કૃષ્ણભૂમિ દ્વારકામાં અનેક બે-નંબરી ધંધામાં અંગદની જેમ પગ જમાવનાર મોટા માથાને કેમ સંરક્ષણ મળે છે...?

  • December 16, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી જમીન પર રાવલ અને પાનેલીમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી થઇ એમ દ્વારકામાં ક્યારે...?



યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર આસપાસ તથા અન્ય સ્થળોએ યેનકેન પ્રકારે દબાણ અને અનેક ધંધામાં બેનંબરી ભાગીદારી કરી "વૃષભ" રાશિના શખ્સ દ્વારા વિરાટ સામ્રાજ્ય ઉભું કરનાર વિરૂદ્ધ તંત્ર વામન સાબિત થઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં કલ્યાણપુર પંથકમાં રાવલ અને પાનેલીમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા યાત્રાધામ દ્વારકામાં આવી કડક કાર્યવાહી ક્યારે થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.


બજારમાં વહેતી વાતો મુજબ મહિને કરોડોનું ટર્ન ઓવર ધરાવતા  "વૃષભ" રાશિના આ મોટા માથાએ પોલીસથી લઇ સ્થાનિક તંત્ર અને ઇન્કમ ટેક્સ સુધીનાં વિભાગો સાથે લક્ષ્મીનાં પ્રતાપે ગઠબંધન કરી રાખ્યું છે જેને પગલે તેનાં વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી.


ફાઇવ-જી યુગમાં મેટ્રો શહેરોમાં ચાલતા હનીટ્રેપ અને બ્લેક મેલીંગ જેવા ગુન્હાઓને પવિત્ર યાત્રાધામમાં પણ અજમાવી સામ, દામ, દંડ, ભેદની નીતી અપનાવી દરેક વિરોધીને વશમાં કરવાનું કૌશલ્ય ધરાવતા હોવાની છાપ ધરાવતા "વૃષભ" રાશિના આ મોટા માથા વિરૂદ્ધ તંત્ર કે સરકાર ક્યારેય જાગશે કે કેમ એ સવાલ છે.


બેનામી સંપત્તિનાં બેતાજ બાદશાહ હોવાનો દમ ભરતા દબાણકર્તા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ ફરીયાદ અને કાર્યવાહીની માંગ ઉઠી છે. કેટલાય ગુમનામ પીડીતો આ શખ્સનો પાપનો ઘડો ભરાય તેની રાહ જોઇ રહ્યા છે. 


ભૂમાફિયા સામેનાં જંગમાં ઉત્તમ કાર્યવાહી કરનાર SP પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા...

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી પાસે નકલી ટોલનાકું ઝડપાયું હતું ત્યારે 'પહોંચેલા' કૌભાંડીઓથી ફફડતા હોય એમ અસલી ટોલનાકાનાં સંચાલકોએ ફરીયાદ ન નોંધાવી તો પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી હતી. એ જ રીતે દ્વારકામાં પણ "વૃષભ" રાશિના આ 'મોટા માથા' વિરૂદ્ધ પોલીસ ક્યારે પગલા લેશે? 

જામનગરનાં ભૂમાફિયા જયેશ પટેલવાળા ગુજસીટોક પ્રકરણમાં જામનગરનાં તત્કાલિન પોલીસ અધિકારી નિતેશ પાંડેએ ઉદાહરણરૂપ કાર્યવાહી કરી હતી જે બદલ તેમને એવોર્ડ પણ એનાયત થયો હતો એટલું જ નહી તેમની આગેવાનીમાં તાજેતરમાં દેવભૂમિ દ્વારકા પોલીસે આયુર્વેદિક સિરપનાં નામે ચાલતા નશાકારક કેફી પીણાનાં રાજ્યવ્યાપી કરોડોનાં કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સહિતનાં આરોપીઓને ઝડપી લઇ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારે દ્વારકામાં પણ કાળા નાણાનું સામ્રાજ્ય ઉભું કરનાર દબાણકર્તા વિરૂદ્ધ પોલીસ જાગશે તેવી અપેક્ષા લોકોને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application