રોહિત શર્મા બાદ ક્રિકેટના કિંગ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી ‘વિરાટ’ સન્યાસ, ભાવુક પોસ્ટ કરી, વાંચો શું લખ્યું?

  • May 12, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીએ ૧૨ મે, ૨૦૨૫, સોમવારના રોજ સવારે ૧૧:૪૩ વાગ્યે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની માહિતી આપી.


વિરાટ કોહલીની નિવૃત્તિ પોસ્ટ

વિરાટ કોહલીએ ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે લઈ જઈશ."

ટેસ્ટ ક્રિકેટે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે - વિરાટ કોહલી

કોહલીએ આગળ લખ્યું, "સફેદ જર્સીમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેમાં મારું બધું જ આપ્યું છે અને તેણે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે."​​​​​​​

વિરાટ કોહલીએ ટેસ્ટ ડેબ્યૂ ક્યારે કર્યું?

વિરાટ કોહલીએ 20 જૂન 2011 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટેસ્ટ ડેબ્યૂ મેચ રમી હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા.


વિરાટ કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ ક્યારે રમી હતી?

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 ની પાંચમી ટેસ્ટ વિરાટ કોહલીની છેલ્લી ટેસ્ટ સાબિત થઈ. ૩ જાન્યુઆરીથી ૫ જાન્યુઆરી દરમિયાન રમાયેલી આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં કોહલીએ ૧૭ રન બનાવ્યા હતા. તેણે પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ ઇનિંગમાં ૬ રન બનાવ્યા હતા.


વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી કેવી રહી?

આ ૧૪ વર્ષના ટેસ્ટ કરિયરમાં વિરાટ કોહલીએ ૧૨૩ મેચની ૨૧૦ ઇનિંગ્સમાં કુલ ૯૨૩૦ રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે, જે તેમણે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યા હતા. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 31 અડધી સદી અને 30 સદી ફટકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application