જામનગરમાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: શુક્રવારથી ગરમી વધશે

  • May 17, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી જામનગરમાં પવન ફુંકાશે અને ભેજ વધશે: સવારથી જ બફારાને કારણે લોકો હેરાન-પરેશાન

સૂર્યદેવતાએ જામનગર ઉપર લાલ આંખ કરી છે, જામનગર ભઠ્ઠીમાં ફેરવાઇ રહ્યું છે, ગઇકાલે સાંજથી જ અસહ્ય ગરમી શરુ થઇ છે, આજે સવારે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ પહોંચી જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા છે, ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરુ કરી દીધું છે, ચામડી દાઝી જાય તેવો પ્રખર તાપ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે, શુક્રવારથી ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થશે અને બે દિવસ સુધી જામનગર જિલ્લામાં સતત પવન ફુંકાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૬ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૭ ડીગ્રી, હવામાં ભેજ ૭૭ ટકા અને પવનની ગતિ ૫૫ થી ૬૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
શહેરમાં આકરો તાપ શરુ થઇ ચૂકયો છે, હજુ બે દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેની સાથે પવન પણ ફુંકાશે એવી હવામાન ખાતાની આગાહી છે. ગઇકાલથી તાપ શરુ થયો છે, આજે પણ સૂર્યદેવતા લાલચોળ થઇ ગયા છે. ગામડાઓમાં પણ સવારથી જ ગરમી શરુ થઇ છે, કેટલાક ગામડાઓ અને જામનગર શહેરમાં પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીના બહાને આજે પણ લાઇટો બંધ કરી દેવામાં આવી છે.
ગરમીને કારણે ખેતી કામ કરતા મજુરોને પણ ભારે તાપ સહન કરવો પડે છે, એટલું જ નહીં જામનગરમાં હટાણું કરવા આવતા લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ કાળઝાળ ગરમીને કારણે લોકો વ્યથીત થયા છે. વેકેશન છે ત્યારે બાળકોને શાળાએ જવાનું ન હોય તેને રાહત મળી છે પરંતુ લગ્નગાળો હોય લોકો પાણીની પ્યાસ બુઝાવવા વલખા મારી રહ્યા છે.
બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જયુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે.
આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application