સ્ત્રી શક્તિ સ્વરૂપ છે, સમગ્ર જીવન દરમિયાન ખુબ સંઘર્ષ કરે છે: મેયર

  • March 07, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડિયાએ આવતીકાલે તા.૮ માર્ચ ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ આજરોજ મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે સ્ત્રી શક્તિ સ્વરૂપ છે અને સમગ્ર જીવન દરમિયાન ખુબ સંઘર્ષ કરે છે. મહિલાઓ ચાર દિવાલોમાંથી બહાર નીકળી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપે તેમજ કુરિવાજો અને રૂઢીઓનો ત્યાગ કરી મહિલા દિવસની ઉજવણી કરે ત્યારે તે ઉજવણી સાર્થક ગણાશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજકોટ મહાપાલિકા સ્ત્રી સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે.

વધુમાં રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્કર્ષમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઇ મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, કોમ્યુટર, રમતગમત, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ગુજરાત રાજ્યમાં સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ થકી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.

મેયરએ ઉમેર્યું હતું કે, આજે દેશના સર્વોચ્ચ પદ ઉપર મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ, દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉતરપ્રદેશ રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલ ભારત દેશના ઉત્કર્ષમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દેશમાં અવકાશયાન ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રમત ગમત ક્ષેત્રે પી.ટી.ઉષા, સાયના નેહવાલ, પી.વી.સિંધુ, મનુ ભાકર ગાયન ક્ષેત્રે લતા મંગેશકર, આશા ભોસલે, પર્વતારોહી બેચેન્દ્રી પાલ, સમાજ સેવા ક્ષેત્રે મધર ટેરેસા વગેરેએ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપેલ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામતનું વિધેયક નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં પસાર થયેલ છે. જે સમગ્ર દેશ માટે ખુબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બાબત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ જોગ સંદેશો પાઠવતા મેયર નયનાબેન પેઢડીયાએ અંતમાં જણાવ્યું છે કે, મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી વિવિધ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી તથા લોક ઉપયોગી કાર્યો કરી પોતાનું યોગદાન આપે. એક માતા સો શિક્ષકો બરાબર છે જે રૂઢીપ્રયોગને ચરિતાર્થ કરવા આજની યુવા પેઢીને શિસ્તના પાઠ શિખવે, સંસ્કારનું ચિંતન કરે, સારું શિક્ષણ આપી, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા દ્રઢ સંકલ્પ કરે તે આજના સમાજની તાતી જરૂરિયાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application