જામનગરમાં હવે ભાજપના નિશાન પર કોંગ્રેસનો કયો ચહેરો ?

  • January 30, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેસરિયા બાદ ચર્ચા...
સી.આર.પાટીલના હાથે ચિરાગ કાલરીયાએ કેસરીયો ખેસ પહેર્યો ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી તે પ્રસંગની તસવીરો.

***
૧૫૬ની છાતી (ધારાસભ્ય) ધરાવતા ગુજરાત ભાજપને શું હવે કોઇ ચહેરાની જરુર છે ? : કમળની પાંખો પર શું આ ઓવર બર્ડન થઇ રહ્યું નથી ?: લોકસભાની રાજયની તમામ ૨૬ બેઠક પર જીત નિશ્ર્ચિત છે ત્યારે ઓપરેશન લોટસનું બુલડોઝર હવે ચલાવવું યોગ્ય છે ?: બુદ્વિજીવીઓમાં ઉઠતા સવાલ

જામજોધપુરના કોંગીના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે, લોકસભાની ચુંટણી પૂર્વે ઓપરેશન લોટસનું બુલડોઝર જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ કોંગ્રેસની નબળી ઇમારત જેવા નેતાઓ કાંગરાની જેમ ખરી રહ્યા છે, જામનગર-દેવભૂમી દ્વારકામાં હવે કોંગીના કયા નેતા કેસરીયા કરશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે અને જો આમને આમ ચાલ્યુ તો એકવાત પાક્કી છે કે કોંગ્રેસ તો મોટા નામ ધરાવતા નેતા વગરની થઇ જશે સાથે સાથે એ બાબત પણ જવાબ માંગે છે કે ગુજરાતમાં ૧૫૬ની છાતી (ધારાસભ્ય) ધરાવતી ભારતીય જનતા પાર્ટી આખરે આ શંભુ મેળો એકત્ર કરીને કોનું ભલુ કરશે, કોનો ઉદય થશે, કોણ વેતરાઇ જશે? એ કોઇને સમજાતું નથી, ભાજપનું આ ઓપરેશન ચોક્કસ રણનીતીના ભાગરુપે આગળ વધી રહ્યું છે, એક નિશાન સાઘ્યા વિના ભારતીય જનતા પાર્ટી જેવી સમજુ રાજકીય પાર્ટી આવું કરે નહિં, બધાને પોતાનામાં સમાવી લીધા બાદ ભાજપના કમળની પાંખો પર જે ઓવર બર્ડન થશે તેને પક્ષ કેવી રીતે મેનેજ કરે છે તે જોવું આગામી ભવિષ્યમાં રસપ્રદ બની રહેશે.
ગત વિધાનસભાની ચુંટણીમાં આમ જોઇએ તો ગુજરાત કોંગ્રેસ મુક્ત થઇ ગયું એવા જ પરિણામ આવ્યા છે, ૧૫૬ ધારાસભ્યો ભાજપ પાસે છે એટલે રાજયસભાની ચાર બેઠક આસાનીથી ગજવામાં આવશે, બીજી બાજુ અયોઘ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ જે માહોલ સર્જાયો છે તેને જોતા શંકાને કોઇ સ્થાન નથી કે ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ ૨૬ બેઠક આસાનીથી જીતી જશે અને કેટલીક બેઠકો પર લીડ રેકર્ડબ્રેક થઇ શકે છે, મતદાનની ટકાવારી પણ પાછલા વર્ષો કરતા રેકર્ડબ્રેક રહેવાની ધારણા છે.
રાજકીય થી લઇને નસીબ સુધી તમામ સંજોગો ભાજપની તરફેણમાં છે, એક કહેવત છે ને કે અમારા નામના પથ્થર પણ તરી જાય છે, એ રીતે હાલમાં ભાજપની છત્રછાયામાં કોઇના પણ પથ્થર તરી જવાની પુરી ગેરેન્ટી છે, અને સૌથી મોટી વાત કે ભાજપનું જ સુત્ર છે કે ... મોદી કા નામ હી કાફી હૈ... તો પછી આવા સંજોગોમાં કોંગ્રેસની ફાકી ખાવાની જરુર શું?!
