જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે આવાસનું નિર્માણ કરવામાં આવે છે, વેરા વસુલ કરાય છે. પરંતુ સુવિધા આપવામાં તંત્ર વામણું સાબિત થયુ છે. રણજીત સાગર રોડ ઈવા પાર્ક પાસે અટલ ભવન આવાસમાં ચાર વર્ષથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાના પરીવારજનો સાથે વસવાટ કરે છે પરંતુ હજુ સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી. જયારે આવાસની આજુબાજુની સોસાયટીઓમાં નવા સીસી રોડ બનાવી આપે છે. આવી ભેદભાવ ભરી અને વ્હાલા દવલાની તંત્રની નીતિ રીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોટા ઉપાડે તંત્ર આવાસ તો બનાવી આપે છે પરંતુ આવાસ પાસેના પાકા રસ્તા બનાવવા સહિતની સુવિધા આપવાનું તંત્ર ભુલી જતા હોય તેવું ચિત્ર શહેરના ઇવાપાર્ક પાછળ આવેલ અટલ ભવન આવાસનું છે, જયાં આજદિવસ સુધી ખખડધજ રસ્તાના કારણે આવાસના લોકો તોબા પોકારી ઉઠયા છે.અહીં સીસી રોડ બનાવવામાં મહાપાલિકાને કયો ગ્રહ નડે છે..??
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ ઇવા પાર્ક પાછળ મહાનગરપાલિકા દ્વારા ચારેક વર્ષ પહેલા અટલ ભવન આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરે છે. આ આવાસની બહારના રસ્તા આજદિવસ સુધી બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે. આવાસના લોકો પાસેથી મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારના સરકારી ટેકસની ભરપાઇ કરવામાં આવતી હોવા છતાં રોડ-રસ્તાની હાલત ધૂરિયા, ખખડધજ કેમ તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. આ મામલે રજુઆત કરવામાં આવી છે પરંતુ સતાઘીશોના બહેરા કાને સામાન્ય લોકોની સમસ્યા સંભળાતી નથી.
આવાસ કોલોની પાસે કાચા રસ્તા ખખડધજ હોવાથી આવાસમાં વસવાટ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર જાણે આવાસના લોકો સાથે ભેદભાવ રાખતા હોય તેવી રહેવાસીઓમાં ચર્ચા ઉઠવા પામી છે. કારણ કે અટલ ભવન આવાસ કોલોની પાસે આવેલ ઇવાપાર્ક, રઘુવીર પાર્ક, મયુર ટાઉનશીપ સહિતના વિસ્તારમાં યુદ્ધના ધોરણે ત્યાંના રહેવાસીઓની સુખ સુવિધા વધારવા સીસી રોડ બનાવવામાં આવ્યા છે જયારે આવાસ કોલોની વિસ્તારમાં આજદિવસ સુધી સીસી રોડ બનાવવામાં આવ્યા નથી. લાગવગીયાની કદાચ સાહેબોને વધુ ચિંતા થતી હોય તો નવાઈ નહીં..!!
અત્રે નોંધનીય છે કે, અહીં અટલ આવાસ કોલોનીમાં પ્રવેશ કરવા માટે ત્રણ રસ્તા પડે છે પરંતુ નવાઇની વાત એ છે કે, આ ત્રણેય રસ્તા એકદમ ઉબડ ખાબડ, બદત્તર હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તો આ રોડમાં રબડી રાજ થઇ જતાં વાહનચાલકો અને રહેવાસીઓને અકસ્માતનો ભય રહે છે કેટલાક પડી જતાં હોય છે ત્યારે આ રસ્તા યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.