમ લાભ મળ્યો છે. ભારતમાં, તે નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે. શિક્ષણ અને જાગૃતિ : લોકોમાં, ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે, વનતારા પહેલ હેઠળ જ્ઞાન અને સંસાધનોના એક્સચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર પણ મહત્તમ ભાર મૂકાય છે. તેના હેઠળ આધુનિક અને ફ્યુચરિસ્ટિક, હવામાન નિયંત્રિત બંધ ભાગમાં અમુક પ્રાણીઓ માટે જોવાના સ્થળની રચના કરાઈ છે, જેના પગલે કરુણા અને કાળજીના કાર્યમાં નવા માપદંડો સ્થાપિત કરાયા છે. ગ્રીન એરિયા : વનતારા પ્રાણીઓનું રેસ્ક્યુ (ઉગારવા) અને ક્ધઝર્વેશન (સંવર્ધન) એ એકબીજાનાં પૂરક બને તે રીતે આગળ વધવામાં દૃઢપણે માને છે અને વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ રહી છે, તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે.
***
દાદીમાંની ઇચ્છા હતી કે હું લગ્ન જામનગરમાં ક‚ં : અનંત અંબાણી
જામનગરમાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ માટે વન તારા સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની વિગતો માટે રુબરુ મુલાકાત પત્રકારોએ લીધી હતી, દરમ્યાનમાં પત્રકારો સાથેની ઔપચારીક વાતચીતમાં રિલાયન્સના યુવા ડીરેકટર અનંત અંબાણીએ મારા દાદીમાંની ઇચ્છા હતી કે હું લગ્ન જામનગરમાં કરું, તેમને મેં જયારે પુછયુ કે દાદી લગ્ન કયાં કરવા જોઇએ તો તેમણે પળનો ય વિચાર કર્યા વગર કહેલું કે જામનગર, કારણ કે જામનગર તેમનું વતન છે અને દાદીમાંના વતન પ્રેમને લીધે અમોએ જામનગરમાં પ્રિ-વેડીંગનો કાર્યક્રમ કરવાનું નકકી કર્યુ હતું.
***
એલીફન્ટ માટે વિશેષ રસોડું
સેન્ટર પાસે ૧૪૦૦૦ ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે. આ રસોડામાં જીણામાં જીણી વિગતો ઘ્યાને લઇને દરરોજનું મેનુ તૈયાર કરાયું છે, દરેક હાથીનો અલગ અલગ ચાર્ટ છે, એ મુજબ ભોજન પીરસવામાં આવે છે, જો કોઇ હાથીને દાંત ન હોય તો એ રીતે ખાવાનું અપાય છે, અહિં રસોડાના પ્રોફેસર પેટ્રા જર્મન યુનિ.ના છે અને અહિં સેવા આપી રહ્યા છે અને ભારતના અન્ય લોકોને ટ્રેનીંગથી શીખડાવવામાં આવે છે અન્ય ઝુ ને પણ તેનો કેમ્પનો લાભ મળી શકે એ પ્રકારની યોજના છે, ખરેખર તો પ્રાણીઓને કેવું ખાવાનું આપી શકાય એ દિશામાં બહેતરીન કામ કોણે કર્યુ છે એ અંગે તપાસ કરીને પ્રોફેસરને અહિં લાવવામાં આવ્યા છે, ખોરાક માટે અહિં જ વાવેતર કરાય છે, ૫૦૦ થી ૧૦૦૦ એકરમાં ખેતી થાય છે, જેમાં દરરોજ ૧૦૦ થી ૨૦૦ કીલો ઘાસ ઉપરાંત ૫૦૦ કીલો લાડુ અને ૫૦૦ કીલો ખીચડી બને છે. કયા હાથીને કયા પ્રકારનો ખોરાક આપવો એ માટે વાઇલ્ડ લાઇફ ૧૮ જેટલા ન્યુટ્રીશન ફરજ બજાવે છે.
***
૨૦૦ દીપડા, ૧૦૦૦ મગર અને પીડીત પ્રાણીઓને બચાવ્યા
રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ ૨૦૦ દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી ૧૦૦૦થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રે આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.
***
વિડીયો એન્ડ રોબોટીંગથી પણ સર્જરી
એનીમલ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનોથી ઓપરેશન સહિતની સારવાર કરવામાં આવે છે, જુદા જુદા ૨૦ પશુ ચિકીત્સકોની ટીમ ૨૪ કલાક કાર્યરત છે, દુનિયાનું એકમાત્ર વાઇલ્ડ સીટી સ્કેન મશીન અને જુદા જુદા વિભાગોની સેવા અનન્ય છે. હોસ્પિટલ ઉપરાંત રીસર્ચ સેન્ટરમાં અવિરત પ્રાણીઓની સેવા કરવામાં આવે છે તેમજ ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા કેરટ્રેકર અહિં ફરજ બજાવે છે. વીડીયો ક્ધફોરન્સીંગ અને રોબોટીંગથી પણ અહિં સર્જરી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application