BREAKING NEWS

વેકેશનમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાતે પધારો: શહેરીજનોને આમંત્રણ

  • May 23, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ આજે માત્ર એક મ્યુઝિયમ નથી, પરંતુ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન, વિચારો, સંસ્કાર અને સંઘર્ષયાત્રાને નજીકથી અનુભવાવતું એક જીવંત પ્રેરણાધામ બની ગયું છે. ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલની ૧૭૧ વર્ષ જૂની ભવ્ય ઇમારતમાં નિર્મિત આ મ્યુઝિયમ દેશ-વિદેશના મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ શાળા કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સૌ રાજકોટવાસીઓને સહ પરિવાર ગાંધી મ્યુઝિયમ નિહાળવા રાજકોટ મહાપાલિકા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. રાજકોટની આ ઐતિહાસિક શાળા એ જ સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીએ ઇ.સ. ૧૮૮૦ થી ૧૮૮૭ દરમિયાન ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધી એમ આઠ વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો હતો. બાળમોહનથી મહાત્મા બનવાની યાત્રાના મૂળ સંસ્કારો આ શાળા સાથે જોડાયેલા છે. તેથી આ ઇમારતને દેશના ઇતિહાસમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક વારસાને જાળવી રાખી અત્યાધુનિક સુવિધાઓ સાથે ભવ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા માત્ર ઇમારતનું સંરક્ષણ જ નહીં પરંતુ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના મૂલ્યો અને ગાંધીજીના જીવનદર્શનને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ભવ્ય શાળા ઇમારતનું આર્કિટેક્ચર બ્રિટિશ યુગના જાણીતા આર્કિટેક્ટ સર રોબર્ટ બેલ બૂથ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ગોથિક શૈલીમાં બનેલી આ ઇમારત આજે પણ પોતાના ઐતિહાસિક વૈભવ અને સૌંદર્ય માટે જાણીતી છે. વારસાગત સ્થાપત્ય અને આધુનિક મ્યુઝિયમ ટેક્નોલોજીનો અદભૂત સમન્વય અહીં જોવા મળે છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્ હસ્તે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદથી જ મ્યુઝિયમને દેશ-વિદેશના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ ગાંધીચિંતકોનો વિશાળ પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં આશરે ૩.૮૧ લાખથી વધુ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લઇ ગાંધીજીના જીવનમૂલ્યો અને દેશભક્તિના સંદેશનો અનુભવ કર્યો છે. રાજકોટ શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવ તરીકે આ મ્યુઝિયમ આજે વૈશ્વિક સ્તરે પણ ઓળખ મેળવી રહ્યું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં કુલ ૩૯ વિવિધ ગેલેરીઓ વિકસાવવામાં આવી છે, જેમાં ગાંધીજીના બાળપણથી લઈને દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ, સ્વાતંત્ર્ય ચળવળ, અહિંસા, સત્યાગ્રહ અને ભારતના રાષ્ટ્રનિર્માણ સુધીની સમગ્ર જીવનયાત્રાને અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. દરેક ગેલેરી આધુનિક ટેક્નોલોજી, ડિજિટલ ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા મુલાકાતીઓને જીવંત અનુભવ કરાવે છે. વિશેષરૂપે મ્યુઝિયમમાં રજૂ થતો લાઇટ એન્ડ સાઉન્ડ શો મુલાકાતીઓને ગાંધીજીના જીવનપ્રસંગો સાથે ભાવનાત્મક રીતે જોડે છે. આ શો દ્વારા સત્ય, અહિંસા, સ્વદેશી, સ્વરાજ અને માનવતાના મૂલ્યોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. યુવા પેઢી માટે આ મ્યુઝિયમ પ્રેરણા અને રાષ્ટ્રપ્રેમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુઝિયમમાં આવતા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ, માર્ગદર્શન, માહિતી કેન્દ્ર, ડિજિટલ પ્રદર્શન અને સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. શૈક્ષણિક પ્રવાસો, સંશોધનકાર્યો અને સાંસ્કૃતિક અભ્યાસ માટે પણ આ મ્યુઝિયમ અત્યંત ઉપયોગી બની રહ્યું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ આજે માત્ર રાજકોટનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગાંધી વિચારોને જીવંત રાખતું એક અનોખું સંસ્કૃતિધામ બની ગયું છે. અહીં આવતા દરેક મુલાકાતીને રાષ્ટ્રસેવા, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application