લૂંટ શકો તો લૂંટ લો: રાજકોટ મનપાએ પબ્લિકને લૂંટી કમાણી કરવા કોન્ટ્રાક્ટરને છૂટો દોર આપ્યો, અટલ સરોવરે વેકેશન મેલા બન્યો લૂંટમેળો

  • May 03, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ કોન્ટ્રાકટથી નિર્માણ કરાવ્યા બાદ સંચાલન સોંપેલા અટલ સરોવર ખાતે હાલ સંચાલક કોન્ટ્રાકટર એજન્સી દ્વારા ઉનાળુ વેકેશનમાં યોજાયેલો વેકેશન કાર્નિવલ મેલા લૂંટ મેળો બની ગયો છે. પેઇડ પ્રમોશન કરતા બ્લોગર્સ કે યુ ટ્યુબર્સ દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ કરાતા વીડિયો નિહાળીને અટલ સરોવરે વેકેશન કાર્નિવલ મેલામાં ગયેલા અનેક પરિવારોને અહીં ક્યાં આવી ગયા ? તેવા આંચકાજનક અનુભવો થયા છે. મહાનગરપાલિકા તંત્રએ જ જાણે કોન્ટ્રાકટરને લૂંટ શકો તો લૂંટ લો તેમ કહીને જનતાને લુંટવા છૂટો દોર આપ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.


અટલ સરોવર ખાતે વેકેશન કાર્નિવલ મેલામાં જઇને ભરપેટ પસ્તાયેલા સહેલાણીઓએ આજકાલ દૈનિક સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,


મેક્સિમમ રિટેલ પ્રાઇસથી વધુ કિંમત વસુલાઇ રહી છે

રૂ.૧૦૦ની એન્ટ્રી ટિકિટ લીધા પછી એક્ઝિટ ડોરમાંથી એન્ટ્રી આપે છે અને એન્ટ્રીમાંથી એક્ઝિટ થવાની વ્યવસ્થા રાખી છે ! રૂ.૧૦થી ૨૦નો પાર્કિંગ ચાર્જ ચૂકવ્યા પછી પણ ફોર વ્હીલ અને ટુ વ્હીલ આડેધડ એકસાથે પાર્કિંગ કરાવાય છે. જેથી ત્યાં આગળ પાર્ક કરેલી કાર બહાર કાઢતા નાકે દમ આવી જાય છે. રૂ.૨૦ની કિંમતની પાણીની બોટલના રૂ.૩૦ના ભાવથી વેંચવામાં આવી રહી છે, ખાણીપીણીના તમામે તમામ સ્ટોલ ઉપર રીતસર લૂંટફાંટ ચાલી રહી છે. મેક્સિમમ રિટેલ પ્રાઇસથી વધુ કિંમત વસુલાઇ રહી છે.નાગરિકો માટે ફ્રી માં પીવાના પાણીની કોઇ જ સુવિધા નથી. બાથરૂમ, ટોઇલેટ, યુરિનલમાં સ્વચ્છતાનું નામોનિશાન જોવા મળતું નથી.


બે-ત્રણ વર્ષના બાળકો માટેની રાઈડ્સની ટિકિટ રૂ.૫૦થી ચાલું થાય છે

હિંચકા અને જમ્પિંગ જેવી બે-ત્રણ વર્ષના બાળકો માટેની રાઈડ્સની ટિકિટ રૂ.૫૦થી ચાલું થાય છે.ટાબરીયાઓ માટે લપસીયા કે હિંચકા પણ નથી. હાલ વેકેશનમાં ટ્રાફિક વધતાની સાથે જ હાલ સુધી ચાલુ હતી તેવી સસ્તી ટિકિટવાળી રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે જેથી લોકોને મોંઘા દરની રાઇડ્સમાં જ બેસવું પડે. લોકો લૂંટાય રહ્યા છે કોન્ટ્રાક્ટરને કમાણી થઇ રહી છે.


એકવાર અંદર ઘુસો પછી ફરજીયાત આખું ફરવાનું જ તેવી સ્થિતિ છે

ફાયર સેફટીના સાધનો તો દૂરની વાત છે, સામાન્ય સલામતીની બાબતોનો પણ ભયંકર અભાવ જોવા મળી રહ્યો છે. મેળામાં પ્રવેશો ત્યાંથી બહાર નીકળો ત્યાં સુધી ગંદકી અને મચ્છરનો જ ભેટો થાય. અધવચ્ચેથી બહાર ન નીકળી શકો, એકવાર અંદર ઘુસો પછી ફરજીયાત આખું ફરવાનું જ તેવી સ્થિતિ છે.


બાળકોનો જરાપણ વિચાર જ કર્યો નથી

વેકેશન કાર્નિવલ મેળાના નામે મુલાકાતીઓના ખિસ્સા ખંખેરવામાં અંધ બનેલાઓએ નાના અને મધ્યમ વર્ગના પરિવારો તેમજ તેમના બાળકોનો જરાપણ વિચાર જ કર્યો નથી. પાંચસો-હજાર રૂપિયા ખર્ચ્યા પછી પણ મનોરંજન મેળવ્યા વિના જ પરત ફરવું પડે તેવો મેળો છે.


ફક્ત સંચાલન કોન્ટ્રાકટર એજન્સીને સોંપાયું છે

રાજકોટ મહાપાલિકા તંત્ર એ બાબતને જાણી જોઇને ભુલી રહ્યું છે કે અટલ સરોવર મહાપાલિકાનું એટલે કે રાજકોટની જનતાનું છે અને મહાપાલિકા મોનિટરિંગ ઓથોરિટી છે, ફક્ત સંચાલન કોન્ટ્રાકટર એજન્સીને સોંપાયું છે. અટલ સરોવર ખાતે સંચાલકીય બાબતોમાં કંઇ પણ નિયમ વિરૂધ્ધ હોય કે ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન્સનો ભંગ થયાનું માલુમ પડ્યે ફરિયાદ મળવાની રાહ જોવાને બદલે ત્વરિત પગલાં લેવા જોઇએ. કોન્ટ્રાકટર એજન્સી સાથે મ્યુનિ.સ્ટાફની મિલીભગત હોય કે અન્ય જે કોઇ કારણ હોય તે લોકો લૂંટાય રહ્યા છે તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ આ મામલે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચારતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application