ગુજરાત સહિત 11 રાજ્યોમાં મતદાન શરૂ 1331 ઉમેદવારોનું ભાવી થશે ઇવીએમમાં કેદ

  • May 07, 2024 07:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં દેશનો સૌથી મોટો ઉત્સવ એટલે કે ચૂંટણી પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. આ તબક્કામાં 1.88 કરોડ મતદારો 1300 થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવાના છે. જેમાં 1કરોડથી વધુ પુરૂષ અને 87 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ગુજરાતની 25 બેઠક ઉપરાંત ઉત્તર પ્રદેશની 10, બિહારની 5, મધ્યપ્રદેશની 9, પશ્ચિમ બંગાળની 4, મહારાષ્ટ્રની 11, કર્ણાટકની 14, છત્તીસગઢની 7, ગોવા અને દમણની 2 બેઠકો, દીવની 2, જમ્મુ અને કાશ્મીરની 1બેઠક ઉપર મતદાન શરુ થઇ ચુક્યું છે.

ત્રીજા તબક્કામાં કુલ 1,331 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મુખ્ય છે, જ્યારે કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ મુખ્ય છે. આ સિવાય ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુલે, અધીર રંજન ચૌધરી અને બદરુદ્દીન અજમલ જેવા દિગ્ગજ સૈનિકોનું ભાવિ પણ દાવ પર છે.


પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર મતદાન

પશ્ચિમ બંગાળની 4 લોકસભા બેઠકો - માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર અને મુર્શિદાબાદમાં મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 57 ઉમેદવારોમાંથી જાંગીપુરમાં 14, માલદા ઉત્તરમાં 15, માલદા દક્ષિણમાં 17 અને મુર્શિદાબાદમાં 11 ઉમેદવારો છે. મુર્શિદાબાદમાં સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમ, ટીએમસીના અબુ તાહિર ખાન અને ભાજપના ઉમેદવાર ગૌરી શંકર ઘોષ વચ્ચે મુખ્ય મુકાબલો થશે.

 

ઉતરપ્રદેશમાં 10 બેઠકો પર મતદાન

યુપીની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, આમલા અને બરેલીમાં મતદાન થશે. આ તબક્કામાં 1.88 કરોડ મતદારો 100 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 1 કરોડથી વધુ પુરુષ મતદારો અને 87 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.


મધ્યપ્રદેશની 9 બેઠકો પર મતદાન

મધ્યપ્રદેશની 9 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. અહીં મુરેના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ અને બેતુલ બેઠકો પર મતદાન થશે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી, શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજગઢથી ચૂંટણી લડી રહ્યા છે.

 

મહારાષ્ટ્રમાં 11 બેઠકો પર મતદાન

મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 11 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આમાં બારામતી સીટ પણ સામેલ છે. જ્યાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કામાં બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાટકનાંગલેમાં મતદાન થશે.

સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે યોજાયો હતો અને તેનો છેલ્લો તબક્કો 1 જૂનના રોજ યોજાનાર છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. પહેલા તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું. 4 જૂને પરિણામ જાહેર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application