રાજ્ય સરકારે ૧૮૭ કરોડની જંગી રકમ ફાળવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે યાત્રાધામો હરસિદ્ધિ માતાજી મંદિર તથા નાગેશ્વર મંદિરનો ભવ્ય વિકાસ થશે, અને ફોરલેન-સિક્સલેન માર્ગોનું નિર્માણ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેનું નામ દેવોની ભૂમિ છે તથા દરેક ચારેય તાલુકાઓમાં દેવોની ભૂમિ આવેલી છે. ખંભાળિયા વિશિષ્ટ મહાદેવ મંદિરો, જૈન તીર્થ, ભાણવડમાં શનિદેવ જન્મસ્થાન, કલ્યાણપુરમાં હરસિદ્ધિ માતાજી, દ્વારકામાં દ્વારકાધીશ, બેટ હનુમાન દાંડી આવા સ્થળોમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ વિકાસ કામોના ભાગ રૂપે હરસિદ્ધિ માતાજી તથા નાગેશ્વર મહાદેવ મંદિરના વિકાસના ભાગપે ૧૮૭ કરોડ ફાળવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ૧૮૭ કરોડની જંગી રકમ આ બે સ્થળોના વિકાસ કાર્ય માટે ફાળવાઈ છે.
૧ર૦ કરોડના ખર્ચે સિક્સ લેન હાઈ-વે બનશે
દ્વારકામાં દ્વારકાધીશ ઉપરાંત ધાર્મિક સ્થળ તરીકે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું હોય, દ્વારકાથી નાગેશ્વર જતા રસ્તાને સિક્સ લેન રોડ બનાવવામાં આવશે જે ગુજરાતનો અનોખો એક માત્ર હાઈ-વે બનશે. જેથી લોકો કારમાં વાહનોમાં બેઠા બેઠા સુંદર રોડ પર ગાડી ચલાવતા વિશાળ ઊંચી શિવ પ્રતિમાના દર્શન પણ કરી શકશે.
હરસિદ્ધિ માતાજી મંદિર અને વનને સાંકળીને સુવિધાઓ વધારાશે
કલ્યાણપુર તાલુકાના મીંયાણી પાસે આવેલ હરસિદ્ધિ માતાજીનું મંદિર કે જે મોટું યાત્રાધામ છે ત્યાં વિકાસ માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે હરસિદ્ધિ વન પણ બનાવાયું છે. જ્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરથી હરસિદ્ધિ વન સુધી જતો રસ્તો ફોર લેન બનાવાશે તથા આ રસ્તા પર બ્યુટીફિકેશન માટે વૃક્ષો, બગીચા, પાર્ક જેવી સુવિધા સાથે સમુદ્રના કિનારે યાત્રિકો પ્રકૃતિનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા પણ બ્યુટીફિકેશનમાં ઊભી કરાશે.
ગ્રાન્ટ ફાળવાયે તબક્કાવાર કામો હાથ ધરાશે
દ્વારકા જિલ્લા પી.ડબલ્યુ.ડી. સ્ટેટ કાર્યપાલક ઈજનેર યુ.બી. ચૌધરીએ જણાવેલ કે નાગેશ્વર રોડ સિક્સલેન માટે સરકારે ૧ર૦ કરોડ તથા હરસિદ્ધિ માતાજી મંદિર પાસે ફોર લેન તથા બ્યુટીફિકેશન માટે ૬૭ કરોડ મંજુર કર્યા હોય, બન્ને સ્થળે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવાયે તબક્કાવાર વિકાસ કાર્યો આગળ વધારાશે.