જામનગરમાં 'નશાબંધી સપ્તાહ-2023' અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે

  • September 23, 2023 11:00 AM 

તા. 2 થી 8 ઓક્ટોબર સુધી પ્રભાત ફેરી, સરઘસ, વ્યસનમુક્તિ સેમિનાર જેવા વિવિધ પ્રકારના આયોજનો હાથ ધરાશે


જામનગર અને સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે આગામી તા.2 ઓક્ટોબરથી તા.8 ઓક્ટોબર દરમિયાન 'નશાબંધી સપ્તાહ-2023'ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં અડચણરૂપ દારૂ તથા બીડી, સીગારેટથી લોકોને થતા નુકશાન સામે જાગૃત કરવા તથા આવી કુટેવોથી મુક્ત કરવા માટે જાગૃતિ લાવવાનું કાર્ય ધનિષ્ટ રીતે આ સપ્તાહ દરમિયાન કરવામાં આવે છે. દર વર્ષે આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રીઓ અને નશાબંધી મંડળના સંયુકત ઉપક્રમે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. 


નશાબંધી અને આબકારી નિયામકશ્રી, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની સાથે 'નશાબંધી સપ્તાહ-2023'ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન દરેક જિલ્લાના મુખ્ય મથકો પર મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય સમારોહનું આયોજન કરાશે. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી, સરઘસ તથા રેલીઓનું આયોજન હાથ ધરાશે. 


આ ઉપરાંત, લોકજાગૃતિ માટે વ્યસનમુક્તિના વિષય આધારિત સેમિનાર, મહિલા સંમેલન તેમજ ડોક્ટર્સ સંમેલન યોજવામાં આવશે. અમુક વિસ્તારોમાં સ્થાનિક કલાકારો દ્વારા કઠપુતળીના ખેલ, જાદુના ખેલ, શાળાના વિદ્યાર્થીઓના મનોરંજન કાર્યક્રમ તથા સ્ટ્રીટ પ્લે યોજીને લોકોને નશાબંધીના કાર્યક્રમ માટે જાગૃત કરવામાં આવશે. તેમજ, જિલ્લા કક્ષાએ સ્થાનિક ભજનિકો દ્વારા લોકોને જાગૃત કરતા ભજનોના કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ, નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી એસ.સી.વાળા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application