કદાચ ભાજપની અંદર રહેલા લોકોને પણ આ પ્રશ્ર્ન સતાવતો હશે કે આપણો પક્ષ તો સંગઠનથી લઇને સરકાર સુધી તમામ સ્તરે મજબૂત છે તો પછી વેન્ટીલેટર પર રહેલા કોંગ્રેસ જેવા રાજકીય પક્ષના ‘ભાર’ને વેઠવાનો મતલબ શું?
કોંગીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો કે પછી કોઇપણ મોટા નેતા ભાજપમાં પ્રવેશ માટે એમને એમ તો તૈયાર થાય એ વાતમાં માલ નથી, બધાને કંઇકને કંઇક પ્રસાદી મેળવવાનું પ્રલોભન હશે જ, માટે એ પ્રશ્ર્ન પણ થાય છે કે ઓલરેડી ભારતીય જનતા પાર્ટીમાં ઉપરથી નીચે સુધી સીનીયર આગેવાનોની કોઇ કમી નથી, તો શું એમને બાકાત રાખીને કોંગ્રેસમાંથી આવેલા નવા નેતાઓને ભાજપ કોઇપણ પ્રકારની ‘મીઠાઇ’ ખવડાવી શકે?
લોકસભાની ચુંટણીમાં ભાજપને ગુજરાતની પ્રત્યેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ જોઇએ છે, આ ઇચ્છા ગુજરાત કક્ષાના ભાજપના નેતાઓ દર્શાવી ચૂક્યા છે, કદાચ તેને પરિપૂર્ણ કરવા માટે પણ કોઇ એવો ચહેરો સામેના રાજકીય પક્ષમાં નહિં રહેવા દેવાની ભાજપ હાઇકમાન્ડની ગણતરી હોઇ શકે.
જયારે પ્રવાહ ચાલુ હોય ત્યારે ઘણી વખત એવું પણ થતુ હોય છે કે શક્તિશાળીઓની સાથે સાથે ઘણા નબળા સબળા પણ ઘુસી જતા હોય છે અને આવુ જ કંઇક હાલમાં થઇ રહ્યું છે, ભાજપનો સુરજ મઘ્યાન્હે તપી રહ્યો છે, સત્તા તમામ સ્તરે ભાજપના હાથમાં છે એટલે કોઇપણ વિચારધારા વિના રાજકારણમાં ઘુસી ગયેલા બની બેઠેલા નેતાઓ વંડી ઠેકવામાં સંકોચ અનુભવે નહિં એ પણ સમજી શકાય છે.
રાજકીય પક્ષની સ્થિતી નબળી હોય, તાકાતવાળા નેતાઓ જોઇતા હોય, વર્તુળ વધારવાની જરુર હોય, પ્રભુત્વ મેળવવા માટે અન્ય પક્ષમાંથી શક્તિશાળીઓને ખેંચવાની પ્રણાલી આમ તો જુની છે પરંતુ ભાજપને આવી કોઇ જરુરીયાત નથી એ નવા-સવા રાજકારણીઓ પણ સુપેરે જાણતા હશે એટલે જ સવાલ ઉઠે છે કે કોઇપણ મોટા કારણ વિના એક ડગલુ આગળ ન વધે એવી રાજકીય પાર્ટીના આ ઓપરેશન લોટસ પાછળ કોઇ મોટો ગોલ પણ હોઇ શકે છે પરંતુ ગુજરાતમાં અને દેશમાં ભાજપની જે પ્રવર્તમાન સ્થિતી છે અને જે રીતે સંજોગો વધુ ભાજપની તરફેણમાં બન્યા છે ત્યારે રાજકીય પાડતોડનું આ બુલડોઝર ચલાવવું યોગ્ય છે કે કેમ એ સવાલ રાજકારણ પ્રેમી લોકોને સતાવી રહ્યો છે.
ઘણીવખત એવું પણ થતું હોય છે કે કહેવત મુજબ ... બકરુ કાઢતા ઉંટ પેઠી જાય, એટલે ભાજપના આ ઓપરેશનથી કોંગ્રેસના પંજાની આંગળીઓ તો ધડાધડ ખરી રહી છે એમાં ના નહિં પરંતુ આમ આદમી પાર્ટી નામનો જે ત્રીજો વિકલ્પ છે તે મજબૂત થઇ જવાની શું ભીતી ભાજપને દેખાતી નથી?
