ખંભાળિયા પંથકમાં રવિવારથી બુધવાર સુધી અવિરત રીતે મુશળધાર વરસાદ વરસતા સાર્વત્રિક પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ વચ્ચે અહીંના ઘી ડેમમાં પણ વરસાદી પાણીની ઘોડાપૂર જેવી આવક થતા ઐતિહાસિક કહી શકાય તેટલો સાત ફૂટે ઘી ડેમ સતત ઓવરફ્લો થયો હતો. આ પરિસ્થિતિમાં ઘી ડેમ નજીકથી પસાર થતી પાણી વિતરણ વ્યવસ્થા માટેની લાઈનો સંપૂર્ણપણે ધોવાઈ અને બેવડી વળી ગઈ હતી. આના કારણે ખંભાળિયા શહેરમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ થઈ શકતું ન હતું અને નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આ મહત્વના મુદ્દે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ઘી ડેમની પાણીની આ લાઈનો તાત્કાલિક રીપેર થાય તે માટે અધિકારીઓને આપવામાં આવેલી સૂચના સાથે ખાનગી કંપનીઓના હાઇડ્રા જેવા આધુનિક મશીન અને ટેકનિકલ સહયોગ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠા પાસે રહેલી પાઈપ લાઈનનો પણ રીપેરીંગ માટે ઉપયોગ કરવાની સૂચના અપાઈ હતી.
જેને અનુલક્ષીને ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ તેમજ પાણી પુરવઠા ઇજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા આ મુદ્દે તાકીદની કાર્યવાહી કરી અને રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે શહેરમાં ૪૦ ટકા પાણી પુરવઠો ફુલવાડી વોટર વકર્સ વિભાગમાંથી અપાય છે, તે વિતરણ વ્યવસ્થા શ કરી દેવામાં આવ્યું છે. આ સાથે નજીકના સંપમાં બોરની મદદથી પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે.
ગુવારે સાંજથી અહીં વરસાદ સંપૂર્ણપણે અટકી ગયો હોય, પાણીની લાઈનો નાખવા માટેની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જરૂરિયાત મુજબના વિસ્તારોને નજીકના બોર તેમજ ટેન્કર દ્વારા પાણી મળે તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી.