Uttarkashi Tunnel Rescue: સુરંગમાંથી બહાર આવેલા મજૂરોને 1-1 લાખ રૂપિયાનો અપાશે ચેક, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

  • November 28, 2023 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરકાશી સ્થિત સુરંગમાંથી બહાર આવેલા મજૂરો માટે વધુ એક રાહતના સમાચાર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ કામદારો માટે વળતરની જાહેરાત કરી છે.


ઉત્તરકાશી સ્થિત ટનલમાં ફસાયેલા મજૂરોને 17માં દિવસે ઘણી મુશ્કેલીઓ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેના કારણે મજૂરોની સાથે વહીવટીતંત્ર અને પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરો માટે વધુ એક રાહતના સમાચાર છે. સીએમ ધામીએ કામદારો માટે વળતરની જાહેરાત કરી છે. સરકાર તમામ મજૂરોને 1 લાખ રૂપિયાની રાહત રકમ આપશે.


મુખ્યમંત્રીએ કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આજે હું શ્રમિક ભાઈઓ અને તેમના પરિવારો જેટલો જ આનંદ અનુભવું છું. તેમણે કહ્યું કે હું બચાવ કાર્ય સાથે જોડાયેલા દરેક સભ્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમણે દેવદૂત બનીને આ અભિયાનને સફળ બનાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને નાગ દેવતા ભગવાન બૌખમાં શ્રદ્ધા છે. તેમનું મંદિર પણ બનાવવામાં આવશે.


સિલ્ક્યારા-બરકોટ ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો

12 નવેમ્બરના રોજ ચારધામ યાત્રા માર્ગ પર નિર્માણાધીન સાડા ચાર કિલોમીટર લાંબી સિલ્કિયારા-બારકોટ ટનલનો એક ભાગ તૂટી પડવાના કારણે તેમાં ફસાયેલા મજૂરોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રહેલા બચાવકર્મીઓને 17માં દિવસે આ સફળતા મળી. 


કામદારોને બહાર કાઢવા દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહ પણ હાજર હતા.મુખ્યમંત્રીએ બહાર આવતા કાર્યકરોને ગળે લગાડ્યા અને તેમની સાથે વાત કરી. તેમણે બચાવ કાર્યમાં લાગેલા લોકોની હિંમતની પણ પ્રશંસા કરી.


કામદારોને બહાર કાઢ્યા પછી તેમને ટનલની બહાર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ દ્વારા સિલ્ક્યારાથી 30 કિલોમીટર દૂર ચિન્યાલિસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં બનેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


જો કે, કાટમાળની અંદર 47 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, ઓગર મશીનના ભાગો કાટમાળની અંદર ફસાઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. હૈદરાબાદથી પ્લાઝમા કટર મંગાવીને મશીનના ભાગોને કાપીને અલગ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સોમવારે 'રાટ હોલ માઈનિંગ' ટેકનિકની મદદથી હેન્ડ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ મંગળવારે કાટમાળમાંથી પાઇપ પસાર કરવામાં સફળતા મળી હતી.


NDRF, SDRF, BRO, RVNL, SJVNL, ONGC, ITBP, NHAIDCL, THDC, ઉત્તરાખંડ સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, આર્મી, એરફોર્સ સહિત અનેક સંસ્થાઓએ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application