BREAKING NEWS

મહિલાઓ પહેલાં કેરિયર બનાવે કોઈ તમને બચાવવા નહીં આવે

  • May 21, 2026 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે દેશમાં સતત વધી રહેલા દહેજ ઉત્પીડન અને પરિણીત મહિલાઓની આત્મહત્યાના કેસો પર સોશિયલ મીડિયાના માધ્યમથી ચિંતા વ્યક્ત કરી છે. ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય પરિણીત યુવતી ટ્વિશા શર્માના શંકાસ્પદ આત્મહત્યા કેસ બાદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓ જોગ એક લાંબી અને લાગણીસભર પોસ્ટ શેર કરી છે. 
ભારતીય સમાજની વરવી વાસ્તવિકતા પર આકરા પ્રહારો કરતા કંગનાએ લખ્યું કે, દરરોજ પરિણીત યુવતીઓના મોતના દુ:ખદ સમાચારો સામે આવી રહ્યા છે. ઘણી શિક્ષિત મહિલાઓ આવા ગૂંગળામણભર્યા સાસરીયાના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે પોતાના માતા-પિતા પાસે મદદ માંગે છે.
પરંતુ આપણો સમાજ અને પરિવાર લગ્ન પછી દીકરીઓને તેમના હાલ પર જ છોડી દે છે અને તેમનો સાથ આપવાનું બંધ કરી દે છે, જે અત્યંત આઘાતજનક છે.
કંગના રનૌતે દેશની યુવા મહિલાઓને સોશિયલ મીડિયા કે લગ્ન-મેકઅપ ઇન્ડસ્ટ્રીના ભ્રમથી દૂર રહીને પોતાના કરિયર અને આત્મનિર્ભરતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની કડક સલાહ આપી છે. તેણે મહિલાઓને સ્વતંત્ર બનવાની અપીલ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે તમે આર્થિક અને માનસિક રીતે સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ જાઓ, ત્યારે જ લગ્ન વિશે વિચારો. જીવનમાં તમે પોતે શું છો અને શું કરો છો તે તમે કોની સાથે લગ્ન કર્યા છે તેના કરતાં વધુ મહત્વનું છે.  યુવતીઓએ પોતે જ પોતાની હીરો બનવું પડશે, કારણ કે મુશ્કેલીના સમયે કોઈ તમને અહીં બચાવવા આવવાનું નથી. ઉલ્લેખનીય છે કે, નોઇડાની વતની ટ્વિશા શર્માએ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ ભોપાલ ખાતે કથિત રીતે ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેના ઘેરા પ્રત્યાઘાત ‚પે કંગના રનૌતનું આ માર્ગદર્શક અને કડક નિવેદન સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application