કોંગ્રેસ પાસે નેતાગીરી ખતમ થઇ જાય, લોકોને વિશ્ર્વાસ આવે એવા કોઇ ચહેરા પક્ષમાં રહે જ નહિં તો સ્વાભાવિક રીતે કોંગ્રેસના જે કમીટેડ વોટ છે, કે જે ભાજપને મત આપવા માંગતા નથી એવા લોકો માટે આમ આદમી પાર્ટી વિકલ્પ બની રહેશે એ બાબત પણ કદાચ ભાજપની થીંક ટેન્ક દ્વારા વિચારવામાં તો આવી જ હશે.
જામનગરના રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા એક દાયકાથી વધુના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ હાલાર કોંગ્રેસની કરોડરજ્જુ જેવા નેતાઓ છીનવી જ લીધા છે, હાલના ગુજરાત ભાજપના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને આ બન્નેની પહેલા કોંગીના જ પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાને ભાજપ પોતાની છાવણીમાં લઇ લેવામાં સફળ થયું અને એક રીતે કોંગ્રેસને જામનગર જિલ્લાના રાજકારણમાં મોટું નુકશાન વેઠવું પડ્યું, એ સંજોગો જો કે અલગ હતાં, આજે સંજોગો જુદા છે, આજનો વર્તારો તો એવું સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને હાલની તકે વધુ શંભુમેળો કરવાની કોઇ આવશ્યકતા જણાતી નથી, આમ છતાં દરેક રાજકીય ચાલ શકુનીને પણ મહાત કરે એ રીતે ચાલવામાં માનતી ભારતીય જનતા પાર્ટી પોતાના લક્ષ્ય સાથે કોંગ્રેસને નેતા વિહોણી બનાવી રહી છે, આવનારા દિવસોમાં ઓપરેશન લોટસ હેઠળ કોંગીના હવે કયા નેતાના નામ આવે છે એ જોવાનું રહ્યું.
કોંગીમાંથી જઇ રહ્યા છે અથવા પહેલા ગયા છે એ બધા રાજકારણીઓ ખૂબ જ શાણા છે, ગુજરાત અને દેશમાં હાલમાં કોંગ્રેસની સ્થિતી કેટલી નબળી છે તે કોઇથી અજાણ નથી, આવનારા દાયકામાં પરિસ્થિતી સુધરવાના કોઇ સંકેત પણ દેખાતા નથી એટલે જ વંડી ઠેકી રહેલા કોંગીજનોની એવી જ વિચારધારા હશે કે સત્તાધારી પક્ષની સાથે રહેશું તો આપણા બે-ચાર કામ થશે, કાર્યક્રમોમાં સ્ટેજ મળશે, ગાંધીનગર જશું તો પણ ભાજપના મંત્રીઓને આસાનીથી મળી શકાશે, કોંગ્રેસમાં રહીને ફાયદો શું?
જુના અને નખશીખ કોંગ્રેસીઓ તો મુછમાં મલકાઇ રહ્યા છે અને એવી લાગણી દર્શાવી રહ્યા છે કે જુઓ અમે તો કીધું જ હતુંને કે આ ચહેરાઓ સમય આવ્યે પીઠ દેખાડશે જ, સાથે-સાથે તેઓ એવી લાગણી પણ અનુભવી રહ્યા છે કે, સારુ છે મેદાન ખાલી થઇ રહ્યું છે...અર્થાત પોતાનું શાસન અકબંધ રહે.
વિચારધારાહીન જયારે રાજકારણ હોય ને ત્યારે આવા તકવાદના દર્શન થતા હોય છે અને હાલના રાજકારણમાં કોઇ ચોક્કસ વિચારધારા હોય એવા ગણીયાગાઠીયા રાજકારણીઓ સીવાય બીજા કોઇ રહ્યા નથી, એટલે આવું આગળ પણ થતું રહેશે.
અહિં જ એ મોટો ભેદ સામે આવી જશે કે ખરેખર રાજકારણમાં વિચારધારાની લડાઇ સાથે કોણ આવ્યા હતાં અને મોકો મળે ત્યારે સત્તાના ખોળે બેસીને પોતાના રોટલા શેકવાના ઇરાદે કોણ આવ્યા હતાં...? સમજદાર કો ઇશારા કાફી હૈ...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application